

તાજેતરમાં મહિલાઓ સાથે યૌન ઉત્પીડનની ઘટનાઓ બાબત મીટુ અભિયાન દ્વારા થઈ રહેલા ઘટસ્ફોટને કારણે બોલીવુડનું વાતાવરણ ક્ષુબ્ધ બન્યું છે. અનેક નામી કલાકાર- કસબીઓના નામ આ પ્રકરણમાં સંડોવાયા હોવાને લીધે નિર્માણાધીન કેટલીક ફિલ્મો પણ વિલંબમાં પડી છે. દરમિયાન ગુલશનકુમારના જીવન પર આધારિત ફિલ્મ મોગલનું નિર્દેશન સુભાષ કપુર કરવાના હતા. પણ તેમનું નામ જાતીય શોષણના મામલામાં આવતાં આમિરખાને ફિલ્મ છોડી દીધી હતી. આમિર ખાન આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાના હતા. હવે ફરી જયારે સુભાષ કપુરને આ ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવતા આમિર ખાન ફરી સહ-નિર્માતા તરીકે તેમજ અભિનેતા તરીકે ફિલ્મમાં ફરી જોડાય એવી સંભાવના છે. ગુલશનકુમારના જીવન પર બની રહેલી આ બાયોપિકની કથા આમિરને ગમી ગઈ હતી. ફિલ્મની કથામાં નાટ્યાત્મકતા અને અભિનયની ગુંજાયશ હોવાને કારણે આમિર ખાન ફિલ્મની મુખ્ય ભૂમિકા ભજવવા તૈયારીબતાવે એવી શકયતા છે.