ભગવાનમાં હેતથી જોડાવું એ તો મોટા મુનિઓને પણ દુર્લભ છે

પ્રકરણ-૭
વજીબાએ પ્રભુને વિજાપુર પધારવા પ્રાર્થના કરી
પછી તો વજીબાએ મહારાજને આર્તનાદથી પ્રાર્થના કરી કે પ્રભુ,, તમે મારા ગામના સૂબાના સંકલ્પે અને અમને જેલમાં ન જવા દેવા માટે તમે સાધુ-બાવારૂપે અમારે ઘેર આવ્યા. મેં તમારી સરભરા તો ન કરી, પણ મેં તમને ગમે તેમ તિરસ્કાર કર્યા. મને પ્રભુ માફ કરો! અને મને દર્શન દેવા પધારો, પ્રભુ, ચોક્કસ પધારો. તમે તો અધમ ઉદ્ધારણ છો, દયાના સાગર છો.
આ પ્રાર્થના અંતર્યામી અખિલ બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમે ગઢડામાં અક્ષર ઓરડીમાં સાંભળી અને મૂળજી બ્રહ્મચારીને કહે, અમારે વિજાપુર જાવું જ પડશે. સાથે ઉમા ભગત પાર્ષદને લઈ દેવિકા ગામે આવે છે. ત્યાંથી ગવાડા આવે છે. ને ત્યાંથી વિજાપુર આવે છે. વાઘસર તળાવને કાંઠે મહારાજ બેઠા છે ને ઉમા પાર્ષદને વજીબાને ઘેર મોકલ્યા ને કહે, જાવ સમાચાર આપો કે અમે અહીં બેઠા છીએ.
વજીબાઈના ભત્રજાનાં લગ્ન હતાં તો ચાલુ પ્રસંગે વજીબા ગોત્રેડો ભરીને ચોરે પહોંચ્યાં હતાં. ત્યાં પાર્ષદે આવીને કહ્યું કે, વજીબા, તમારા સ્વામિનારાયણ વાઘસર તળાવને કાંઠે બેઠા છે. તે સાંભળી વજીબા ચૂંદડી તથા મોડિયો પોતાના પતિ ઉપર ઉડાડી નાખીને ચાલી નીસર્યાં. સાથે ગામલોકોએ ઢોલ-ત્રાંસાં શરણાઈઓના સૂરે મહારાજને વાઘસર તળાવે તેડવા આવે છે. આખું વિજાપુર ગામ આનંદના હિલોળે ચડ્યું છે. અને બજાર વચ્ચે મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી ને વજીબાને ઘેર પધરામણી કરી, પછી સૂબાએ પોતાને ઘેર પધરામણી કરાવી. વજીબાએ સુંદર મજાનાં પકવાનો, મીઠાઈઓ બનાવીને થાળ મહારાજને પ્રેમથી જમાડી તૃપ્ત કર્યા છે. વજીબા એકીટસે મહારાજને જોઈ રહ્યાં છે અને ધન્યતા અનુભવે છે. પોતાનું જીવન કૃતાર્થ માને છે.
શ્રીહરિએ ગામલોકો સમક્ષ સ્વમુખે વજીબાની નિષ્ઠાને બિરાદવી
ત્યારે મહારાજે ગામજનોની સભા કરી સત્સંગની વાતો કરતાં કહે છે ભક્તો, આ વજીબાના જેવી નિષ્ઠા જીવનમાં જો આવી જાય તો જીવન સાર્થક છે. એક વખત નિશ્ચય થયા પછી ખુદ ભગવાન આવીને નિષ્ઠા છોડાવવા કહે તો પણ કાચપ ન જ આવે. કદાચ પાંચ માળા ઓછી થશે તો ચાલશે, પણ સ્વરૂપનિષ્ઠામાં ખામી હશે તો ક્યારેય ભાંગશે નહિ માટે સ્વરૂપનિષ્ઠામાં ફેર ન પડવા દેવો.
ખરેખર વજીબાની નિષ્ઠા નિશ્ચય જોઈને અતિ રાજી થયા છીએ. આવી નિષ્ઠા આવવી તે પૂર્વજન્મની કમાણી છે. સાચા સંતોના યોગે કરીને આવે છે. કદાચ બ્રહ્મા જેવા ડગાવવા આવે તો પણ શું? અરે અમે ખુદ ડગાવવા આવ્યા તો પણ વજીબાને પરોક્ષમાં પ્રતીતિ આવી જ નહિ. અમે કહ્યું કે, સ્વામિનારાયણ જાદુગર છે, તેની કંઠી તમને કોણે બાંધી છે, તેમણે બાબરો ભૂત વશ કર્યો છે. આમ ઘણું કહ્યું છતાં એકનાં બે ન થયાં.
અમને કહે, જો બાવાઓ, હવે પછી મારા ભગવાન સ્વામિનારાયણની વિશે કંઈ પણ બોલ્યા છો તો રાત્રિએ મારા ઘર બહાર તો કાઢી મૂકીશ, ગામ બહાર પણ કાઢી મૂકીશ. ખબરદાર! મારા પ્રભુ પ્રત્યે બોલ્યા તો તમારી ખેર નથી. શું ખુમારીભર્યા શબ્દો હતા. નિષ્ઠા અને નિશ્ચય હૃદયે એકમેક જડાઈ ગયો હતો. હજી તો અમને ક્યારેય દેખ્યા જ નહોતા. કેવળ એક સાધુ ભાઈ રામદાસ સ્વામીની વાત સાંભળીને આવી નિષ્ઠા કેળવી હતી. કદાચ હાથમાં ચંદ્ર કે તારા દેખાડે તોય શું? હથેળીમાં ભગવાન દેખાડે તોય શું? મારા માટે સર્વસ્વ ભગવાન સ્વામિનારાયણ છે. એ સિવાય મારા હૃદયમાં બીજું કંઈ નથી. આવી નિષ્ઠા, નિશ્ચય આપણે જીવનમાં સુખ, દુઃખ કસોટીમાં નિષ્ઠા અને સમજણ દઢ રહેવી જોઈએ, એમાં જરાય ફેરફાર થવો ન જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કહે છે, સત્સંગની મોટપ નિશ્ચયે કરીને રહે એજ એકાંતિકપણું છે. ચિંતામણિ રહી તો સર્વે ગયું તો કાંઈ જ ગયું નથી. તેમ નિશ્ચય રહ્યો તો સર્વે રહ્યું છે, તો વજીબાના જીવનમાંથી આપણે આવો અડગ નિશ્ચય કેળવીએ એવી પ્રાર્થના.
