બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા 19 વરસ જૂના કાળિયાર હરણના શિકાર કેસમાં જોધપુરની કોર્ટનો ચુકાદો

0
720

રાજશ્રી પિકચર્સ નિર્મિત હિન્દી ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ દરમિયાન જોધપુરના કનકની ગામમાં કાળિયારનો શિકાર કરવાના ગુનાસર તકસીરવાર ગણીને જોધપુરની અદાલતે પ્રસિધ્ધ સુપરસ્ટાર સલમાન ખાનને પાંચ વરસની જેલની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. આ કેસના બાકીના આરોપીઓ સૈફ અલી ખાન, તબુ, નીલમ અને સોનાલી બેન્દ્રેને પુરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 1998ના આ કેસની સુનાવણી જોધપુરની અદાલતે 28મી માર્ચે કરી હતી. જેનો ચુકાદો આજે 5 એપ્રિલના આપવામાં આવ્યો હતો.આ અગાઉ ઘોડા ફાર્મ હાઉસ અને બવાદ ગામ ચિંકારા શિકાર કેસમાં હાઈકોર્ટે સલમાનને બેકસૂર જાહેર કર્યો હતો.

 19 વરસ જૂના આ કાળિયાર શિકાર કેસમાં 12 ઓકટોબર 1998માં સલમાનની સૌપ્રથમવાર ધરપકડ કરવામાં આવી હતી. વનવિભાગની કચેરીમાં સલમાન ખાનને બોલાવીને તેના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તે સમયે પાંચ દિવસ જેલમાં રહ્યા બાદ સલમાન 17 ઓકટોબર 1998ના જામીન પર છૂટ્યો હતો.

સલમાન ખાનને જોધપુર અદાલતે જેલની સજા ફરમાવી ત્યારે સલમાનના ચહેરા પર ઉદાસીના ભાવો હતા. તેની બહેને અલવીરા અને અર્પિતા ચુકાદો સાંભળીને રડી પડી હતી. બન્ને બહેનો સલમાનને ભેટીને રડતી હતી તે ક્ષણે સલમાનની આંખોમાં પણ આંસુ હતા !

પોતાની સાથી કલાકારોના કાફલા સાથે સલમાન જંગલમાં હરણના શિકાર માટે નીકળ્યો હતો ત્યારે હરણનું ટોળું જોઈને તેના  પર ગોળીઓ વરસાવવાનું ચાલુ કર્યું હતું, જેમાં બે કાળિયારનો સલમાને શિકાર કર્યો હતો. જયારે લોકોએ આ કલાકારોને જોયાં અને તેમનો પીછો કર્યો ત્યાર્ મૃત કાળિયારને ઘટનાસ્થળે છોડીને આ કલાકારો ભાગી છુટ્યા હતા.