બ્રિટને વિઝાના નિયમો બદલ્યાઃ ભારતીયોની મુશ્કેલી વધશે

લંડનઃ બ્રિટિશ સરકારે સોમવારે દેશમાં વસાહતીઓની સંખ્યા ઘટાડવા માટે કડક પગલાંની જાહેરાત કરી હતી, જેમાં કૌશલ્ય આધારિત વિઝા મેળવવા માટે વિદેશી કામદારો માટે ઉચ્ચ પગાર મર્યાદા નક્કી કરવી અને પરિવારના સભ્યોને તેમના આશ્રિત તરીકે લાવવા પર પ્રતિબંધ મૂકવાનો સમાવેશ થાય છે. બ્રિટન સરકારના વિદેશી કામદારો માટે વિઝા નિયમો કડક બનાવવાની સીધી અસર ભારતીયો પર પડશે. નવા નિયમોને કારણે દર વર્ષે બ્રિટન જતા લાખો લોકોની સંખ્યામાં ભારે ઘટાડો થશે. બ્રિટિશ સરકારે ભારતને મોટો ઝટકો આપ્યો છે. દેશમાં વધતા જતા ઇમિગ્રેશનને રોકવા માટે સુનક સરકારે વિઝાના નિયમો કડક કરવાની જાહેરાત કરી હતી,જેમાં સ્કીલ્ડ વર્કરના ઉચ્ચ પગારની મર્યાદા નક્કી કરવા જેવા નવા પગલાનો સમાવેશ થાય છે. વિઝાના નવા નિયમો 2024ની સાલના આરંભથી લાગુ કરવામાં આવશે. બ્રિટન દ્વારા લેવામાં આવેલા આ પગલાની અસર ઘણા દેશોના નાગરિકોને થશે. બ્રિટનના આ પગલાની ચર્ચા ઘણા દેશમાં થઇ રહી છે. ભારતમાં પણ બ્રિટનના આ પગલાની ચર્ચા થઇ રહી છે, કારણ કે બ્રિટિશ સરકારના આ નિર્ણયથી બ્રિટન જવા માગતા ભારતીયોને પણ અસર થશે. બ્રિટનના ગૃહ સચિવ જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે સ્કીલ્ડ વર્કર વિઝા દ્વારા યુકે આવવા માટે અરજી કરનારાઓ માટે વેતન મર્યાદા વર્તમાન 26,200 બ્રિટિશ પાઉન્ડથી વધારીને 38,700 બ્રિટિશ પાઉન્ડ કરવામાં આવશે. ફેમિલી વિઝા કેટેગરી હેઠળ અરજી કરનારાઓ માટે પણ સમાન પગારની રકમ લાગુ થશે, જે હાલમાં 18,600 બ્રિટિશ પાઉન્ડ છે. નવા નિયમ અંતર્ગત સ્વાસ્થ્ય અને સંભાળવિઝા પરના ડોક્ટરો હવે તેમના પરિવારના કોઇ પણ સભ્યને પોતાની સાથે બ્રિટન લાવી શકશે નહીં. એક અહેવાલ મુજબ બ્રિટનમાં આવતા સ્કીલ્ડ વર્કરોમાં ભારતીયોનું પ્રમાણ વધારે છે. ગયા વર્ષે બ્રિટનમા જુદી જુદી કેટેગરીમાં વિઝા માટે અરજી કરનારાઓમાં ભારતીયો ટોચ પર હતા, જેમાં સૌથી વધુ વિઝા સ્ટુડન્ટ વિઝા કેટેગરીમાં હતા. નવા નિયમોને કારણે બ્રિટન જતા લોકોની સંખ્યામાં ભારે ઘટાડો થશે. એક અંદાજ મુજબ બ્રિટનના આ પગલાથી આશરે ત્રણ લાખ લોકોને અસર થશે. લોકોને હવે નવા નિયમો અનુસાર બ્રિટન આવવું પડશે.