બોલ ટેમ્પરિંગથી ક્રિકેટમાં હલચલઃ સ્મિથ અને વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ

સાઉથ આફ્રિકા સામેની કેપટાઉનની બીજી ટેસ્ટ મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગ કરવાના મામલે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. (ફોટોસૌજન્યઃ ગેટ્ટી ઇમેજીસ) (જમણે) કેપટાઉનમાં શનિવારે પત્રકાર પરિષદ દરમિયાન બોલ ટેમ્પરિંગનો સ્વીકાર કરતા ઓસ્ટ્રેલિયાના બેટસમેન (ડાબે) કેમરોન બેનક્રોફ્ટ અને કેપ્ટન સ્ટીવ સ્મિથ. (ફોટોસૌજન્યઃ એએફપી)

મેલબોર્નઃ સાઉથ આફ્રિકા સામેની કેપટાઉનની બીજી ટેસ્ટમેચ દરમિયાન બોલ ટેમ્પરિંગ કરવાના મામલે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ આકરો નિર્ણય કર્યો છે. આ સિવાય કેમરોન બેનક્રોફ્ટ પર નવ માસનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે આ ક્રિકેટરો વર્લ્ડ કપ રમી શકશે, કારણ કે વર્લ્ડ કપ 30મી જૂન 2019થી શરૂ થશે તે અગાઉ તેમનો પ્રતિબંધ પૂરો થઈ ગયો હશે.
મંગળવારે બોલ ટેમ્પરિંગ વિવાદમાં સામેલ સ્મિથ, વોનર્ર, અને બેટ્સમેન બેનક્રોફ્ટને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાની ટુર દરમિયાન જ પાછા ઓસ્ટ્રેલિયા મોકલી દીધા છે. ત્રણેય ક્રિકેટરો સ્વદેશ આવ્યા છે.
દરમિયાન બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નરને બુધવારે આઇપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટનપદેથી હટાવાયો છે. ટેમ્પરિંગના કારણે ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને આઇપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સના કેપ્ટનપદેથી હટાવાયો છે અને તેની જગ્યાએ અજિંક્ય ર્હાણેને જવાબદારી સોંપાઈ છે. આઇપીએલ સાતમી એપ્રિલથી શરૂ થઈ રહી છે.
સાઉથ આફ્રિકાની ટુર દરમિયાન કેપટાઉન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોએ બોલ સાથે ચેડાં કર્યાં હતાં જેનો સ્વીકાર કર્યા પછી સ્મિથ અને વોર્નરે ટીમમાંથી કેપ્ટન-વાઇસ કેપ્ટનનું પદ છોડ્યું હતું. સ્મિથ અને બેનક્રોફટે કેપટાઉન ટેસ્ટની ત્રીજા દિવસની રમતના અંતે બોલ ટેમ્પરિંગની કબૂલાત કરતાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સનસનાટી મચી ગઈ હતી. સ્મિથે અને વોર્નરે કેપ્ટન-વાઇસ કેપ્ટનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન માલ્કમ ટર્નબુલે પણ આ ઘટનાની ગંભીર નોંધ લઈને જવાબદારો સામે કડક પગલાં લેવાની ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને સૂચના આપી છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડના સીઈઓ જેમ્સ સધરલેન્ડ બોર્ડના હેડ ઓફ ઇન્ટીગ્રિટી ઇયાન રોય અને એક્ઝિક્યુટિવ પેટ હાવર્ડની સાથે જોહાનિસબર્ગ ગયા હતા અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટો-સ્ટાફ સાથે વાત કરી હતી. ડેવિડ વોર્નર જેવા સિનિયર ક્રિકેટરે બોલ ટેમ્પરિંગને ટેકો આપ્યો હોવાથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેનાથી નારાજ છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કોચ ડેરેન લેહમેનને હાંકી કાઢવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. લેહમેનના સ્થાને રીકી પોન્ટિંગ કોચ બને તેવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો કઈ રીતે બોલ ટેમ્પરિંગ કરતા પકડાયા હતા તેનો ખુલાસો બહાર આવ્યો છે. બ્રોડકાસ્ટર્સ દ્વારા દાવો કરાયો છે કે કેમરૂન બેનક્રોફટને પીળા કાગળથી બોલને ખરબચડો કરતાં જોયો હતો. ડેવિડ વોર્નર હાથમાં પહેરેલી ટેપથી બોલ સાથે ચેડાં કરતો હતો. ઓસ્ટ્રેલિયનો બોલ ટેમ્પરિંગ કરતા હોવાની તેમને અગાઉથી જાણ હતી. આથી બ્રોડકાસ્ટર્સ દ્વારા રંગે હાથ પકડવાનું નક્કી કરાયું હતું. કોમેન્ટેટર ફેની ડી વિલિયર્સે કહ્યું કે ઓસ્ટ્રેલિયાના બોલરો 30મી ઓવર અગાઉથી જ બોલને રિવર્સ સ્વિંગ કરતા હતા તેથી મને શંકા ગઈ હતી. અમે કેમેરામેનને સૂચન આપી હતી કે તમે આની તપાસ કરો. તેમણે દોઢ કલાક સુધી નજર રાખી અને તેમની પકડમાં બેનક્રોફ્ટ આવ્યો.