બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણઃ ભારતના ભાથામાં વધુ એક તીર

 

નવી દિલ્હીઃ ભારતે મંગળવારે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના નૌસેના માટેના વેરિયન્ટનું સ્ટિલ્થ ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર પરથી સફળ પરીક્ષણ કર્યું હતું. ડિફેન્સ રિસર્ચ અૅન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ જણાવ્યું હતું કે મિસાઇલે લક્ષ્યને અચૂક વિંધ્યું હતું. 

બ્રહ્મોસના સમુદ્રથી સમુદ્રમાં હુમલા કરવા માટેના વેરિયન્ટનું આઇએનએસ વિશાખાપટ્ટનમ પરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઇલે લક્ષ્ય માટે રાખવામાં આવેલી નૌકા પર અચૂક પ્રહાર કર્યો હતો. 

કેન્દ્રના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ પ્રસંગે જણાવ્યું હતું કે મિસાઇલે અચૂક વિંધેલા લક્ષ્ય દ્વારા ભારતીય નૌસેનાની તૈયારીની પુનઃખાતરી થઇ હતી. હું ભારતીય નૌસેના, ડીઆરડીઓ અને બ્રહ્મોસ મિસાઇલની ટીમને અભિનંદન આપું છું. 

ભારત-રશિયાના સહયોગથી બ્રહ્મોસ અૅરોસ્પેશ દ્વારા આ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બનાવવામાં આવે છે અને એને સબમરીન, જહાજ, વિમાન અથવા જમીન પરથી છોડી શકાય છે. બ્રહ્મોસ મિસાઇલ ૨.૮ મેક અથવા અવાજની ગતિથી ત્રણ ગણી ગતિએ ઉડે છે.