ક્ષત્રિયના વેશે પ્રભુ વિજાપુર પધાર્યા અને અદ્ભુત ચરિત્ર કર્યું
એક સમયે, ધર્મનંદન શ્રીહરિ ક્ષત્રિય જેવો વેશ ધારણ કરી વિજાપુર પધાર્યા. તે ગામમાં રામાનંદ સ્વામીના આરશ્રત એવાં વજીબા નામનાં સ્ત્રીભક્ત રહેતાં હતાં. લગભગ સાંજના સમયે ક્ષત્રિય વેશધારી શ્રીહરિ આ વજીબાના ઘરે આવ્યા. વજીબાએ નમસ્કાર કરી પૂછ્યું કે બુદ્ધિમાન! હે ભાઈ! તમે કોણ છો અને ક્યાં જાઓ છો? મહાપ્રભુ કહે છે, હે બહેન! અમે તો જે સ્થળે દેહધારી આત્માને મોક્ષ થાય તે સ્થળે વિચરીએ છીએ તે પછી વજીબાએ પૂછ્યું, તમે કંઈ ભોજન લેશો કે કેમ? સ્વામિનારાયણ ભગવાન કહે છે, ઉત્તમ મતિવાળાં હે બહેન! અમે જમીને જ તમારા ઘેર આવ્યા છીએ તેથી જમવાની રુચિ નથી! વજીબાએ બેસવા માટે આસન કાઢી આપ્યું. તેના પર સર્વ પ્રકારની આપત્તિઓ દૂર કરનાર શ્રીહરિ બેઠા. ત્યાં પુરવાસીજનો શ્રીહરિનાં દર્શન કરવા આવતા હતા. એમ કરતાં સૂર્યાસ્ત થયો ત્યારે વજીબાએ પોતે નહિ ઓળખતા એવા શ્રીહરિને કહ્યું, હે ધર્મપ્રિય ભાઈ! અમારા ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞા છે કે ગૃહસ્થાશ્રમી જને અજાણ્યા પુરુષને પોતાને ઘેર રાત્રિનિવાસ કરવા ન દેવો. માટે તમે હવે જાઓ. અહી કોઈ વાણિયાની દુકાનના ઓટલે સૂઈ રહેજો. વજીબાએ આ પ્રમાણે કહ્યું ત્યારે ભગવાન બોલ્યા, તમે કુશળ અને વ્યવહારુ છો તેથી કરીને હું કંઈ જવાનો નથી. હું અહીં આ જગ્યાએ જ સૂઈ રહીશ. તમારી કોઈ વસ્તુને અમે અડીશું નહિ. આ મહાત્મા નહિ માને એવું વિચારી વજીબાએ સૂવા માટે એક ખાટલો કાઢી આપ્યો. ગાદલું વગેરે પાથરવા માટે કંઈ આપ્યું નહિ. શ્રીહરિ ફળિયામાં ખાટલો ઢાળી પાથર્યા વિના સૂઈ ગયા. મધ્યરાત્રિ થવા અઆી ત્યારે આ અજાણ્યો પુરુષ સૂતો છે કે શું કરે છે તે જોવા માટે ઘરમાંથી બહાર નીકળ્યાં. એ વખતે શ્રીહરિએ પોતાના બંને હાથ પાંચ પાંચ વાંભ (આપણા બંને હાથ પહોળા કરતાં છાતી સહિત લંબાઈનું માપ તે વાંભ કહેવાય છે.) જેટલાં લાંબા કરી વજીબાને બતાવ્યા. તેથી વજીબા ભય પામીને એકદમ ઘરમાં પેસી ગયાં. શરીર આખું ધ્રૂજવા લાગ્યું. પોતાના ઇષ્ટદેવ શ્રીહરિને સંભારવા લાગ્યા. પ્રાર્થના કરવા લાગ્યાં કે હે કૃપાનાથ! હે હરે! હે શ્રીકૃષ્ણ! સર્વ પ્રકારના ભયથી મારી રક્ષા કરજો. પછી થોડો સમય ફરી પાછું બારણું ખોલી બહાર આવ્યાં. અને જોયું તો એ વખતે શ્રીહરિ સૂતા હતા. અગાઉ લાંબા કર્યા હતા તેનાથી પણ બમણા લાંબા હાથ હતા. હાથને વચ્ચેથી વાંકા વાળેલા હતા. તથા ઘરથી સત્તર ધનુષ્ય જેટલે દૂર ખુબ ઊંચું એવું પીપળાનું ઝાડ હતું. તે વૃક્ષની ઊંચી ડાળીઓ સુધી પોતાના પગ લંબાવીને ડાળીઓ સાથે ટેકવ્યા હતા. સુંદર ભ્રૂકુટિવાળા અને અંધારામાં પણ પોતાની તેજસ્વી ક્રાંતિથી દેદીપ્યમાન એવા શ્રીહરિને બે આંખો બંધ કરી સૂતેલા જોયા. આવા સ્વરૂપને જોઈ તે બહેન બહુ દુઃખી થઈ ગયાં અને વિચારવા લાગ્યાં કે આ તે કોઈ ભૂતપ્રેત યોનિમાંથી આવેલો કોઈ ભટકતો આત્મા હશે કે શું? પાછા પોતે જ એ શંકાનું સમાધાન કરવા લાગ્યાં કે એવું તો ન હોય, કારણ કે ભૂતની આકૃતિ તો વિકૃત અને બિહામણી હોય. અને આ તો ભલે અસાધારણ પ્રકારનું મનુષ્યરૂપ છે છતાં પણ વિરૂપ નથી. બીક લાગે તેવું નથી. હશે, જે હશે તે, સવારે ખબર પડશે એમ વિચારી ઘર બંધ કરી પાછાં સૂઈ ગયાં. શ્રી વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન! સવાર થયું ત્યારે શ્રીહરિ ઊઠ્યા. બીજે સ્થળે જવા તૈયાર થયેલા મહાપ્રભુએ વજીબાને કહ્યું, હે વજીબા! તમારા ગુરુભાઈ રામદાસ નામના સાધુ હાલ જેતલપુર છે. તેમનાં દર્શન કરવા અમે જેતલપુર જઈએ છીએ. ત્યાંથી પછી અભય રાજાને ત્યાં ગઢપુર જઈશું એવું કહી અનંત જીવોના ઉદ્ધારક યોગેશ્વર શ્રીહરિ ત્યાંથી નીકળી ગયા.
વજીબાને શ્રીહરિએ કારિયાણીમાં પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું
હે રાજન! તે પછી થોડા સમય બાદ, નચિકેત નામના એક બ્રહ્મર્ષિ શ્રીહરિનાં દર્શન કરવા માટે સંઘ લઈને કારિયાણી ગામે જતા હતા. તે સંઘની સાથે વજીબા પણ પોતાના પ્રભુના દર્શન કરવા માટે ગયા. ખટવાંગ (માંચાખાચર) રાજાના વિશાળ દરબારમાં ભક્તજનોની સભામાં શ્રીહરિ ઊંચા આસન પર વિરાજમાન હતા. તે સમયે આ સંઘ ત્યાં પહોંચ્યો. સભામાં વિરાજતા દિવ્ય મૂર્તિ અખિલેશ્વર શ્રીહરિ અત્યંત મનોહર લાગતા હતા. વિશાળ લલાટમાં કુમકુમ સહિત તિલક શોભતું હતું. ચંચળ દષ્ટિ વડે પોતાની ચારેય બાજુ રહેલા આરશ્રતજનોને નિગાહ દષ્ટિથી જોઈ રહ્યા હતા. પુષ્પહાર લાવતા ભક્તોના હાર પોતાના હાથમાં રહેલી નાની છડી વડે સ્વીકારતા હતા. વજીબાએ આવા દિવ્ય મૂર્તિ ભગવાન સ્વામિનારાયણનાં દર્શન કર્યાં, પરંતુ પગે લાગી નમસ્કાર ન કર્યા. તેઓ વિચારતાં હતાં કે ક્ષત્રિય જેવા દેખાતા જે પુરુષ અગાઉ મારે ઘેર આવ્યા હતા તે જ માયાધારી મૂર્તિ આ જણાય છે, એવું ધારીને નમન કર્યું નહિ. તેથી કરુણાસાગર મહાપ્રભુજીએ કહ્યું, હે કલ્યાણી! હું કહું તે તમે સાંભળો. જે જીવો પર ભગવાન અને તેમના ભક્તોની કૃપા થાય છે તેને જ પ્રગટ ભગવાન ઓળખાય છે બીજાને નહિ. આવું કહ્યું ત્યારે વજીબાએ શ્રીહરિ સામે જોયું. શ્રીહરિએ વજીબા સામે જોયું. મહાપ્રભુની કૃપાદષ્ટિ થતાં જ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ તેમને ઓળખાયું. સર્વોપરી શ્રીહરિનો નિશ્ચય થયો. પછી તો વજીબાની વૃત્તિ સદાય શ્રીહરિમાં રહેવા લાગી. હેત અને ભક્તિભાવ વધ્યાં. તેમની ભક્તિથી ખેંચાઈને શ્રીહરિ અવારનવાર વજીબાના ઘરે આવતા હતા.
