ભગવાન જગન્નાથની અપૂર્ણ મૂર્તિની દિવ્યકથા

ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર ગુજરાતમાં યોજાશે. ખાસ કરીને અમદાવાદ શહેરની રથયાત્રા વિશેષ અને શ્રદ્ધાનું કેન્દ્ર બને છે. આ પરંપરા ઓડિશામાં આવેલા જગવિખ્યાત જગન્નાથપુરીની રથયાત્રા સાથે સંકળાયેલી જણાય છે. પુરીમાં હજારો વર્ષ પહેલાં બંધાયેલા ભગવાન જગન્નાથના ભવ્ય, વિશાળ અને શિલ્પસૌંદર્યથી સભર મંદિરની આભા આજે એટલી જ તેજોજ્વલ્લ છે. પુરીના આ મંદિરમાં પ્રતિષ્ઠિત જગન્નાથજીની અપૂર્ણ મૂર્તિ પાછળની કથા ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનપ્રદ છે, કારણ કે આ કથામાં માનવીના અહંકાર, અહંકારની ગ્લાનિ, ભાવ-શક્તિ અને અથાગ કર્મયોગનો સુંદર બોધ રહેલો છે.
સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરગ શાસ્ત્રી આઠવલે આ કથાને તેમનો મૌલિક અને અવલૌકિક જ્ઞાનસ્પર્શ આપતાં કહે છે કે આટલા ભવ્ય અને સુંદર મંદિરમાં ભગવાનની મૂર્તિ લાકડાની અને તે પણ હાથ-પગ વગરની છે! આવું કેમ બન્યું હશે તે જરા ઊંડાણથી સમજવું પડશે.
હજારો વર્ષ પહેલાં પુરીમાં ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાનું શાસન હતું. તેણે અતિશય સુંદર, મનોહારી પ્રાસાદોવાળી આ નગરીનું નિર્માણ કર્યું ત્યારે તેને વિચાર આવ્યો કે આવી સુંદર નગરીમાં એક ઉત્કૃષ્ટ મંદિર પણ હોવું જોઈએ. રાજાએ લાખો રૂપિયા ખર્ચીને, ગામેગામથી ઉત્તમ શિલ્પીઓને બોલાવી એક અદ્ભુત મંદિર બનાવવા તેઓને આદેશ આપ્યો. શિલ્પકારોએ રાત-દિવસ શ્રમ કરીને, સોનાનાં ફૂલો અને હીરા-માણેકજડિત, જોનારને આંજી દે તેવું જળહળ મંદિર ખડું કરી દીધું. એક દિવસ એક બ્રાહ્મણ મુસાફરી કરતો કરતો આ મંદિરમાં આવ્યો. તેણે રાજા પાસે આવી મંદિરનાં ખૂબ વખાણ કર્યાં અને પછી ધીમેથી પૂછ્યું, ‘આવા સુંદર મંદિરમાં મૂર્તિ કોની બેસાડશો?’ રાજા થોડો ઝંખવાણો પડ્યો. તેણે કહ્યું ‘આ વિશે તો મેં વિચાર્યું જ નથી.’ ત્યારે તેણે નીલાંચળ પર્વતમાં સ્થિત નીલમાધવની મૂર્તિ સ્થાપવા સૂચન કર્યું. રાજાએ વિદ્યાપતિ નામના બુદ્ધિશાળી જાસૂસને આ મૂર્તિ લાવવાનું કામ સોંપ્યું. વિદ્યાપતિ નીલાંચળ પર્વત પહોંચ્યો ત્યારે ખબર પડી કે ત્યાં વસતા શબરોનો સરદાર વિશ્વાવસુ જ આ મૂર્તિની પૂજા કરતો હતો. બીજા કોઈને તેની ખબર પણ નહોતી. વિદ્યાપતિએ વિશ્વાવસુની યુવાન પુત્રી સાથે પ્રેમસંબંધ બાંધ્યો અને તેને આ મૂર્તિનાં દર્શન કરાવવા વિવશ કરી. વિશ્વાવસુએ વિદ્યાપતિને નીલમાધવની અલૌકિક મૂર્તિનાં દર્શન કરાવ્યાં, પણ તેણે જોયું કે વિદ્યાપતિની આંખમાં ભક્તિભાવ નથી, પણ લોભ છે તેથી તેણે વિદ્યાપતિને ગુફામાં પૂરી દીધો. પછી તો વિદ્યાપતિ માંડ ત્યાંથી છૂટ્યો. રાજાને બધી વાત કરી. ફરી તે સૈન્ય લઈ નીલાંચળ પર્વત મૂર્તિ મેળવવા આવ્યો, પણ મૂર્તિ ત્યાંથી અદશ્ય થઈ ગઈ.
