બોસ્ટન ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાઃ એક સાંગીતિક તવારીખ

0
859

મહાપ્રાંત અમેરિકાની સુરીલી સફર, ગુલાબી ઠંડક, શુદ્ધ હવાની લહેરખીઓને માણવાના દિવસો ચાલી રહ્યા છે. પેસિફિક મહાસાગરના રમણીય કિનારાઓ, કેલિફોર્નિયાના અજીબોગરીબ શીતળ અને આકર્ષક ભૂમિપટોનું સંગીત માણતાં માણતાં બોસ્ટન આવ્યું એટલે સંસ્કૃતિનગરીની કેટલીયે વાતો મનમાં સળવળવા લાગી! હાર્વર્ડ, એમઆઇટી, સાયન્સ મ્યુઝિયમ ઉપરાંત અહીંની બર્કલી કોલેજ ઓફ મ્યુઝિક અને એનાથીયે ચઢે એવું બોસ્ટનનું જ ‘બોસ્ટન ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા! જેના વિશે વિચારો એટલે રૂંવાડાં ઊભાં થઈ જાય.
બોસ્ટનમાં હોવ અને એના જગવિખ્યાત ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાની વાત કર્યા વગર કેમ રહેવાય?! આજે માંડીએ આ સાંસ્કૃતિક શિરમોર ઘટનાની વાત. આ મધુર સૂરસરવાણી અસ્તિત્વમાં કઈ રીતે આવી અને એની વિશ્વભરમાં પ્રસિદ્ધિ કઈ રીતે થઇ એ વિશે વાત કરીએ. એક લેખલંબાઈમાં આ તોતિંગ ઇતિહાસને સમાવવો અઘરો છે. 1979ની સાલમાં બોસ્ટન અને એની આસપાસ રહેતા સ્વરશિલ્પીઓએ ભેગા થઈને સંગીતસર્જન અને એને લગતી પ્રવૃત્તિઓ કરવાનું નક્કી કર્યું. આ તમામ શિલ્પીઓમાંથી બેન્જામિન ઝેન્ડર નામના એક અજીબોગરીબ સંગીતકારે આ પ્રવૃત્તિને અંજામ આપ્યો. આ પ્રવૃત્તિને બે હિસ્સામાં પાર પાડવાનું નક્કી કરાયું.
એક તરફ સંગીતમાર્તન્ડ કક્ષાના સંગીતશિલ્પીઓ પોતે જ નવી સિમ્ફનીઓ તેમ જ સંગીતનું સર્જન કરે અને સાથે સાથે નવોદિત સંગીતવિદ્યાર્થીઓ એમની પાસે તાલીમ લે અને સંગીતની દુનિયામાં પ્રવેશી વૈશ્વિક સ્તરે પોતાનું તેમ જ બોસ્ટન ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાનું નામ ઉજાગર કરી શકે એ જ મૂળ આશય હતો. આ તરફ એ વખતના તવંગર ડોક્ટરો, વકીલો, ઉદ્યોગપતિઓ આ પ્રવૃત્તિના હિતેચ્છુઓ બની એને ઉત્તેજન અને વેગ આપતા. એ જમાનામાં સંગીતકારોના વૃંદની સાથે સાથે શ્રોતાવૃંદ પણ એટલું જ વિકસ્યું હતું. બેન્જામિનના અથાગ પુરુષાર્થમાં અનેક સંગીતકારો જોડાયા અને જોતજોતાંમાં બોસ્ટન સર્વશ્રેષ્ઠ સંગીતકારોનું ધામ બની ગયું. આખા વિશ્વમાં આજે એનો ડંકો વાગે છે.
આ ઓર્કેસ્ટ્રામાં કીર્તિત નામી કલાકારો, જેમ કે સ્ટીફન જેકીવ, ગેબ્રિયેલા મોન્ટેરો, યો-યો મા, જોન કિમુરા પાર્કર, ઓસ્કર શૂમ્સકી લિયોનાર્ડ શ્યોર અને કંઈકેટલાય કલાકારો એકસાથે અમેરિકાના કાર્નિગી હોલ, સિમ્ફની હોલ તેમ જ મિકેનિક્સ હોલમાં દર વર્ષે કાર્યક્રમો આપે છે.
આ પ્રકારની કોન્સર્ટોમાં સિમ્ફની પહેલાં બેન્જામિન ઝેન્ડરનું લેક્ચર રાખવામાં આવે છે અને ત્યાર પછી કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે. આ ઓર્કેસ્ટ્રાએ દેશવિદેશમાં હજારો પરફોર્મન્સ આપ્યાં છે. દુનિયાના શિરમોર સંગીતનિયોજકો આ ઓકેસ્ટ્રાનું સંચાલન કરવામાં ગૌરવ અનુભવે છે. અથાગ પરિશ્રમ અને દઢતા જ આ માનભર્યો તબક્કો લાવી શકે!
સંસ્કૃતિને વેગ આપી એનો વ્યાપ વધારવા માટે સંગીતથી વધુ સબળ કોઈ હથિયાર જ નથી. શબ્દ જ્યાં થાકી લોથપોથ થાય ત્યાંથી સંગીતની સફર શરૂ થાય અને આ પ્રવાસ અનંત બની જાય છે.
બોસ્ટન ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા અને એના દ્વારા પીરસાયેલી સિમ્ફનીઓની કેટલીક અદ્ભુત ઐતિહાસિક વાતો પછી ક્યારેક.
ચલતે ચલતેઃ
બોસ્ટનની મુલાકાત દરમિયાન એક સરસ ઘટના ઘટી. યુવાન કવિમિત્ર અને પરમચાહક ચંદુ અને ઈશાનીને ખબર પડી કે અમે ગામમાં છીએ એટલે તેઓ જોડે મળવા આવ્યાં. આવો સુખદ સુયોગ થાય એટલે ‘સ્મોકહેડ’ અને ‘રેડ્બ્રેસ્ટ’ જેવી પ્રાકૃતિક સામગ્રીની ઓથે સૂરશબ્દ રેલાયા વગર કેમ રહી શકે?! પરસ્પર ચાહક હોવાનું આ જ તો જોખમ છે! આવી પારદર્શક વ્યક્તિઓ જોડે મોડી રાત સુધી સત્સંગ ચાલ્યો અને જાણે પોતાની જાતને મળતા હોઈએ એટલો આનંદ થાય! ગુજરાતી ભાષા જ્યાં આળસ મરડી નવો વેશ ધારણ કરવાની મોકળાશ અનુભવે એવા મૃદુ અને સહિષ્ણુ કવિ ચંદુ એની કવિતા જેટલો જ સૂક્ષ્મ, સરળ અને સહજ છે. વળી અમારો ઘણાં વર્ષે મળ્યાનો હરખ માયો નહિ એટલે જુક્કુ (રજત ધોળકિયા)ને વોટ્સએપ દ્વારા જગાડ્યો અને અમારો હરખ હળવો કર્યો! ક્યારેક આ બ્લ્યુ જીન્સના કવિજીવ વિશે વિગતવાર વાત માંડીશ. અસ્તુ.

લેખક મુંબઈસ્થિત જાણીતા સંગીતજ્ઞ છે.