બ્રિટનમાં કોરોના વાઇરસના નવા પ્રકારથી સમગ્ર દુનિયામાં મચી ગયો હડકંપ

 

બર્લિનઃ ઈંગ્લેન્ડમાં કોરોના વાઇરસનો નવો પ્રકાર (Strain) મળી આવતા માત્ર ત્યાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો છે. યુરોપિયન યુનિયનના અનેક દેશોએ રવિવારે બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. પોતાના દેશમાં આ નવા સ્ટ્રેનથી કોઈ ખતરો ઉભો ન થાય તે હેતુસર આ પગલું લેવાયું છે. હજુ અનેક દેશો આવા પ્રતિબંધો પર વિચાર કરી રહ્યા છે. રવિવારના રોજ મધરાતથી ફ્રાન્સે આગામી ૪૮ કલાક માટે બ્રિટનથી તમામ પ્રકારની મુસાફરી પર રોક લગાવી છે. જેના પર વડા પ્રધાન કાર્યાલય દ્વારા જાહેરાત કરાઈ છે તેમાં કહેવાયું કે બ્રિટન જનારા લોકો પ્રભાવિત નહીં થાય એટલે કે લોકો ફ્રાન્સથી બ્રિટન જઈ શકશે, પરંતુ આગામી ૪૮ કલાક સુધી બ્રિટનથી ફ્રાન્સ કોઈ મુસાફરી કરી શકશે નહીં. ત્યાર બાદ જર્મનીએ પણ બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી દીધી છે. ત્યાંની સરકારે કહ્યું છે કે તેઓ બ્રિટનથી આવનારી ઉડાણો પર રોક લગાવી રહ્યા છે. ફ્રાન્સ અને જર્મની બાદ નેધરલેન્ડે પણ આ વર્ષના અંત સુધી બ્રિટનથી આવનારી ફ્લાઈટ્સ પર રોક લગાવી છે. બેલ્જિયમે પણ રવિવાર મધરાતથી બ્રિટનની રેલસેવાઓની અવરજવર બંધ કરી છે. બેલ્જિયમના વડા પ્રધાન અલેક્ઝેન્ડર ડી ક્રુએ રવિવારે કહ્યું કે તેઓ ‘ખાસ સાવધાની’ તરીકે બ્રિટનથી આવતી ઉડાણો પર રોક લગાવી રહ્યા છે. 

ઓસ્ટ્રિયા અને ઈટાલીએ પણ કહ્યું કે બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ પર રોક લગાવવામાં આવશે. જો કે તેમણે હજુ પણ તેના વિશે વધુ જાણકારી આપી નથી. ઈટાલીના વિદેશમંત્રી લુઈગી ડી માયોએ ટ્વિટર પર કહ્યું કે સરકાર કોરોના વાઇરસના નવા પ્રકારથી ઈટાલીના નાગરિકોને બચાવવા માટે જરૂરી પગલાં ભરી રહી છે. રવિવારે બ્રિટનથી લગભગ બે ડઝન જેટલી ફ્લાઈટ્સ ઈટાલી માટે રવાના થશે. જ્યારે ઝેક રિપબ્લિકે બ્રિટનથી આવતા લોકો માટે અલગથી રોકાવવાના નિયમો લાગુ કર્યા છે. 

બ્રિટનમાં કોરોના વાઇરસનો નવો ભયંકર ખતરો સામે આવતા આખી દુનિયામાં હડકંપ મચ્યો છે. કોરોનાના નવા પ્રકારને લીધે બ્રિટનમાં સંક્રમણ વધ્યું છે. બ્રિટન સરકારે સ્થિતિ નિયંત્રણ બહાર હોવાની ચેતવણી આપી દીધી છે. બ્રિટને ૩૦ ડિસેમ્બર સુધી ટાયર-૪ લોકડાઉન લાગુ કર્યું. ટાયર-૪ લોકડાઉનમાં બધુ જ બંધ રાખવામાં આવે છે જ્યારે લંડન-ઈસ્ટ ઈગ્લેન્ડમાં ૩૦ ડિસેમ્બર સુધી લોકડાઉન છે. કોરોનાના નવા ખતરાથી બ્રિટનમાં રેલ સેવાને પણ અસર થઈ છે. 

