બ્રહ્માંડનાં અનેક રહસ્યોની સમજ આપનારા મહાન વિજ્ઞાની સ્ટીફન હોકિંગનું નિધન

લંડનઃ બ્રિટનના ભૌતિકશાસ્ત્રી અને વિજ્ઞાની સ્ટીફન વિલિયમ હોકિંગનું કેમ્બ્રિજમાં પોતાના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ 76 વર્ષના હતા. આલ્બર્ટ આઇન્સ્ટાઇન પછીના સૌથી મોટા ખગોળ ભૌતિકશાસ્ત્રી ગણાતા સ્ટીફન હોકિંગના પરિવારે અવસાન અંગે સત્તાવાર માહિતી આપી હતી. જોકે પરિવારે નિધનનું કારણ જણાવ્યું નહોતું.

હોકિંગે દુનિયાને બ્રહ્માંડમાં સૌથી રહસ્યમય ગણાતા બ્લેક હોલ અંગેનું વિજ્ઞાન સમજાવ્યું હતું. ‘એ બ્રીફ હિસ્ટરી ઓફ ટાઇમ’ નામનું બેસ્ટ સેલર પુસ્તક લખનાર હોકિંગ નર્વસ સિસ્ટમ પર ગંભીર અસર કરતી અને શરીરને પાંગળું બનાવતી આમિયોટ્રોફિક લેટરલ સિક્લરોસિસ (એએલએસ) નામની બીમારીથી પીડાતા હતા. છતાં બ્રહ્માંડની માહિતી અને જ્ઞાન ઉજાગર કર્યાં હતાં. તેઓ મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનની 139મી જન્મજયંતીએ જ નિધન પામ્યા હતા.
આ બ્રહ્માંડનું સર્જન ભગવાને કર્યું નથી તેમ કહીને પરંપરાને પડકારનારા હોકિંગે પોતાના વિશે લખ્યું હતું કે તેમનું મગજ હાલતા ચાલતા કોમ્પ્યુટર જેવું છે. સ્ટીફન હોકિંગે ‘માનવી મૃત્યુ પામ્યા પછી સ્વર્ગમાં જતો હોય છે’ તેવી મનુષ્યસહજ માન્યતાઓને પડકારી હતી. હોકિંગ માનતા હતા કે ‘ભગવાનનું કોઈ અસ્તિત્વ દુનિયામાં નથી. ભગવાન નથી, હું નાસ્તિક છું.’ 2014માં હોકિંગે કહ્યું કે બ્રહ્માંડનું નિર્માણ કોઈ અલૌકિક શક્તિએ કર્યું નથી. આપણે બ્રહ્માંડને સમજી શકીએ તેટલા સક્ષમ છીએ.

આઠમી જાન્યુઆરી, 1942ના દિવસે જન્મેલા હોકિંગની સરખામણી બે મહાન વિજ્ઞાનીઓ આઇઝેક ન્યુટન અને આલ્બર્ટ આઇનસ્ટાઇન સાથે થાય છે. 1974માં તેઓ બ્રિટનની સૌથી પ્રતિષ્ઠિત વિજ્ઞાની સંસ્થા રોયલ સોસાયટીના સભ્ય બન્યા હતા તે વખતે તેમની વય 32 વર્ષની હતી. બ્રહમાંડનાં અનેક રહસ્યો વિશે સમજ આપનારા હોકિંગને ફક્ત 21 વર્ષની વયે મગજના જ્ઞાનતંતુઓને લગતા રોગનો ભોગ બનવું પડ્યું હતું. પછી પણ તેમણે ભૌતિકશાસ્ત્રમાં જબરજસ્ત પ્રદાન આપ્યું હતું. હોકિંગે બ્રહ્માડંમાં સૌથી રહસ્યમય ગણાતા બ્લેક હોલ અંગેની સમજ વિસ્તારી હતી. હોકિંગે કહ્યું હતું કે બ્લેક હોલનું સંકોચન શક્ય નથી, એ માત્ર વિસ્તરણ જ થઈ શકે છે. બ્રહ્માંડનો જન્મ કેવી રીતે થયો તે અંગે વિવિધ થિયેરી અને મતમતાંતર છે ત્યારે વ્યાપકપણે મનાતી બિગ બેન્ગ એટલે કે પ્રચંડ વિસ્ફોટ થયા પછી થયેલી રચનાની થિયરીને પણ હોકિંગે સમર્થન આપ્યું હતું અને તેના પુરાવા રજૂ કર્યા હતા. વ્હીલચેર પર પોતાનું મોટા ભાગનું જીવન પસાર કરનારા હોકિંગને 1963માં આ બીમારી થઇ હતી અને ડોક્ટરોએ તેમનું આયુષ્ય થોડાં વર્ષનું હોવાનું કહ્યું હતું. છતાં તેઓ કેમ્બ્રિજમાં અભ્યાસ કરવા ગયા અને ફિઝિસિસ્ટ બન્યા હતા. મજ્જાતંતુઓની નબળાઈની બીમારીના કારણે અને લકવાના કારણે તેઓ ચાલી શકતા નહોતા અને વ્હીલચેરમાં જ ફરવું પડતું હતું.  હોકિંગે 1970માં રોજર પેનરોની સાથે મળીને બ્લેક હોલ અંગે અલગ સિદ્ધાંત રજૂ કર્યો હતો.