‘બોમ્બે’ની યાદોની વાગોળી બે ઘડી જીવી લઈએ

0
1161

મુંબઈ મારા માટે તો હંમેશા બોમ્બે જ રહેવાનું. મારો પહેલો શ્વાસમે બોમ્બે સેન્ટ્રલની નજીકની હોસ્પિટાલમાં લીધો, પણ મારો ઉછેર બોમ્બે બહાર પરામાં મલાડ (પરશ્ચમ)માં આવેલા પુષ્પા પાર્કમાં થયો અને આઠમા ધોરણ સુધીનું ભણતર મેં પુષ્પા પાર્કમાં રહીને પૂરું કર્યું. મારી બન્ને સ્કૂલ બાળમંદિર અને આઠમા ધોરણ સુધી દવે હાઈ સ્કૂલ દુર્ભાગ્યે મારા ભણતરનાં થોડાં વરસો પછી બન્ને શાળા બંધ થઈ ગઈ. અમે પુષ્પા પાર્કમાં ચાલીમાં રહેતા એટલે બાથરૂમ અને પાણી બન્નેની વ્યવસ્થા બહારથી કરવી પડતી. મારાં બે ભાઈ અને એક બહેન અમે ચારનો ઉછેર અમારાં માબાપે એ જ બાર બાય દસની ખોલીમાં કર્યો. શહેરમાં જન્મ થવાના ઘણા ફાયદા, જેવા કે જાત જાત ના માણસો જોવાનીને જાણવાની-મજા આવે અને જુદી જુદી ભાષા, વાનગી, પહેરવેશ, તહેવારો વિશે જાણવાની અને તેને માણવાની તક મળી. કોઈ પડોશીને કોઈની ઓળખાણ ન હોય અને પડોશીઓ બદલાતા રહે, બધા પોતપોતાના જીવનમાં રચ્યા રહે. અમારા પાડોશી તમિળ બ્રાહ્મણ, મરાઠી, વાણિયા વગેરે વગેરે, પણ ગરમી અને ચાલી ઉપર એસ્બેસ્ટોસનું છાપરું કોઈને ઘરમાં બેસવા નહિ દે એટલે ફરજિયાત બહાર બેસતાં ઓળખાણ થઈ જાય. કેરોસીન (ઘાસલેટ), રાશન, અનાજ દળાવવાની ચક્કી બધે લાઇનમાં ઊભા રહી ઓળખાણ કરવાનું સહેલું પડતું.
અમારી ચાલીમાં વિવિધ તહેવારો ઊજવાતા, જેવા કે હોળી, ધુળેટી, દહીંહાંડી, ઉતરાણ, દિવાળી, ગણેશોત્સવ અને નવરાત્રિની સાથે બીજા નાનામોટા તહેવારો વગેરે. ગણેશોત્સવ અને નવરાત્રિ બે અઠવાડિયાં ચાલતાં અને નિશાળેથી આવી નાટક માટે બનાવેલા મંચ પર રમવાની મજા પડતી. આ તહેવારો દરમયાન અમે ઘણાં ચલચિત્રો રાત્રે ઘણી વાર ગટર પર બેસી મચ્છર ઉડાડતા રસ્તા વચ્ચે બાંધેલા સફેદ પડદા ઉપર જોયા અને યાદગાર બની ગયા. દરેક ચલચિત્રનું રીલ પૂરું થાય એટલે દસ મિનિટ વાતો માટે સમય મળતો. મંચ ઉપર પણ ઘણા ગુજરાતી, મરાઠી નાટકો, નૃત્યો અને વિવિધ મનોરંજનના કાયેક્રમો થતા. કેટલાંક નાટકોના કલાકારની કલા આજે પણ યાદ આવી જાય.

બોમ્બેમાં રહેવાના ફાયદા ઘણા. ઘણી વાર બોલીવુડનાં ચલચિત્રોનાં શૂટિંગ જોવા મળતાં. ઘણા કલાકારો ચલચિત્રોના શૂટિંગ માટે આવતા. એક વાર જયા ભાદુરીના ‘ફાગુન’નું શૂટિંગ ઉતારવા એસ. કે. પાટીલ હોસ્પિટાલનો ઉપયોગ કર્યો હતો. ચલચિત્ર માટે મોટો સેટ ઊભો કર્યો હતો અને મહિના સુધી એ ચલચિત્રનું કામ ચાલ્યું હતું એટલે અમને ઘણા કલાકારો જોવા મળતા. નડિયાદવાલા જેવા નિર્માતાનો બંગલો અમારા ઘરની નજીક હોવાથી એમને ત્યાં કલાકારોની આવજાવ હંમેશાં રહેતી.

મનોરંજનમાં ફક્ત રેડિયો મળતો (ટીવી બહુ ઓછાં) અને એમાં બપોરે ગુજરાતી નાટક સાંભળવાનું મારી બા ઘરનું કામ કરતાં કરતાં કદી ભૂલતી નહિ. રેડિયો સિલોનથી અમીન સયાની અને ચલચિત્રોનાં ગીતો ‘બિનાકા ગીતમાલા’માં આવતાં એ જ મનોરંજન. અમારા ઘરથી નજીક એક ખુલ્લું મેદાન હતું ત્યાં હંમેશાં કોઈ ને કોઈ મનોરંજન ચાલતું. ઘણી વાર મેળો ભરાતો, ‘મોત કા કૂવા’માં કાર અને સ્કૂટર ચલાવતા જાંબાજો, ક્યારેક સાત દિવસ અને રાત કલાકારો સાઇકલ ચલાવતા અને એમની સાથે મનોરંજન ચાલતું, સાઇકલસવાર સાઇકલ પર ફરતો. સવારે નહાવા-ધોવાનું, કપડાં બદલવાનું અને ખાવાનું પણ સાયકલ પર, પણ છેલ્લા બે દિવસ માણસોની મેદની બરાબર જામતી અને એને પ્રોત્સાહન આપતી.

અમને સૌથી વધારે મજા આવતી જ્યારે મોટો કાળા કપડાનો તંબુ બંધાતો અને એમાં ચલચિત્રોનાં ગીતો અને નાનાં ચલચિત્રોના ભાગ બતાવાતા. બહાર ભરતડકાને લીધે અંદર ભઠ્ઠી કરતાં ખરાબ તાપમાન રહેતું છતાં ત્રીસ મિનિટ માટે લોકો બેસી આનંદ માણતા. પસીનો પાડતી ખીચોખીચ માણસોથી ભરેલી તાડપત્રી ઉપર બેસીને ત્રીસ મિનિટનાં ચલચિત્રોનાં ગાયનો અને વાર્તાલાપ પર પડતી તાળીઓના ગડગડાટ તો ક્યારેક દુનિયા ભુલાવી દે એવો રોમાન્સ થતો અને લોકો જોવામાં ખોવાઈ જતા. પૈસા ન હોય તો કાળા પડદામાં બહારથી કાણું પાડવાની હિંમત કરતા. પડદા પર રાજેશ ખન્નાને નાચતો જોવાનો આનંદ અનેરો હતો. ધૂળથી ભરેલા એક કાળા પડદાના કાણામાંથી રાજેશ ખન્ના અદ્ભુત લાગતો, પણ ક્યારેક ક્યારેક પાછળ લાકડીનો માર પડતો.
એ વખતમાં (પચાસ વર્ષ પહેલાં) વસતિ ઘણી ઓછા હતી, પણ અત્યારે પચાસ ગણી વધી ગઈ અને ફેલાઈ ગઈ. અમદાવાદ હાઈવે બાજુ કોઈ વસતિ નહોતી, પણ આજે હવે પગન મુકાય એટલો સાંજે વાહનોનો અત્યાચાર અનેકગણો વધી ગયો. સદ્ભાગ્યે ત્યારે રિક્ષા નહોતી, કારનાં ફિયાટ અને એમ્બેસેડર બે જ મોડેલ, પણ સંખ્યા ઓછી એટલે રસ્તા પર ચાલવું મુશ્કેલ નહોતુ. મદારી, ફેરિયા, ભાતભાતનાં તાવીજ અને મસાજ માટે તેલ વેચતા વેપારી, વાંદરા અને કૂતરા, સાપ અને નોળિયાના ખેલાડી, જાદુગરો અને સરકસના કલાકારો સારી એવી ભીડ કરતા એટલે સાઇકલવાળા, ચાલવાવાળા, બસ, કાર વચ્ચે હંમેશાં સંઘેષ રહેતો. જીવન ચાલતું નહિ, પણ હંમેશાં દોડતું લાગતુ.

મને યાદ છે એ દિવસ, જ્યારે પહેલી વાર ‘બેસ્ટ’ની બસ પુષ્પાપાર્ક આવી હતી. મલાડ સ્ટેશનથી ઘરે આવવાનો આનંદ કંઈક અનેરો હતો. બસ મોટા ભાગે શરૂઆાતમાં ખાલી ફરતી, ટિકિટ મોંઘી લાગતી, પણ વરસાદમાં લોકો લાભ લેતા. ટિકિટના પૈસા આપી બે ઘડી સુખ અને શાંતિનો આનંદ માણતા. પુષ્પા પાર્ક મલાડ (પરશ્ચમ)માં આવેલુ અને દવે હાઈ સકુલ (પૂર્વ)માં હોવાને લીધે રોજ રેલવેના ચાર પાટા ઓળંગવા પડતા. ફાટક ફક્ત કાર રોકવા કામ લાગતું, રિક્ષા શોધાવાની બાકી હતી, પણ ઘોડાગાડી મળતી. સ્ટેશન પાસે ઘોડાને પાણી પીવાની પરબ પણ હતી, પણ ફાટક ઓળંગતી વખતે ઘણી વાર બે ગાડી વચ્ચે ફસાઈ ગયા તો મોતનો તાંડવ નાચ નજર આવતો. અવારનવાર થતા અક્સમાત જોઈ લોકો ધીમા પડતા, પણ જિંદગીની દોડ બધુ ભુલાવી દેતી. ઘણાં બલિદાન પછી પુલ બંધાયો, પણ એટલો ઊંચો કે 30 વર્ષના જુવાન પણ થાકી જાય. વર્ષો પછી અનેક લોકોનાં બલિદાન પછી હવે દીવાલ બાંધી અને લોકોના વાહન વપરાશને લીધે પુલની જરૂરિયાત ઓછી થઈ.

મારા પિતાની નોકરી મુંબઈ મ્યુનિસિપાલિટીમાં હતી. અમને મ્યુનિસિપાલિટીના વિભાગો અને કામગીરી વિશે વિગતવાર સમજાવતા. મ્યુનિસિપાલિટી મુંબઈનાં ઘણાં મહત્ત્વનાં કામો કરે છે, જેવાં કે કચરો ઊંચકવો, સ્કૂલ, દવાખાનાં, રસ્તા બાંધવા, પાણી પહોંચાડવું વગરે વગેરે. મ્યુનિસિપાલિટીના કર્મચારીઓએ ભેગા મળી બોરીવલીમાં સોસાયટી બનાવી. મારા પિતા ઘણા ખુશ હતા અને અમને મલાડથી બોરીવલી રહેવાનું થયુ. બોરીવલી એ જમાનામાં હિલ સ્ટેશન જેવું ગણાતું. મજા બહુ વર્ષ ન ટકી.

વસતિવધારો બધાને ગળી જતો. મારી નિશાળ બોરવલી (પરશ્ચમ)માં અને ઘર (પૂર્વ)માં. ફરી રોજ સ્કૂલ જવાની ચેલેન્જ. એ જ મોતનું તાંડવ. થોડાં વર્ષ ત્યાં વિતાવી હું અમેરિકા આવી ગયો, પણ એ યાદોને વાગોળી બે ઘડી જીવી લઈએ.

Rajesh Lad, New Jersey