બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં મુકેશ અંબાણી ૧૨મા ક્રમે

ન્યુ યોર્કઃ બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ, મુકેશ અંબાણીની સંપત્તિ ૨૦૧૯ના વર્ષ દરમિયાન ૧૬.૫ અબજ ડોલર (અંદાજે ૧૧૭૫ અબજ રૂપિયા) જેટલી વધી છે.
મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે ૬૦.૮ અબજ ડોલર (૪૩૩૧.૨૪ અબજ રૂપિય) થઈ છે.
મુકેશ અંબાણી દુનિયાના ૧૨મા ક્રમના ધનપતિ બન્યા છે. સંપત્તિમાં વધારાનું કારણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરના ભાવમાં આવેલી તેજી છે. વર્ષ દરમિયાન શેરના ભાવમાં ૪૧ ટકા ઉછાળો નોંધાયો હતો. એની અસર સંપત્તિમાં પણ જોવા મળી હતી. મુકેશ અંબાણી આ સંપત્તિ સાથે એશિયામાં પણ સૌથી વધુ સંપત્તિવાન વ્યક્તિ છે.
આ અગાઉ જગતના નંબર વન ધનપતિ રહી ચૂકેલા એમેઝોનના સીઇઓ જેફ બેઝોસની સંપત્તિમાં ૧૩.૨ અબજ ડોલરનો ઘટાડો થયો છે. તેમણે પત્ની મેકેન્ઝીની સાથે છૂટાછેડા લીધા, એથી તેમને મોટી રકમ આપવી પડી હતી. ત્યાર બાદ પણ તેઓ ૧૧૨ અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે તો છે જ. એશિયામાં મુકેશ અંબાણી પછી બીજા નંબરે સંપત્તિવાન ચીની કંપની અલીબાબાના જેક મા છે.
બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના લિસ્ટમાં જગતના સૌથી ધનવાન તરીકે બિલ ગેટ્સે પહેલો નંબર જાળવી રાખ્યો છે. ૨૩મી ડિસેમ્બર સુધીની ગણતરી પ્રમાણે, તેમની કુલ સંપત્તિ ૧૧૩ અબજ ડોલર છે. વર્ષમાં તેમની સંપત્તિમાં ૨૨.૪ અબજ ડોલરનો વધારો થયો છે. ન્યુ યોર્કસ્થિત આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા બ્લુમબર્ગ ન્યૂઝ ૨૦૧૨થી દર વર્ષે આ લિસ્ટ તૈયાર કરે છે. એનું લિસ્ટ શેરમૂડી પર આધારિત હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here