બ્રિટનમાં કોમ્યુનિટી સ્પ્રેડ શરૂઃ દ. આફ્રિકામાં પાંચ ગણો ઉછાળોઃ વિશ્વમાં ગભરાટ

 

લંડનઃ દક્ષિણ આફ્રિકામાં ઉદ્ભવેલો કોરોના ઓમિક્રોન જોતજોતામાં દુનિયાભરમાં ઝડપથી પ્રસરી રહ્યો હોવાથી ગભરાટ છવાયો છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે સંસદમાં સ્વીકાર્યું કે ઇંગ્લેન્ડમાં ઓમિક્રોન વેરિયન્ટનો કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થયો છે. ર૪ કલાકના ટૂંકા ગાળામાં ઓમિક્રોનથી સંક્રમિત ૯૦ દર્દી મળી આવ્યા છે. જે સાથે ઓમિક્રોનના કેસનો કુલ આંક ૩૩૬ને આંબી ગયો છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકામાં કોરોના સંક્રમણમાં પાંચ ગણો ઉછાળો આવ્યો છે.

ઇંગ્લેન્ડમાં ૬૪, સ્કોટલેન્ડમાં ર૪ અને વેલ્સમાં ઓમિક્રોનના નવા ૩ કેસ નોંધાયા છે. બ્રિટિશ નિષ્ણાતો અનુસાર કોરોના ઓમિક્રોન ડેલ્ટા વેરિયેન્ટથી વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સત્તાવાર આંક અનુસાર બ્રિટનમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના કુલ પ૧,૪પ૯ કેસ સામે આવ્યા છે જે સાથે દેશમાં કુલ સંખ્યા ૧,૦પ,૧પ,ર૩૯ થઈ છે. ર૪ કલાકમાં ૪૧ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. કુલ મૃત્યુઆંક ૧,૪પ,૬૪૬ થયો છે. બ્રિટનમાં ૧ર વર્ષ અને તેથી વધુ ઉંમરના ૮૯ ટકા લોકોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ અને ૮૧ ટકા લોકોને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. ૩પ ટકાથી વધુને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના હાહાકાર વચ્ચે રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ કહ્યું કે કોરોનાની ચોથી લહેર અપેક્ષિત હતી. નવું વેરિયન્ટ જે રીતે પ્રસરી રહ્યું છે તે ચિંતાનો વિષય છે. એક સપ્તાહમાં જ કેસની સંખ્યા પાંચ ગણી વધી ગઈ છે.

દરમિયાન દુનિયામાં કોરોનાના કેસ વધીને કુલ ર૬.૬૩ કરોડ થયા છે. આ મહામારીમાં અત્યાર સુધીમાં પર.૬ લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે ૮.ર૧ અરબથી વધુ વસતીનું વેક્સિનેશન કરાયું  છે.

કોરોના ઓમિક્રોન અંગે સૌથી મોટી ચિંતા સ્કૂલે જઈ રહેલા વેક્સિનેશન વગરનાં બાળકોની છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોનું શું થશે? તેવી ચિંતા વધારતો ડબલ્યુએચઓનો અહેવાલ સામે આવ્યો છે. ભારતમાં આઇએમએ એ પણ પોતાના રિપોર્ટમાં ચેતવણી આપી છે કે ભારત પહેલાની સ્થિતિમાં પાછું આવી રહ્યંક્ક છે. જો ઓમિક્રોનને રોકવા પૂરતાં પ્રયાસ ન કરાયા તો ત્રીજી લહેર આવી શકે છે.

દુનિયાભરના ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટોએ એક ક્લિનિકલ રિપોર્ટ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ને સોંપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં બે વર્ષથી વધુ ઉંમરનાં બાળકોની સંખ્યા વધી છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડયાં છે. આ રિપોર્ટને ટાંકી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોરોના ઓમિક્રોન બાળકો માટે ખતરનાક બની શકે છે. એક દિવસ પહેલા જ ડબલ્યુએચઓના યુરોપ કાર્યાલયે જાહેર કર્યું હતું કે પાંચથી ૧૪ વર્ષ સુધીનાં બાળકોમાં ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે. ડબલ્યુએચઓના રિઝનલ ડાયરેક્ટર ડો. હૈંસ કલૂઝે કહ્યું કે યુરોપના અનેક દેશોમાં બાળકોમાં ઇન્ફેક્શનના મામલા બેથી ત્રણ ગણાં વધી ગયા છે. અત્યાર સુધીમાં દુનિયાના ર૧ દેશમાં કોરોના એમિક્રોનના ૪૩ર કેસ જાહેર થયા છે. દક્ષિણ આફ્રિકામાં બાળકોમાં જે સ્થિતિ જોવા મળી રહી છે તેથી સ્પષ્ટ થાય છે કે એમિક્રોન બાળકો માટે ચિંતાજનક છે. બાળકોમાં વધી રહેલા સંક્રમણની અવગણના ન કરી શકાય.