આ નવા જોખમના પગલે બ્રિટનમાં તમામ લોકોને તેમના સ્થાનિક વિસ્તારમાં જ રહેવાની સૂચના અપાઈ છે. મહામારીને પગલે લંડનમાં ટાયર-૪ સ્તરનું લોકડાઉન લાગુ કરાયેલુ છે. ટાયર-૧ પ્રતિબંધનું સૌથી નીચુ સ્તર ગણાય છે જ્યારે ટાયર-૪ સૌથી મોટું અને સખ્ત લોકડાઉન છે. બ્રિટનમાં લોકડાઉનના સમયમાં વધારો પણ થઈ શકે છે. જ્યાં સુધી મોટા ભાગના લોકોને કોરોનાની રસી ન અપાય ત્યાં સુધી લોકડાઉન લંબાવવામાં આવી શકે છે. (ગુજરાત ટાઇમ્સ સંકલન)

૦૦૦

બ્રિટન બાદ હવે આ દેશમાં પણ કોરોના વાઇરસનો નવો પ્રકાર સામે આવ્યો

નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોના વાઇરસનાં કુલ ૭ કરોડ ૭૦ લાખથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે એવામાં હવે બ્રિટન બાદ ઇટલીમાં કોરોના વાઇરસનો એક નવો સ્ટ્રેન મળી આવ્યો છે. થોડાક દિવસોમાં કોરોનાને લઈને સારા સમાચારો આવી રહ્યા હતા. એવામાં વેક્સિનની સાઈડ ઇફેક્ટ અને નવા વાઇરસ મળી આવ્યા હોવાનાં અહેવાલો સાંભળતા લોકોની ચિંતા વધી રહી છે. આ વાઇરસને લઈને બ્રિટનમાં કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો. બ્રિટને રવિવારે કડક લોકડાઉન લાગુ કર્યો હતો. ઇટલીનાં સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, બ્રિટનથી આવેલા એક દર્દીમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે ગત થોડાક દિવસોમાં બ્રિટનથી રોમનાં ફિમિસિનો એરપોર્ટ પર પહોંચ્યો હતો. જે બાદ તેને આઈસોલેટ કરી દેવાયો હતો.

નવા પ્રકારનો કે નવા ટાઈપનો કોરોના વાઇરસ મળી આવતા બ્રિટનની સરકાર પણ ચિંતામાં છે. આ વાઇરસની વાત કરીએ તો તે સામાન્ય કરતા વધુ ખતરનાક છે અને તે વધુમાં વધુ સંક્રમણ ફેલાવી રહ્યો છે. બ્રિટનમાં વધી રહેલા કોરોના વાઇરસનાં નવા નોંધાઈ રહેલા કેસો પાછળ આ નવા ટાઈપ જવાબદાર ગણાઈ રહ્યો છે. એવામાં હવે ઇટલીની મુશ્કેલીઓ પણ વધી શકે છે. ઇટલીનાં વિદેશ મંત્રી લુઈગી ડી માયોએ ટ્વીટ કરીને કહ્યું કે સરકાર કોરોના વાઇરસનાં નવા પ્રકારથી દેશવાસીઓને બચાવવા માટે મહત્ત્વપૂર્ણ પગલા લઈ રહી છે. બીજી તરફ જર્મનીનાં અધિકારી બ્રિટનથી આવનાર તમામ હવાઈ યાત્રાનાં સંબંધમાં ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે બ્રિટનમાં રવિવારથી કડક લોકડાઉન શરૂ થઈ ચૂક્યું છે જેથી લાખો લોકો ઘરની અંદર બંધ રહેવા પર મજબૂર થયા છે. જે વસ્તુઓ ખુબ જ જરૂરી છે જેને જ છૂટ આપવામાં આવી છે તથા બાકીની દુકાનોને બંધ કરી દેવાઇ છે. આ વાઇરસ ખુબ જ ઝડપી રીતે આગળ વધી રહ્યો છે. બ્રિટનનાં વડા પ્રધાન બોરિસ જોનસને શનિવારે નવા કડક પ્રતિબંધોને લઈને ઘોષણા કરી હતી અને પાંચ દિવસીય યોજાયેલ ક્રિસમસ બબલ કાર્યક્રમને પણ રદ્દ કરી દેવાયો છે. સરકારે પહેલા ક્રિસમસનાં કાર્યક્રમ માટે ઢીલ આપવાનું વિચાર્યુ હતુ પરંતુ હવે આ નવા પ્રકારનાં વાઇરસને લઈને સરકાર પણ ચિંતામાં છે અને કડક પણે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવાયો છે.