બ્રિજવોટરમાં બાલાજી મંદિરમાં ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સી દ્વારા હેલ્થ ફેર

ન્યુ જર્સીઃ ધ ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સી દ્વારા આઠમી જુલાઈ, રવિવારે ન્યુ જર્સીમાં બ્રિજવોટરમાં શ્રી વેંકટેશ્વરા ટેમ્પલ-બાલાજી મંદિરમાં હેલ્થફેર યોજાયો હતો. હેલ્થફેરમાં 150થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો, જેમની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને રોગોની અવેરનેસ અને રક્ષણ વિશે માહિતી આપવામાં આવી હતી.
એક પણ મેડિકલ ઇન્શ્યોરન્સ વગરના અને 40થી વધુ વયના નાગરિકો માટે અગાઉથી નોંધણી કરવામાં આવી હતી અને તેઓની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી, જેમાં બ્લડ ટેસ્ટ, ઇકેજી, ગ્લુકોમા-ડાયાબિટિક રેટિનોથેરપી માટે વિઝન સ્ક્રીનિંગ, શારીરિક તપાસ, કાર્ડિયોલોજી, વિવિધ પ્રકારનાં કેન્સરની તપાસ અને રક્ષણ, ક્રોનિક ડિસીસ સેલ્ફ મેનેજમેન્ટ, ડાયાબિટીસ-સ્ટ્રોક વિશેની માહિતી, એચઆઇવી ટેસ્ટિંગ, ડાયેટરી કાઉન્સેલિંગ, મેન્ટલ હેલ્થ સ્ક્રીનિંગનો સમાવેશ કરાયો હતો.
લાયન્સ ઇન્ટરનેશનલ ગવર્નર લાયન અરમાન્ડો ગ્વેરા અને કાઉન્સિલ ચેર લાયન મહેશ ચીટનીસ આરોગ્ય મેળામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોઈ પણ ભાવિ પ્રવૃત્તિ માટે ધ ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સીને પોતાનું સમર્થન પૂરું પાડવા માટે પોતે તત્પર હોવાનું જણાવ્યું હતું.
ધ ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સી નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, જેને અપાયેલું દાન કરમુક્ત કોડ 501 (સી) (3) છે. છેલ્લાં 20 વર્ષથી આ સંસ્થા દ્વારા નિયમિતપણે દર વર્ષે હેલ્થફેર યોજાય છે, જે ભારતીય અમેરિકન સમુદાયના લાભાર્થી જરૂરિયાતમંદ નાગરિકો માટે ઉપયોગી છે.