રાજા નિરાશ થયો, ત્યારે ભગવાન નીલમાધવે રાજાને દર્શન આપીને કહ્યું કે તું અહંકારના જોરે મૂર્તિ લેવા માગતો હતો. શબરોના જેવો ભાવ-સમર્પણ તારામાં નથી. અહંકારથી હું કદી તારા મંદિરમાં આવીશ નહિ. રાજાને જ્ઞાન થયું, પશ્ચાત્તાપ થયો. તેણે સો સો યજ્ઞો કરાવ્યા. પાંડુરગ શાસ્ત્રી કહે છે કે આ યજ્ઞો ખરા અર્થમાં તપસ્વી અને તેજસ્વી બ્રાહ્મણો દ્વારા થતાં સંસ્કૃતિનિર્માણનાં કાર્યો હતાં. રાજાએ કરેલો આ એક મહાન કર્મયોગ હતો. ભગવાન પ્રસન્ન થયા. રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે દરિયાકિનારે તરતું એક મોટું લાકડાનું થડ આવશે. તેમાંથી મારી મૂર્તિ બનાવજે. રાજાએ થડ મેળવ્યું. કારીગરોએ મૂર્તિ બનાવવા પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગયા. ત્યારે એક વૃદ્ધ અંધ કારીગર આવ્યો. તેણે કહ્યું કે મૂર્તિ હું બનાવીશ, પણ એકવીસ દિવસ સુધી ગર્ભગૃહનાં બારી-બારણાં બંધ રાખવાં પડશે. કોઈ અંદર આવી શકશે નહિ. પ્રભુની આ બીજી કસોટી હતી. રાજાએ વાત સ્વીકારી તો ખરી, પણ મનમાં શંકા હતી. તેમાં તેની પત્નીએ તેની આ શંકાને વધુ પ્રબળ બનાવી. રાજા પણ માનવી હતો, તે ફરી ભૂલ કરી બેઠો અને સાતમા દિવસે જ ગર્ભગૃહનાં દ્વાર ખોલી નાખ્યાં. અંદર જોયું તો કોઈ જ નહોતું, હતી હાથ-પગ વગરની અને માત્ર માથા-મોઢા અને આંખોવાળી મૂર્તિ… વૃદ્ધ કારીગર અદશ્ય થઈ ગયો હતો. રાજાને ખૂબ પસ્તાવો થયો. તેની આંખો આંસુથી ભીંજાઈ ગઈ. પ્રભુને પ્રાર્થવા લાગ્યો.
