બ્રિટિશ રાજકુટુંબે મારી સાથે વંશભેદી વ્યવહાર કર્યો, આપઘાતનો વિચાર કર્યો હતોઃ મેગન મર્કેલ

 

લંડનઃ બ્રિટનના શાહી કુટુંબના રાજકુમાર પ્રિન્સ હેરી સાથે લગ્ન કરનાર અમેરિકન અભિનેત્રી મેગન મર્કેલે અમેરિકાના જાણીતા ટીવી હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રેને આપેલા એક ઇન્ટરવ્યુમાં કેટલાક ખળભળાટ મચાવનારા ઘટસ્ફોટ કર્યા છે જેમાં તેણે જણાવ્યું છે કે બ્રિટિશ શાહી ખાનદાને તેની સાથે વંશભેદી વ્યવહાર કર્યો હતો અને એટલી હદે પરેશાની સહન કરવી પડી હતી કે તેણે આત્મહત્યા કરવાનો પણ વિચાર કરવા માંડ્યો હતો.

જેની ઘણા સમયથી પ્રતિક્ષા થઇ રહી હતી તેવા આ અમેરિકન ચેટ શોના ઇન્ટરવ્યુનું પ્રસારણ અમેરિકામાં સીબીએસ નેટવર્ક પર રવિવારે થઇ ગયું હતું અને યુકેમાં સોમવારે રાત્રે તેનું પ્રસારણ થનાર છે. બે કલાકના આ સ્પેશ્યલ ઇન્ટરવ્યુમાં અડધેથી મેગન મર્કેલના પતિ પ્રિન્સ હેરી પણ જવાબ આપવામાં જોડાયા હતા અને આ દંપતિએ બ્રિટિશ રાજકુટુંબમાં પ્રવર્તતા વંશવાદ અને રંગભેદનો પર્દાફાશ કર્યો હતો. પ્રિન્સ હેરી સાથે લગ્ન કરનાર મેગન મર્કેલ એક ભૂતપૂર્વ અમેરિકન અભિનેત્રી છે અને મિશ્ર વર્ણની છે.

પ્રિન્સ હેરી સાથે તેના લગ્ન થાય તે બાબતે રાજકુટુંબમાં પહેલેથી જ નારાજગી પ્રવર્તી રહી હોવાની વાતો ચાલતી હતી અને કેટલાક સમય પહેલા પ્રિન્સ હેરી અને મેગન રાજકુટુંબથી જુદા થઇ ગયા હતા અને અમેરિકા રહેવા આવી ગયા હતા ત્યારે આ વાતોને બળ મળ્યું હતું અને હવે આ વાતને આ દંપતિએ પોતે જાહેરમાં વ્યક્ત કરી છે.

ઇન્ટરવ્યુમાં આ દંપતિએ એવો પણ ઘટસ્ફોટ કર્યો છે કે જ્યારે મેગન સગર્ભા હતી અને તેને પ્રથમ બાળક આવનાર હતું ત્યારે શાહી ખાનદાન તરફથી એવી પણ વાતો કરવામાં આવી હતી કે આવનારા બાળકનો રંગ કેવો હશે? આ ઇન્ટરવ્યુમાં શાહી ખાનદાનમાં થયેલા કંકાસોની પણ વાત બહાર આવી હતી. પોતે ડચેસ ઓફ કેમ્બ્રિજને ફલાવર ગર્લ્સ અંગેના એક ઝઘડામાં રડાવી હતી એવી અફવાઓને ફગાવતા મેગને કહ્યું હતું કે ખરેખર તો ઉંધુ થયું હતું, તેણે મને રડાવી હતી, બાદમાં જો કે કેટ મિડલટને માફી માગી લીધી હતી એમ તેણે કહ્યું હતું. તેમણે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે શરૂઆતમાં મેગનને સારો આવકાર મળી રહ્યો હોય તેમ લાગતું હતું પણ ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું હતું.

ઇન્ટરવ્યુમાં પોતાની પત્ની સાથે જવાબ આપવામાં જોડાયેલા પ્રિન્સ હેરીએ કહ્યું હતું મેગન સાથે વિખવાદ બાદ શાહી ખાનદાને મને નાણાકીય રીતે કાપી નાખ્યો હતો. જો મારી માતા ડાયના મારા માટે નાણા મૂકી ગયા ન હોત તો જુદા થઇને અહીં કેલિફોર્નિયામાં આવીને વસવાનું અમારા માટે શક્ય બન્યું ન હોત. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકુટુંબ સાથે વિખવાદ બાદ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ અમેરિકાના કેલિફોર્નિયામાં જઇને વસવા લાગ્યા છે.

આવનારા બાળકનો રંગ કેવો હશે? તેવો પ્રશ્ન કોણે કર્યો હતો અને કોણે બેહુદી વાતો કરી હતી એવું ઓપ્રાહ વિન્ફ્રેએ પૂછતા મેગને કહ્યું હતું કે હું નામ આપવા માગતી નથી કારણ કે તેમ કરવાથી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે.