ભક્તો વિના સૂની થઈ દ્વારિકા નગરી, પહેલીવાર દરવાજેથી પાછા વળ્યાં ભક્તો

 

દ્વારકાઃ દ્વારકા નગરી એ ભગવાન શ્રીકૃષ્ણએ વસાવેલી નગરી છે. તેથી દ્વારકા માટે કૃષ્ણ જન્મોત્સવનો અનેરો મહિમા ગણાય છે. જન્માષ્ટમીએ જગત મંદિર દ્વારકાની ઉજવણી ગુજરાતની શાન સમા બની જાય છે. જોકે, કોરોનાને કારણે ગુજરાતભરના મંદિરોમાં બંધબારણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. આવામાં ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમીએ દ્વારકાનું જગતમંદિર બંધ રહ્યું છે. લાખો ભાવિકો એકઠા થવાની શક્યતાને પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. જોકે, શ્રદ્વાળુઓને કૃષ્ણ જન્મોત્સવના ઓનલાઈન દર્શનનો લાભ મળી રહ્યો છે. 

દ્વારકાના સ્થાનિકોને પણ બુધવારે મંદિરમાં પ્રવેશ આપવામાં નહોતો આવ્યો. જેને કારણે જન્માષ્ટમીના પાવન પર્વ પર ભક્તો વિના દ્વારિકા નગરી સૂની સૂની જોવા મળી હતી. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, ત્યારે આ વખતે મંદિર બંધ રાખવાથી અન્ય શહેર અને રાજ્યમાંથી ભક્તો આવ્યા નથી. દ્વારકાના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે, ભક્તો બંધ દરવાજો જોઈને પાછા ફર્યાં છે. પહેલીવાર મંદિર બહારનો માહોલ નિરસ બન્યો છે. 

જન્માષ્ટમી સહિતના તહેવારોમાં દ્વારકામાં ગોમતી નદીમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. પરંતુ કોરોનાને કારણે જન્માષ્ટમીએ અરબી સમુદ્રમાં ગોમતી નદીના સંગમ સ્થાન પર શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી હતી. જન્માષ્ટમીના તહેવાર છતાં પ્રશાસનના આદેશના કારણે ભક્તોની ભીડ પણ તટ પર જોવા નહોતી મળી. 

દ્વારકા મંદિરના પૂજારી પ્રણવભાઈએ કહ્યું કે, બુધવારે પૂજારી પરિવાર અને અધિકારીઓની હાજરીમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. તમામ શ્રદ્ધાળુઓ ઘરે બેસીને ભગવાનના દર્શન કર્યા હતા. કોરોના મહામારીની નકારાત્મકતા દૂર થાય તેવી પ્રાર્થના સાથે બુધવારે મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. તો ભગવાન દ્વારકાધીશ જગત મંદિરના દરવાજા ભલે બંધ હોય, પણ ઉજવણીમાં કોઈ કચાશ રાખવામાં આવી નથી. મંદિરને દર વર્ષની જેમ શણગારાયું હતું. સમગ્ર મંદિરમાં ડેકોરેશન કરવામાં આવ્યું છે. દ્વારકાથી પાંચ કિલોમીટર દૂરથી ઝળહળી રહેલું સુશોભિત જગતમંદિર નિહાળી શકાય તેવું ભવ્ય ડેકોરેશન કરાયું હતું.

દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનો જન્મોત્સવ પ્રસંગે ખાસ કરી જગતમંદિરની ભીતરમાં કિર્તીદાન ગઢવીના સુમધુર કંઠે કાર્યક્રમો યોજાયો હતો. જગતમંદિર જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા ભક્તો ઘરે બેઠા ધામધૂમપૂર્વક ઉજવણી જોઈ શકે તે માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ દરમિયાન રાત્રિના જન્મોત્સવ દરમિયાન સમગ્ર માહોલ ભક્તિમય બનાવવા અને ભક્તો ભાવપૂર્વક અને ધામધૂમપૂર્વક જન્મોત્સવ ઉજવી શકે તે માટે કિર્તીદાન ગઢવીના સુમધુર કંઠે ભગવાનના હાલરડાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો