ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાઃ ભગવાનને બનારસી મોતીનાં આભૂષણો

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે મંગળવારે શહેરના ભક્તો મામેરું લઈને મંદિરમાં આવ્યા હતા અને ભક્તોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તસવીરમાં મામેરું નિહાળતા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ. (ફોટોસૌજન્યઃ ડીએનએડોટકોમ)

અમદાવાદઃ અમદાવાદમાં 14મી જુલાઈ, શનિવારે ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા અષાઢી બીજે પરંપરાગત રીતે પવિત્ર પુષ્ય નક્ષત્ર અને ગજકેસરી યોગમાં નીકળશે. રથયાત્રાના દિવસે નિજ મંદિર પરિસરમાં ભક્તો માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ દોઢ કરોડનો વીમો લેવામાં આવ્યો છે. રથયાત્રા એક કિલોમીટર લાંબી હશે અને 18.5 કિલોમીટરનું અંતર પસાર કરશે.
ભગવાન જગન્નાથજી મથુરા અને બનારસથી લાવવામાં આવેલાં રજવાડી વસ્ત્રોમાં રાજા-મહારાજાના વેશમાં નગરચર્યાએ નીકળશે, જેમાં 18 શણગારેલા ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો, 30 અખાડા, 18 ભજનમંડળીઓ, ત્રણ બેન્ડવાજાં, 2500 સાધુસંતો જોડાશે. આ વર્ષે રથયાત્રામાં સૌપ્રથમ વાર ભારતીય અખાડા પરિષદના મોટા સંતોે-મહંતો અને કુંભમેળાના સાધુસંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી, સૌરાષ્ટ્રમાંથી હાજરી આપશે.
જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે અષાઢી બીજે આ વર્ષે સૌપ્રથમ વાર જગદ્ગુરુ રામાનંદાચાર્ય સ્વામી હંસદેવાચાર્યજી મહારાજની નિશ્રામાં રથયાત્રાનો આરંભ થશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અષાઢી બીજના રોજ રથયાત્રામાં વહેંચાતાં મગ, કેરી, કાકડી, જાંબુ માટેનો પ્રસાદ મોકલવાની પરંપરા જાળવી રાખશે.
મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે ભગવાન જગન્નાથના અષાઢી એકમનું જે સ્વરૂપ છે તેને નવયુવાનના દર્શન સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ વાર અષાઢી એકમ, શુક્રવારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને બનારસી મોતીનાં આભૂષણો ચડાવાશે. આ વખતે મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા બનારસી મોતીનાં આભૂષણો ભગવાનને ચડાવવામાં આવશે. દેશનાં અન્ય તમામ જગન્નાથ મંદિરોમાં એકમના દિવસે આભૂષણો ચડાવવાની પ્રથા છે. અહીં પણ આ પ્રથા શરૂ થશે. ભગવાન મોસાળેથી 15 દિવસે પાછા આવે ત્યારે બીમાર હોય તેવો ભાવ ભક્તોમાં જોવા મળતો હોય છે.
મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે શ્રી જગન્નાથજી મંદિરની સેવાપ્રવૃત્તિના કારણે લોકોના દિલમાં રથયાત્રાનું આગવું સ્થાન રહેલું છે.
મંદિરમાં કોણ છે રાજા રણછોડ છેના નારા સાથે સવારે સાત વાગ્યે મંદિરેથી રથયાત્રાનો આરંભ થશે અને રાતે સાડા આઠ વાગ્યે પરત આવશે.
રથયાત્રામાં 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ, બે લાખ ઉપરણામ ભકતોને પ્રસાદીરૂપે આપવામાં આવશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here