બ્રિટને છેડ્યું કોરોના સામે અંતિમ યુદ્ધ, ૯૦ વર્ષના દાદીમાને અપાઈ પ્રથમ પૂર્ણ વિકસિત કોરોના વેક્સિન 

 

લંડનઃ બ્રિટનના ૯૦ વર્ષના દાદીમાં મારગ્રેટ કીનન  દુનિયાના પહેલા મહિલા બન્યા છે જેમને કોરોનાની પૂર્ણ વિક્સિત રસી આપવામાં આવી છે. સોમવારે લંડનમાં એક હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને ફાઈઝર/બાયોએનટેક દ્વારા વિક્સિત કોરોના રસી આપી. 

મારગ્રેટ કીનનને મધ્ય ઈંગ્લેન્ડની કોવેન્ટ્રી હોસ્પિટલમાં ડોક્ટરોએ કોરોનાની રસી આપી. તેમને સ્થાનિક સમય પ્રમાણે ૬ઃ૩૧ વાગે કોરોનાની રસી મૂકવામાં આવી. મારગ્રેટ એક સપ્તાહ બાદ પોતાનો ૯૧મો જન્મદિવસ ઉજવવાના છે. 

અત્રે જણાવવાનું કે બ્રિટનમાં સોમવારથી કોરોનાનું રસીકરણ શરૂ થઈ ગયું છે. આ કોરોના રસીકરણને અમેરિકી કંપની ફાઈઝર અને બાયોએનટેકે બનાવી છે. મારગ્રેટ કીનન પહેલી એવી મહિલા છે જેને કોરોનાની પૂર્ણ વિકસીત રસી અપાઈ છે. આ અગાઉ કોરોના રસીને વિકસીત કરવા દરમિયાન અનેક લોકોને ટ્રાયલમાં રસી અપાઈ ચૂકી છે. 

આ રસીની શરૂઆત સાથે જ બ્રિટન દુનિયાનો પહેલો એવો દેશ બની ગયો છે જેણે લગભગ ૧૫ લાખ લોકોનો જીવ લેનારા કોરોના મહામારી વિરુદ્ધ અંતિમ યુદ્ધની શરૂઆત કરી દીધી છે. કોરોનાની રસી લીધા બાદ મારગ્રેટ કીનને કહ્યું કે તેઓ પોતાને ભાગ્યશાળી મહેસૂસ કરે છે કે તેમને કોરોનાની પહેલી રસી આપવામાં આવી. તેમણે કહ્યું કે આ મારા જન્મદિવસ પહેલા શાનદાર ભેટ છે, જેની હું કામના કરી શકું છું. હવે હું મારા પરિવાર સાથે વધુ સમય પસાર કરી શકુ છું અને પરિવારની સાથે નવા વર્ષની ખુશીઓમાં સામેલ થઈ શકું છું. 

આપને જણાવવાનું કે ડિસેમ્બરના અંત સુધીમાં બ્રિટનમાં ચાર લાખ લોકોને કોરોના રસી અપાશે. આ માટે બ્રિટન ફાઈઝર બાયોએનટેક પાસેથી રસીના ૮ લાખ ડોઝ ખરીદી રહ્યું છે. કોરોનાની ફાઈઝર રસી દરેક વ્યક્તિને બે ડોઝમાં ૨૧ દિવસના સમયગાળામાં અપાય છે. મારગ્રેટ કીનન પહેલા જ્વેલરી દુકાનમાં કામ કરી ચૂક્યા છે. તેમણે ફ્ણ્લ્ સ્ટાફને શુભકામના આપતા કહ્યું કે તેમણે મારી ખુબ સેવા કરી છે અને હું તેમની આભારી છું. મારગ્રેટ કીનને લોકોને સલાહ આપતા કહ્યું કે જો કોઈને પણ કોરોનાની રસી આપવામાં આવે તો તેઓ સ્વીકારે. જ્યારે હું ૯૦ વર્ષની ઉંમરે લઈ શકું છું તો તમે પણ લઈ શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટનની સરકાર કોરોના રસીનો પહેલો ડોઝ ૮૦ વર્ષની ઉપરના લોકોને આપી રહી છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય કર્મીઓ ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સને પણ કોરોના રસી અપાઈ રહી છે.