ભગવદ્ગીતાના ગાનથી ગુંજ્યું અમદાવાદનું પરમધામ


અમદાવાદઃ ચિન્મય મિશનનાં વિશ્વભરમાં 350થી પણ વધુ સેન્ટર્સ અત્યારે ભગવદ્ગીતાના ગાનથી ગુંજી રહ્યાં છે. શ્રીમદ્ ભગવદ્ગીતા અને વેદાંતના પ્રચાર-પ્રસારમાં જીવન સમર્પી દેનાર સ્વામી ચિન્મયાનંદ સરસ્વતીના માર્ગદર્શનમાં 1953માં ચિન્મય મિશનની સ્થાપના થઈ અને આજે પણ તે અનેક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજની ઉન્નતિમાં અનેરું યોગદાન આપી રહ્યું છે. દર વર્ષે મિશન દ્વારા ગીતાના એક અધ્યાયના શ્લોકપઠનની હરીફાઈ દુનિયાભરમાં યોજાય છે. એમાં બાળકો, માતાપિતા અને શિક્ષકો ખૂબ ઉત્સાહથી ભાગ લે છે. આ વર્ષે ગીતાના 18મા અધ્યાયની હરીફાઈમાં મિશનના અમદાવાદસ્થિત સેન્ટર ‘પરમધામ’માં દર વર્ષની જેમ 3000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. બે મહિના સતત ચાલતી આ હરીફાઈની બીજી ઓક્ટોબરે પૂર્ણાહુતિ થઈ હતી, પણ સૌના ચહેરા પર નવા વર્ષે નવા અધ્યાય સાથે ભાગ લેવાનો ઉમંગ ઝલકતો હતો.