ભરતનાટ્યમ્ અને કુચિપુડી નૃત્યને જીવંત રાખવાનું શ્રેય સ્મિતા શાસ્ત્રીને જાય છે

ભરતનાટ્યમ્ અને કુચિપુડી જેવાં પારંપરિક અને વારસાગત લોકનૃત્યને જાળવી રાખવાનું અને તેને નવી આગળની પેઢીમાં જીવંત રાખવાના પ્રયાસો કરવાનું શ્રેય કોઈને જાય તો તે સ્મિતા શાસ્ત્રીને જાય છે.
સ્મિતા શાસ્ત્રીએ તેમની ચાર વર્ષની ઉંમરથી નૃત્ય શીખવાનો પ્રારંભ કર્યો હતો. અને એમણે 1962માં દર્પણ એકેડેમીમાં શીખીને આરંગેત્રમ એચ. કે. આર્ટ્સ કોલેજના હોલમાં કર્યું હતું કે જ્યાં તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ પણ કર્ર્યો હતો. તેમણે સંખ્યાબંધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.
આ કલાવારસો તેમના સુધી સીમિત ન રહે અને આવનારી પેઢીમાં જળવાઈ રહે તે માટે તેમણે નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ સ્કૂલનો પ્રારંભ કર્યો.
48 વર્ષની કારકિર્દીમાં તેમણે અત્યાર સુધી 7000 જેટલી કન્યાઓને નૃત્યકલાની તાલીમ આપી છે. ભરતનાટ્યમ અને કુચિપુડીના 200 જેટલા વિદ્યાર્થીઓને તાજેતરમાં જ સ્નાતકની પદવી આપતો દીક્ષાંત સમારોહ યોજાયો હતો અને 4000 પ્રેક્ષકોની વચ્ચે આ વિદ્યાર્થીઓમાંના કેટલાકે તેમનું નિર્દેશન કર્યું હતું.
ભારતદેશ વતી તેમણે ઘણા દેશોમાં સાંસ્કૃતિક રાજદૂત (એમ્બેસેડર) તરીકેની કામગીરી પણ સંભાળી છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં સમુત્કર્ષસ્થિત સ્મિતાબહેન શાસ્ત્રી સાથે વાતચીત થઈ તેના તારવેલા અંશ અત્રે પ્રસ્તુત છેઃ
કલાના ક્ષેત્રમાં કેવી રીતે પ્રવેશ થયો?
આ એક વાર્તા છે. પિતાજી ડોક્ટરના વ્યવસાયમાં ત્યારે પાટણના એક જ્યોતિષીએ પિતાજીને ભવિષ્યવાણી કરી હતી કે તમારે બે દીકરીનો યોગ છે. એક સંગીતકાર અને બીજી નૃત્યમાં જગવિખ્યાત થશે, પણ દીકરીમાં તો હું એક જ છું. બે ભાઈનો પરિવાર છે. મારું મોસાળ કલકત્તા હતું અને અમદાવાદની મામુ નાયકની પોળ અને ત્યાર પછી ઉસ્માનપુરા વિદ્યાનગર પાસે બંગલો છે. હું નાનપણથી જ રેડિયો પર ગીતના સંગીતથી નૃત્ય કરતી અને દર્પણ નૃત્યની તાલીમ લીધી. 1962માં એચ. કે.ના રંગમંચ પર આરંગેત્રમ કર્યું કે જ્યાં મેં કોલેજનો બી.એ. અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. મેં એમ.એ. સુધી અભ્યાસ કર્યો છે.
તમારાં લગ્નની વાત કરશો?


હું જૈન વણિક પરિવારમાંથી આવું છું, અને બ્રાહ્મણ જ્ઞાતિના રાજેશ શાસ્ત્રી સાથે પ્રેમથી લગ્નના બંધનમાં જોડાઈ. રાજેશ શાસ્ત્રી પ્રાચીન શિવાલય કર્ણમુક્તેશ્વરના ટ્રસ્ટી પરિવારના છે. અમદાવાદ શહેરમાં પોળની સંસ્કૃતિમાં મારું સાસરું છે, તેથી તે સમયે હેરિટેજમાં જીવનની શરૂઆત કરી.
મારે બે બાળકો છે. એક દીકરી આંખની સર્જન છે, જેનું નામ લજ્જા છે. દીકરો પોતાનો બિઝનેસ કરે છે. હવેલી જેવા 16 રૂમવાળા મકાનમાં 65 વ્યક્તિના પરિવારમાં મારું ઘડતર થયું છે. પતિનો પ્રિન્ટિંગનો વ્યવસાય છે, પણ મેં નૃત્ય ચાલુ રાખીશ તેવી એકમાત્ર શરત મૂકીને જીવનસફરમાં જોડાઈ અને આજે આ સ્થાને પહોંચી છું.
તમારી મહત્ત્વાકાંક્ષા વિશે જણાવશો?
મારા વિદ્યાર્થીઓ અદ્ભુત નૃત્ય (એક્સલન્ટ) કરે અને સુંદર વર્તન કરે. રસોઈ બનાવવી અને તે પણ સ્વાદિષ્ટ તેવું નૃત્યમાં પણ રાખવું. દીકરી ભવિષ્યની માતા છે, અને સમાજ ઉપર તેની ઘણી છાપ પડતી હોય છે અને જેની અસર સમાજ ઉપર જોઈ શકાય છે.
નૃત્ય માટે તમારી વિશિષ્ટતા કઈ છે? શિક્ષણ કેવી રીતે આપો છો?
મારી વિદ્યાર્થિનીના દિક્ષાંત સમારંભમાં હું ગુરુદક્ષિણા સ્વીકારતી નથી. મારી પાસે સામાન્ય, મધ્યમ પરિવારની દીકરીઓ કલાના ક્ષેત્રમાં જોડાવા આવે છે ત્યારે તેમને ખર્ચના ખાડામાં કે ગુરુને ભેટસોગાતમાં નાખતી નથી. અમદાવાદના લોકોને આરંગેત્રમમાં પેટની વધુ ચિંતા એટલે કે ભોજન-નાસ્તાની વધુ ચિંતા કરે છે, જે હું કરતી નથી. તેથી મારા વિદ્યાર્થિનીના કાર્યક્રમમાં આવા ભભકા સ્વીકાર્ય નથી. હું ગુરુદક્ષિણામાં શ્રીફળ અને સોપારી માત્ર સ્વીકારું છું અને તે પણ નાછૂટકે!! દેખાદેખી કે યલો મેટરની ભેટ જેવું ગમતું જ નથી. પ્રાચીન પરંપરા તથા કલાને જાળવવાનો એક પ્રયત્ન છે. તેથી દીક્ષાંત સમારંભ એવું નામ આપવાનો પ્રયત્ન કરું છું.


