બ્રિટનમાં લોકડાઉનનો ફિયાસ્કો, ટ્રેનોમાં ભીડ જોવા મળી, સરકાર પર ઉઠ્યા સવાલો

 

લંડનઃ બ્રિટનમાં સરકારે ત્રણ અઠવાડિયા સુધીના લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી પરંતુ હવે તેને અમલમાં મૂકવા પર મોટો સવાલ ઊભો થયો છે. મંગળવારના રોજ દેશની અન્ડરગ્રાઉન્ડ ટ્રેનો સંપૂર્ણ રીતે ભરાયેલી જોવા મળી હતી. જોકે આ ટ્રેનોની સેવામાં કાપ મૂકાયો છે પરંતુ પ્રવાસીઓ પર કોઇ અસર નથી. વડા પ્રધાન બોરિસ જોનસને ુ૨૧ દિવસ માટે લોકોની અવરજવર પર રોક લગાવવા કેટલાક ઉપાયનું એલાન કર્યું હતું. અહીંયા કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૩૩૫ પહોંચી ગઇ છે. તેમણે લોકોને કહ્યું કે, ઘરમાં જ રહો અને પોલીસ દ્વારા અપાયેલી જરૂરી સૂચનાઓનું પાલન કરો. હવે સવાલ એ ઊભો થાય છે કે જોનસને જે એલાન કર્યું છે તેમાં તેઓ પોતે જ સ્પષ્ટ નથી. લોકો પોલીસકર્મીઓને સવાલ પૂછી રહ્યા છે કે, તેઓને શું કરવું છે અને શું ન કરવું તેની જાણ છે જ. પર્યટન મંત્રી ગેંટ શાપ્પેએ સોમવારના રોજ સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું કે સૂચના એકદમ સ્પષ્ટ છે કે લોકોએ ઘરમાં જ રહેવાનું છે. દેશની મોબાઇલ સેવાઓ જોનસનના મેસેજને લોકો સુધી પહોંચાડી રહી છે. ગૃહમંત્રી પ્રીતિ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે આવનાર કેટલાક અઠવાડિયા પોલીસ માટે ચેલેન્જિંગ રહેશે.

૦૦૦