તે વખતે આકાશવાણી થઈ. આ મહાન કર્મયોગીનું મંદિર છે. તેમાં આ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કર. આ મૂર્તિ લોકોને આશીર્વાદ આપશે, આશ્વાસન આપશે, શરણે આવેલાને માર્ગદર્શન આપશે. પાંડુરગ શાસ્ત્રી કહે છે કે આ મૂર્તિ ઉપદેશાત્મક છે. જગન્નાથજીના મંદિરમાં દર્શન કરવા ઊભા રહો ત્યારે તે સમજાશે કે ભગવાન અહંકારથી આવતા નથી, સત્તાથી આવતા નથી, પણ કર્મથી, કર્મના સમર્પણથી આવે છે. તમે એવો કર્મયોગ કરશો તો ભગવાન વગર બોલાવ્યે આવશે. બીજા લોકો અને તમારામાં જ રહેલો સંશયાત્મક એ કર્મયોગમાંથી ચલાવવા પ્રયત્નો કરશે, તમારો વિશ્વાસ ડગાવવા પ્રયાસ કરાવશે, પરંતુ તમે મક્કમપણે એ કર્મયોગને વળગી રહેજો. જે માણસ આમ કરશે તેના હાથમાં જ મુક્તિ છે. તમે આ મંદિર અને પાવન મૂર્તિનાં દર્શન કરો ત્યારે તે બન્ને પાછળ ઊભા રહેલા ઇન્દ્રદ્યુમ્નને ભૂલશો નહિ. જે કર્તૃત્વ અને પ્રેમને કારણે ભગવાન કાષ્ઠ થઈને તેમની પાસે આવ્યા તે ભુલાય જ કેમ? ઇન્દ્રદ્યુમ્નનું ચરિત્ર ખરેખર મહાન કર્મયોગીનું ચરિત્ર છે.
આ અપૂર્ણ મૂર્તિ આપણી સૌની અપૂર્ણતાની ઝાંખી કરાવે છે, કારણ કે ભગવાન તો પૂર્ણ છે, પરંતુ આપણે અપૂર્ણ છીએ અને એ અપૂર્ણતા સાથે માનવે ભગવાનની મૂર્તિ બનાવી છે. છતાં અહીં રાજાની અપૂર્ણતાને ભગવાને સ્વીકારી છે, કારણ કે રાજાનો ભાવ અને કર્મ ભગવાન માટે છે તેના અહંકારનો વિલય થયો છે. તે કૃતકૃત્ય બની ભગવાનને પ્રાર્થી રહ્યો છે. ભગવાને રાજાના પ્રેમને પ્રમાણ્યો છે માટે જ આ અધૂરી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવા તેને કહ્યું છે.
હાથ-પગ વગરની મૂર્તિનો અર્થ એ છે કે ભગવાનને કંઈ લેવું નથી, કંઈ આપવું નથી, ક્યાંય જવું નથી, માત્ર જોવું નિહાળવું છે. સાક્ષી બનીને આપણા કર્મને, જીવનને જોવું છે. તેનો આપણા પ્રત્યેનો પ્રેમ નિરપેક્ષ છે અને આપણે પણ તેની પાસે નિરપેક્ષ ભાવે જવાનું છે, જે કોઈને ભગવાન જગન્નાથની મૂર્તિની દિવ્ય કથાની જાણ હશે તે જ્યારે આ મૂર્તિનાં દર્શન કરશે તે પછી તેની કલ્પના કરશે ત્યારે તેની દષ્ટિ બદલાઈ જશે. તેનું જીવન બદલાઈ જશે. પ્રભુ અને માનવ વચ્ચેના સંબંધ અને સ્નેહની કડી, માનવીના મિથ્યાભિમાન, અવિશ્વાસ અને છતાં પ્રભુની પ્રેમાળતાનું પ્રતીક એવી આ મૂર્તિ છે. રથયાત્રાના દિને આ રહસ્યને સમજીએ અને પ્રભુ પ્રત્યે કૃતજ્ઞ થઈએ.