જીવનનો યાદગાર પ્રસંગ કહેશો?
હું એક વાર પરદેશની ધરતી ઇંગ્લેન્ડમાં કાર્યક્રમ આપવા ગયેલી. અને ત્યાંની ધોળી પ્રજા સ્ટેજના એક ખૂણામાં બેસીને નૃત્ય જોતાં જોતાં આંખમાં આંસુ સારતી હતી. તેમને પૂછતાં તેમણે કહ્યું કે નૃત્યકલામાં કંઈક છે તેવી અનુભૂતિ બીજા લોકોને થઈ અને નૃત્ય એક ભગવાનની પ્રસાદી છે અને તેમાં શક્તિ પણ રહેલી છે. તે પ્રસંગ મને ખૂબ જ યાદ રહ્યો હતો.
તમારા જીવનની દુઃખદ ઘટના?
નજીકના લોકો બનાવટ કરે તેનાથી દુઃખ જરૂર લાગે છે, પણ જીવનમાં તડકીછાંયડી તો આવ્યા જ કરશે. તેથી યાદ કરવાનો કોઈ અર્થ નથી તેમ માની આગળ ડગ માંડું છું.
નૃત્યમાં ખાવાપીવાની શું કાળજી રાખો છો? અને તમને શું ભાવે?
બધું જ ખાવાનું, પણ નૃત્ય એક શારીરિક કસરત છે. તેથી શરીરને ફિટ રાખવાના પ્રયત્ન સાથે ખોરાક લેવો. હું નોન-વેજ કે ઈંડાં નથી ખાતી. મને કારેલાંનું શાક દીઠું નથી ભાવતું, પણ કંકોડાનું શાક બહુ ભાવે છે. પ્રવાસમાં ગાડી કે ટ્રેનમાં જે તે શહેરની પ્રખ્યાત વસ્તુનો ટેસ્ટ જરૂર કરું છું.
નૃત્યકલા વિશે કંઈક કહેશો?
આ એક દિવ્ય કલા છે. તેનું જતન કરો. પ્રયોગને સ્થાન નથી. વર્ષોથી જે સચવાયું છે તેનું જતન કરો. તેને સાચવી રાખો. આ કલા જીવનના બધા જ રસો શીખવશે.
તમારા શિષ્યોને કેવી શીખ આપો છો?
આ એક કલા છે. પ્રથમ માતા-પિતા ગુરુનું સન્માન કરો. આ ઝરણું આજના યુવાનોમાં સુકાઈ ગયું છે તેને જીવતું કરો.
કલામાં ઈર્ષાને સ્થાન નથી. તેથી ઘરે મૂકીને મારી પાસે આવવું તેવી ખાસ સૂચના વિદ્યાર્થિનીઓને આપું છું. તમારા કાર્યક્રમમાં પણ જમવાની લાલચથી પ્રેક્ષકોને આકર્ષણ ન આપો. સોનાને ટીપીને ઘાટ ઘડાય છે. પછી જ સુંદર આભૂષણ અલંકાર બને છે તેવું કલાના કલાકાર વિદ્યાર્થીઓનું છે.
તમારી નૃત્યકલા બીજા કરતાં કઈ રીતે જુદી પડે છે? વિશિષ્ટતા કઈ છે જણાવશો?
હું કુચિપુડી અલય નૃત્ય સવાસો વર્ષ જૂની 108 માત્રામાં તાલની મલ્લિકામોદ કલા મયૂર નૃત્ય ડાન્સના સ્ટેપથી મોરનું ચિત્ર બને છે. આવાં નૃત્ય કરતા માત્ર 15 કલાકારો જ હાલમાં છે, જેમાંના અમદાવાદમાં પાંચ છે. વર્ષો જૂના કુચિપુડી દ્વારા પગ દ્વારા મોર ચીતરવાનો હોય છે. જમીન પર બ્લુ રંગ લગાવીને તેના પર કોટન ક્લોથ ફ્રેમ મૂકી મોર ચીતરાય છે. 15 મિનિટનું આ નૃત્ય છે.

લેખક ફ્રિલાન્સ પત્રકાર છે.