બ્લેક, વ્હાઈટ બાદ હવે યેલો ફંગસ!

 

ગાઝિયાબાદઃ કોરોના સંક્રમણમાંથી સાજા થઇ ગયેલા લોકો બ્લેક ફંગસથી સંક્રમિત થઇ રહ્યા છે. વધારામાં વ્હાઇટ ફંગસ અને હવે દેશમાં યેલો ફંગસ ફેલાવાની ભીતિ ઉત્તરપ્રદેશમાંથી ફેલાઇ છે. ગાઝિયાબાદમાં એક ૪૫ વર્ષીય યુવાનમાં આ બીમારી દેખાઇ છે, તબીબોના મતે યેલો ફંગસ બ્લેક અને વ્હાઇટ ફંગસ કરતાં વધુ ખતરનાક છે. પહેલીવાર આ પ્રકારનું સંક્રમણ કોઇ માનવીમાં જોવા મળ્યું છે. શરીરમાં સુસ્તી, વજન ઘટી જવાથી અશક્તિ આવતાં યુવાન તબીબ પાસે પહોંચ્યો હતો. સીટી સ્કેનમાં ફંગસ ન પકડાતાં નેઝલ એન્ડોસ્કોપી કરી એટલે જાણવા મળ્યું હતું કે, યુવાનને બ્લેક, વ્હાઇટ અને યેલો, ત્રણેય ફંગસ છે, તબીબો વાસી ખોરાક નહીં લેવાની સલાહ આપે છે. વિશેષજ્ઞો દ્વારા યેલો ફંગસના લક્ષણ પણ બતાવવામાં આવ્યા છે. જેમાં સુસ્તી, ભૂખ ન લાગવી જેવા શરૂઆતી લક્ષણ જોવા મળે છે, સાથે દર્દીનું વજન પણ ઘટવા લાગે છે. ગંભીર કેસમાં ઈજાનું ધીરે ધીરે ઠીક થવું, કુપોષણ, અંગોનું કામ કરવું બંધ થાય જેવી સ્થિતિ બને છે. ઉપરાંત દર્દીની આંખો પણ ઊંડી ઊતરવા લાગે છે. કહેવાય છે કે યેલો ફંગસ બ્લેક અને વ્હાઈટ બંનેથી ખતરનાક છે. કારણ કે આ ઘાતક બીમારી શરીરની અંદર શરૂ થાય છે અને બાદમાં બહાર લક્ષણો જોવા મળે છે.