124 વર્ષ પહેલાં ઈ. સ. 1878માં આ મંદિરના લોકપ્રિય મહંત નરસિંહદાસજીએ પહેલી વાર રથયાત્રા યોજી હતી. ત્યારે તો એ નાના પાયે યોજાતી, પણ ધીમે ધીમે એનો વ્યાપ વધ્યો અને અમદાવાદના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું. જેઠ મહિનાની દર પૂનમે રથયાત્રાના ભાગરૂપે ભગવાનની જળયાત્રાનીકળે છે. તેને પ્રારંભનો પ્રસંગ ગણવામાં આવે છે. સાબરમતી નદીના કિનારે સોમનાથ ભૂદરના આરે ચાર ગજરાજોવાળી આ યાત્રા જળ લેવા પહોંચે છે. પૂજન-અર્ચન પછી પાછી ફરે તે પછીના 15 દિવસે ભારે ધમધમાટ વર્તાય છે. મંદિરમાં મગ ભરેલી ગૂણીઓના થપ્પા લાગવા માંડે તો કેસરિયાં ઉપરણાં તૈયાર કરવા દરજીઓ રાતદિવસ કામે લાગી જાય છે. જેઠ સુદ પૂનમ પછી પરંપરાગત માન્યતા મુજબ ભગવાન જગદીશ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિઓને આંખે પાટા બાંધી દેવાય છે.


ધાર્મિક માન્યતા એવી છે કે આ ત્રણેય ભાઈ-બહેનોની આંખો દુઃખતી હતી એટલે બીજ સુધી મૂર્તિઓનાં દર્શન પણ થતાં નથી. અષાઢી બીજે સવારે ચાર વાગ્યે પૂજા-આરતી થાય છે અને ત્રણેય મૂર્તિઓ પરથી આંખના પાટા છોડી નખાય છે. સાડા ચાર વાગ્યે ભોગ ધરાવાય છે. આ ભોગમાં ખીચડી, કોળું અને ગવારફળીનું શાક અને દહીં એટલું જ હોય છે. એ ભોગવિધિ પછી ત્રણેય ભગવાનને તેમના અલગ અલગ રથો પર લઈ જવાય છે. સાત વાગ્યે મંદિરમાંથી જય રણછોડ માખણચોરના ગગનભેદી નારાઓ વચ્ચે પહેલાં મંદિરની ગાયો નીકળે પછી ત્રણેય રથ નીકળે છે. આમ હવે અમદાવાદમાં પણ જગન્નાથપુરીની માફક જગન્નાથ મંદિરના મહારાજ ગુજરાતના મુખ્યમંત્રી યાત્રાનો શુભારંભ કરાવે છે, જેને મંદિરની ભાષામાં પહિન્દ કહે છે. રથયાત્રામાં શણગારેલા ગજરાજો, ટ્રક, ખટારા, અંગકસરતના કમાલના ખેલ કરતા અખાડાના અખાડિયનો, ભજનમંડળીઓ, બેન્ડવાજાં, સાધુ-સંતોની મોટી ફોજ જોડાય છે. પરંપરા મુજબ ત્રણેય રથોને ખલાસ જ્ઞાતિના લોકો દોરડાથી ખેંચે છે. એ એમનો આગવો અધિકાર છે. અષાઢી બીજે અમદાવાદમાં 141મી રથયાત્રા શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસથી જમાલપુર જગન્નાથજી મંદિરેથી નીકળશે. અષાઢી બીજ બાર બીજમાંથી સર્વોત્તમ છે. આ શુભ પર્વે ખેડૂતો વાવણી કરે છે. આખું શહેર લગભગ તે દિવસે શહેરના રાજમાર્ગો પર આવી જાય છે. મગ-જાંબુ અને દાડમનો પ્રસાદ લેવા માટે સેંકડો લોકો કલાકો સુધી ઊભા રહે છે. એમની ઇચ્છા હોય છે કે ક્યારે એ ત્રણ રથ નીકળે ને દર્શન થાય. હા, આ બધું વર્ણન એક સદી કરતાં પણ વધુ સમયથી દર વર્ષે અષાઢી બીજે નીકળતી રથયાત્રાનું છે. શહેરના જમાલપુર જગન્નાથ મંદિરેથી વહેલી સવારમાં જ નીકળતી રથયાત્રા અમદાવાદના નગરજનો જ નહિ, ગુજરાતમાંથી ઠેરઠેરથી આવતા અનેક ભાવિકજનો માટે એક શ્રદ્ધાયાત્રા છે, તો એ હેમખેમ પાર પડે તે શહેરના પોલીસતંત્ર માટે બોતેર કલાકની આકરી પરીક્ષાનું પર્વ બની રહે છે. ગુજરાતમાં હવે 50 જેટલાં નાનાં-મોટાં નગરોમાં રથયાત્રા યોજાવા લાગી છે, પરંતુ અમદાવાદની યાત્રા શિરમોરસમી છે. ભારતના પૂર્વ કિનારે જગન્નાથપુરીમાં યોજાતી રથયાત્રા પછીની દેશમાંની આ સૌથી મોટી રથયાત્રા છે.