વિજાપુરના ભક્તરાજને પ્રભુના વિયોગમાં કામકાજ સૂઝતું નથી.
વ્યાપકેશ મુનિ કહે છેઃ હે જ્યેષ્ઠજિત રાજા! મુકુંદવર્ણી તથા નચિકેત બ્રાહ્મણની ભીલોથી રક્ષા કરી તે પછી શ્રીજીમહારાજ વિજાપુર પધાર્યા. ભગવાન સ્વામિનારાયણ પધારે છે એવા સમાચાર વિજાપુરવાસી ભક્તોને મળતાં જ તેઓ હર્ષઘેલા થઈ ગયા. સત્વરે સામા જઈ સત્કાર કરવાની તૈયારી કરવા લાગ્યા. ભેટ-પૂજા, શ્રીફળ, પુષ્પહાર વગેરે સામગ્રી લઈ મહાપ્રભુને મળવા ચાલ્યા. શ્રીહરિને નમસ્કાર કરી પગે લાગ્યા. ભેટ અર્પણ કરી ચરણસ્પર્શ કરી આનંદ પામતા હતા. ભક્તોની સાથે વાજતેગાજતે પુરમાં પ્રવેશ કરી શ્રીહરિ વજીબાને ઘેર ગયા. વજીબાના પતિ પ્રાગજીભાઈએ શ્રીહરિનો ભાવથી આદર સત્કાર કર્યો. ઘરના આંગણે સુંદર આસન તૈયાર કરી તેના પર મહાપ્રભુને બેસાડ્યા. સરસ વિવિધ પ્રકારના ઉપચારથી પૂજા કરી. તે સમયે પુરવાસી બીજી સ્ત્રીઓ સાંકળી, ઉજ્જવલા, નંદા, રળિયાત વગેરે મહાપ્રભુનાં દર્શન કરવા આવી. સર્વ બહેનો શ્રીહરિને પગે લાગી પોતપોતાની મર્યાદા પ્રમાણે મહાપ્રભુ સમીપે બેઠી. મહારાજ તેમને કુશળ સમચાર પૂછતા હતા ત્યારે નંદા નામની સ્ત્રી બોલી. નંદાબહેન કહે છેઃ હે મહારાજ! તમે અહીથીં જાઓ છો પછી ઘણા દિવસ સુધી આવતા નથી. ત્યારે મારું મન ઉદાસ થઈ જાય છે. મૂંઝવણ થાય છે, ઘરનું કામકાજ કંઈ ગમતું નથી. પહેરવું ઓઢવું ખાવું પીવું બધાની અરુચિ થઈ જાય છે. હવે આ વખતે તમે પધાર્યા છો તો હે પ્રભુ! ઘણા સમય સુધી અહીં રહેજો. અને તમારાં દર્શન, સેવા-સમાગમનું સુખ આપજો. ભક્તિધર્મના પોષક અવતારી શ્રીહરિ કહે છેઃ હે નંદિની! તમારા બધાની મારે વિશે આટલી બધી પ્રીતિ છે તે હેતુથી જ હું આ નગરમાં આવું છું. ભગવાનમાં હેતથી જોડાવું એ તો મોટા મુનિઓને પણ દુર્લભ છે. હે ભક્તો, આવો સ્નેહ મારામાં સદા રાખજો.
(સૌજન્યઃ ડો. અશોકભાઈ સોમચંદ મહેતા, ઉત્તર ગુજરાતની લીલા પુસ્તકમાંથી સાભાર, સ્વામિનારાયણ મંદિર જેતલપુર) (ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here