ભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે

0
2068


પ્રિય લજ્જા,
સ્વર્ગીય ગિરીશભાઈની સ્મૃતિમાં સાત દિવસ ગીતા પારાયણ કર્યું, કદાચ આ પ્રકારનો ગીતાભ્યાસ અને પ્રવચનશૃંખલા પહેલી વાર કરી. ગીતાને જુદી રીતે મૂલ્યાંકનવાની ઇચ્છા તો હતી અને છે, પણ આ રીતે મરણોપરાંત ગીતાને ખોલવાનો પ્રયત્ન સહેજ જુદા પ્રકારનો રહ્યો. અને, હા, અનીશ અને પ્રાર્થનાના સતત પુછાતા પ્રશ્નોએ નવી રીતે મને ગીતા વાંચવા-સમજાવવા પ્રેર્યો. મને પણ હવે ઉત્કંઠા જાગી છે કે આવી રીતે પ્રશ્નોત્તર અથવા તો સાવ એકેડેમિક રીતે ગીતાપઠન કરવું છે… જોયું ને જીવન જાણે કે સંકલ્પોનો નિત્ય રચાતો મનમહેલ છે. તું અને વત્સલ ગીતાવાંચન જે રીતે કરી રહ્યાં છો, તે પણ ઉપયોગી થશે. પશ્નો સિવાયનો ધર્મ કે અધ્યાત્મ અધૂરું રહે છે. એક વાત સાચી છે કે આ જગતમાં જે પરમ સત્ય છે એ પ્રશ્નાતીત છે, એ ભાષાતીત છે. એટલે બધું તર્કથી સમજાવવું મુશ્કેલ છે, પણ કોરો અને ખાલી તર્ક નહીં, પરંતુ શ્રદ્ધાથી ભરેલા બૌદ્ધિક પ્રશ્નો અગત્યના સાબિત થાય છે.
જો મને કોઈ કહે કે ગીતાને એક જ શબ્દમાં સમજાવો તો કહું, મા શુચઃ તું શોક ના કર … અર્જુનની માનસિકતા શોકથી ઘેરાયેલી હતી, આવડો મોટો બાણાવળી મારે લડવું નથી. એમ કહીને બેસી ગયો હતો. કારણ એને એક રીતે સ્વજનોના સંભવિત મૃત્યુનો ભય અને શોક લાગવા લાગ્યો હતો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ એને મૃત્યુનું રહસ્ય સમજાવે છે. પહેલી દલીલ તો એ છે કે દરેક જન્મેલી વ્યક્તિ માટે મૃત્યુ અનિવાર્ય છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવં જન્મ મૃતસ્ય ચ જે અનિવાર્ય છે તેને માટે શોક ના કરવો જોઈએ. મૃત્યુમાં આપણને જે શોક થાય છે તે આપણા સ્વજનના જવાના કારણે થતો હોય છે, પણ મૃત્યુનું સાચું સ્વરૂપ અને વાસ્તવિકતા સમજીએ તો શોકમાંથી બહાર નીકળી શકાય છે. બીજું, મૃત્યુ એ સ્થિત્યંતર માત્ર છે. જેમ માણસ મલિન વસ્ત્રો બદલે છે એ જ પ્રમાણે આત્મા થાકેલા શરીરને છોડી દે છે… અહીં ત્રીજું કારણ એ મામકાઃનું પણ છે, અર્જુનને હિંસાથી વાંધો નથી, પણ જે સામે ઊભા છે એ મારા સ્વજનો છે. આ સ્વજનો જ્યારે દ્રૌપદીનું વસ્ત્રહરણ જેવી જઘન્ય ઘટના બની ત્યારે ચૂપ હતા. જેને અર્જુન પૂજ્ય ગણે છે, માટે કેવી રીતે એની સામે યુદ્ધ કરવું એવી દલીલ કરે છે એ જ સ્વજનોએ સમાધાન માટે કૃષ્ણ ગયેલા ત્યારે કેવી જડતા બતાવેલી તે અર્જુન ભૂલી જાય છે, માટે અર્જુનનો વિષાદ એ મનની નબળાઈનું પરિણામ છે. અને આ વાત મૂળ તો મોહમાંથી જન્મે છે. શ્રીકૃષ્ણ ગીતામાં કામ, ક્રોધ અને મોહને મનુષ્યના સૌથી મોટા દુશ્મન ગણે છે. અને અંતે કર્મયોગનો સૌથી મોટો સિદ્ધાંત જેને ગાંધીજી ગીતાનું સારસર્વસ્વ તત્ત્વ ગણે છે તે છે, અનાસક્તિ યોગ. આસક્તિ છોડો તો મોહ અને ક્રોધ અને મોહને કાબૂમાં રાખી શકાય. અહીં સૂક્ષ્મતાથી અને ટૂંકમાં તને કહું છે એટલે કૃષ્ણ અહંકારને છોડવાની એક જડીબુટ્ટી આપે છે, અને એ છે, કર્તાપણાની ભાવના. નરસિંહ મહેતા યાદ આવેઃ હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ જગતમાં કર્મ કરો. પણ ફળની આશા ના રાખો. આ અવસ્થા જ માણસને સ્થિતપ્રજ્ઞ કે ગુણાતીત કે ભક્ત બનવા તરફ દોરી જાય છે. ફળ તમારા હાથમાં નથી, તમે કર્તા નહીં માત્ર નિમિત્ત છો, એ ભાવના કેળવવાથી એક જુદા જ પ્રકારની અલગારી માનસિકતા વિકસે છે.
આપણે ત્યાં કોઇનું મરણ થાય એટલે ભજનનું મહત્ત્વ વધી જાય છે, કારણ ગીતામાં કૃષ્ણે જે રીતે ભક્તિયોગનો મહિમા કર્યો છે, એ કર્મ કરનારની ફલાસક્તિ વગરની માનસિકતાને વધુ સરળ અને પ્રવાહી બનાવે છે. ભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે. ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે. અહીં મોરારીબાપુની એક સરસ ઉક્તિ છે, જો આપણું ધાર્યું પરિણામ આવે તો માનવું આ હરિની કૃપા છે, અને આપણી અપેક્ષાથી વિપરીત પરિણામ આવે તો માનવું કે હરિની ઇચ્છા કશીક આવી હશે. જીવનના આ સમાધાનોનું મનમાંદઢીકરણ ના થયું હોય તો આ સંસારની માયામાં ફસાઇ જવાય એમ છે.
અમે ગીતાના તમામ અધ્યાયનું પારાયણ કર્યું અને દરેક અધ્યાયને અંતે એના સારરૂપ તત્ત્વદર્શનને ચાળીને કહ્યું. મને લાગે છે, આ રીતે પરિવારમાં બેસીને ગીતાગાન કરવાથી એક પ્રકારની શાંતિનો અનુભવ થાય છે.
આમ ઇગ્લેન્ડની સફર કરતાં કરતાં અમે અચાનક જ અમેરિકા આવી ગયા છીએ. અને આ રીતે એક સ્વજનના મૃત્યુને કારણે ઊભા થયેલા શોકના વાતાવરણમાં કૃષ્ણવચનોથી વાતાવરણને અર્થસભર બનાવીને સાંત્વના આપી શકાઈ એનો સંતોષ છે.
વધુ ક્યારેક ફરીથી…
શુભાશિષ, ભાગ્યેશ.

લેખક ગાંધીનગરસ્થિત સર્જક છે.