શ્રી જગન્નાથ મંદિરના મહામંડલેશ્વર ગુજરાતી મહારાજ શ્રી દિલીપદાસજીએ જણાવ્યું કે અમદાવાદનું મંદિર એક સંત દ્વારા મિલ મજૂરના વિસ્તારમાં પ્રસ્થાપિત કરેલ મંદિર છે. જ્યારે પુરીનું મંદિર રાજા દ્વારા નિર્મિત થયેલ છે. સંતોની પરંપરા જાળવી રાખીને પ્રસાદથી માંડીને રથયાત્રાની પ્રતિષ્ઠા વધતી ચાલી છે. રથયાત્રાની વિશેષતા એ છે કે, સાધુ સંતો દ્વારા શહેરના દરેક પ્રકારના જાતિ-જ્ઞાતિના સમૂહને એકત્રિત કરવાનું મહાપર્વ એટલે રથયાત્રા. રથયાત્રાનું સંચાલન ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી ચાલે છે. કીડીને કણ અને હાથીને મણ’ મુજબ મળતું રહે છે. રથયાત્રાનો સંદેશો એટલો જ છે કે, વસુદેવ કુટુમ્બક્વ – સમાજમાં ધર્મનિરપેક્ષતાથી પ્રભુતાના વાસ તરીકે ભાઈચારાથી સદ્ભાવના સાથે રહી રથયાત્રાનો મહોત્સવ દિપાવવો જોઈએ.
પ્રથમ રથયાત્રામાં ભગવાનની મૂર્તિ ગાડામાં અને આગળ બે બ્રિટિશ ઘોડેસવાર રહેતા
જગન્નાથજીની સૌપ્રથમ રથયાત્રા 139 વર્ષ પહેલાં 1875માં ગાડામાં કાઢવામાં આવી હતી. જમાલપુર અને દાણી લીમડાના ખલાસી કોમના લોકોએ ત્રણેય રથ ખેંચ્યા હતા. રથયાત્રા આગળ આખા રૂટ પર માત્ર બે બ્રિટિશ અધિકારીઓ ઘોડા પર હાજર રહેતા. જગન્નાથ મંદિરની સ્થાપના 1877માં સારંગદાસજી મહારાજ દ્વારા નરસિંહદાસજીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી, જ્યાં અત્યારે જગન્નાથજીનું મંદિર છે ત્યાં હનુમાનજીનું મંદિર બનાવવા માટે અહેમદશાહ બાદશાહે જમીન આપી હતી.
જ્યારે સૌપ્રથમ રથયાત્રા કાઢવાનું નક્કી થયું ત્યારે મંદિરની આસપાસના વિસ્તારમાં રહેતા ખલાસી કોમના લોકોએ રથ ખેંચવાની જવાબદારી લીધી. આ સમયે ખલાસી કોમના લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે, આવનારા ભવિષ્યમાં પણ આ જ કોમના લોકો રથ ખેંચશે. તે વખતે રથયાત્રા વહેલી પૂરી થઈ જતી હતી. લોકો પ્રસાદ લેવા માટે લાઇનસર ઊભા રહેતા. લોકો હાથમાં કરતાલ લઈને રથયાત્રા સાથે ચાલતા.
પ્રથમ રથયાત્રામાં ત્રણેય રથ નાળિયેરના ઝાડનાં પાંદડાં અને છાલથી શણગારવામાં આવ્યા હતા. શણગાર પણ ખલાસી કોમના સભ્યો જ કરતા અને નરસિંહદાસ મહારાજ માર્ગદર્શન આપતા. તે સમયે સાબરમતી નદીનો પટ વિશાળ હતો. મંદિરની નજીક જ પાણી હિલોળા લેતું હતું. સૌપ્રથમ રથયાત્રાની આવી વિગતો જાણીને આજની રથયાત્રાની સરખામણી કદી ન થઈ શકે. પ્રથમ રથયાત્રામાં માત્ર બે જ બ્રિટિશ અધિકારીઓ ઘોડા પર રહેતા જ્યારે આજે પોલીસોનો કાફલો ખડકી દેવાય છે. આજની રથયાત્રા ધાર્મિકતાના મહત્ત્વ કરતાં સુરક્ષાને અગ્રેસરતા અપાય છે.
રથયાત્રાનો ખર્ચ છ કરોડથી વધુ
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસતંત્ર જુદા જુદા વિભાગ એસ.આર.પી., અર્ધ લશ્કરી દળો તથા રાજ્ય બહારની રિઝર્વ પોલીસને બોલાવવામાં આવે છે. આ તમામને બંદોબસ્ત સ્થળે પહોંચાડવા વાહન, પેટ્રોલ, દૈનિક ભથ્થું તેમ જ જમવાનો ખર્ચ 70 લાખથી પણ વધુ રૂપિયા થાય છે. સાત પોલીસમથક વિસ્તારમાંથી પસાર થતી યાત્રામાં એક દિવસ અગાઉથી જ બંદોબસ્ત ગોઠવી દેવાય છે. શહેરની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ખર્ચ અંદાજિત છ કરોડથી પણ વધુ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. ગત વર્ષે 700થી વધુ પોલીસ અધિકારીઓ અને 25,000 પોલીસ હોમગાર્ડઝ સહિત કર્મચારીઓનો સમાવેશ થયો હતો. 15 વર્ષ પહેલા રથયાત્રાનો ખર્ચ અંદાજે બે લાખ રૂપિયા હતો. આજે તે વધીને છ કરોડથી પણ વધુ પહોંચી ગયો છે.
કોમી એખલાસનું પ્રતીક વસંત રજબ
રથયાત્રા વાજતેગાજતે નીકળે ત્યારે કોમી એખલાસનું ઇતિહાસનું પાનું ખોલવું પડે છે. 70 વર્ષ પહેલાં અમદાવાદની રથયાત્રા અને સદ્ભાવનાની યાદ તાજી થાય છે. જેમાં ભાઈચારો, એકતા અને શાંતિ માટે હિન્દુ-મુસ્લિમ ભાઈબંધ વસંતરાવ હેગિસ્ટે અને રજબઅલી લાખાણીએ બીજા માટે થઈને પોતાનો જાન ન્યોછાવર કર્યો હતો. અમદાવાદ પોલીસે બે મિત્રોની યાદમાં બંધુત્વ સ્મારક બનાવીને ચિરંજીવ રાખવાનો પ્રયાસ કર્યો છે.
રથયાત્રામાં અખાડાનું આકર્ષણ
રથયાત્રા હોય એટલે અખાડા તો હોય જ. પણ ધીમે ધીમે અખાડા ભૂલાતા ગયા છે. આજે પણ થોડા ઘણા બચ્યા છે તે તેનો કરતબ બતાવતા જ હોય છે. તેમાં છેલ્લાં એક વર્ષથી નવો ઉમેરો જોવા મળ્યો છે તે છે મલખમ, એરિયલ અને રીંગ પર દાવ – કરતબ.

લેખક ફ્રિલાન્સ પત્રકાર છે.