બોટાદના બ્રેઇન ડેડ ‘વેદ’એ ત્રણ જિંદગીને આપ્યું જીવન, સમાજને ચિંધ્યો નવો રાહ

 

 

રાજકોટઃ રાજકોટમાં રવિવારે પ્રથમ વખત સૌથી નાની વયના બાળકની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. બોટાદના માધ્યમ વર્ગના બે વર્ષીય બાળક ‘વેદ’ને બ્રેઇન ટ્યુમર હોવાથી રાજકોટમાં સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થયું હતું. પરિવારજનોએ ભારે હૈયે વ્હાલસોયખઘ(શ્ર ા ‘વેદ’ને અન્ય જિંદગીમાં હયાત રાખવાનો નિર્ણય કર્યો હતો. તેની બંને કિડની અને આંખો દાન કરી અને ‘વેદ’ એક નહિ પણ ત્રણ૪૨૫૪-ત્રણ જિંદગીને જીવન આપી ગયો છે.

તસ્વીરમાં દેખાતું આ બાળક કોમળ ફૂલ જેવું ખીલેલું દેખાય છે. આ બાળકનું નામ છે વેદ ભાવેશભાઈ ઝીંઝુવાડિયા. બોટાદના મધ્યમ વર્ગીય ભાવેશભાઈ ઝીંઝુવાડિયા અને વિભૂતિબહેનના પુત્ર વેદની ઉંમર ૧ વર્ષ અને ૧૧ મહિના છે. જોકે એક અઠવાડિયા પહેલા તેને ઉલટી થતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જેમાં તબીબોએ નિદાન કરતા તેને બ્રેઇન ટ્યુમર હોવાનું સામે આવ્યું હતું.

ટૂંકી સારવાર બાદ વેદનું બ્રેઇન ડેડ થતા તબીબોએ પરિવારજનોને બાળકના અંગ દાન કરવાની સલાહ આપી હતી. મૃતક વેદના પરિવારજનોએ એકના એક વ્હાલસોયા દીકરાને બીજાની જિંદગીમાં હયાત રાખવાના પ્રયાસ માટે દિલ પર પથ્થર રાખીને અનુમતિ આપી હતી. અને વેદ એક નહિ પરંતુ ત્રણ જિંદગીને જીવનદાન આપી ગયો. અમદાવાદના તરુણને વેદની બંને કિડની મળી અને અન્ય બે બાળકોને આંખો. અંગ દાન સ્વીકારનાર તરુણના પિતાએ પણ પરિવારની હિંમતને સેલ્યુટ કર્યું હતું.

આ બાળકની કિડની તેના પર ટ્રાન્સપ્લાન્ટ થવાની હતી તે ૧૭ વર્ષના દર્દીનું ટ્રાન્સપ્લાન્ટ સોમવારે રાજકોટની બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક થયું છે. જેના માટે જાણીતા તબીબ ડો. પ્રાંજલ મોદી ખાસ અમદાવાદથી આવ્યા હતા અને ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા સહિત તબીબોની ટીમે સફળતાપૂર્વક કિડની પ્રત્યારોપણ કરવામાં આવી હતી. 

જે દર્દી પર કીડની ટ્રાન્સપ્લાન્ટ થઇ છે તેનું વજન માત્ર ૩૫ કિલો હતું અને ઘણા સમયથી તે ડાયાલિસિસ પર હતા. જોકે અમદાવાદમાં કોરોના વાઇરસના કેસ વધુ હોવાથી ઓપરેશન અમદાવાદમાં શક્ય નહોતું. જેથી રાજકોટની બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. રાજકોટમાં પ્રથમ વખત સૌથી નાના વયના બાળકની કિડની અને આંખોનું દાન અને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સાથે જ કોરોના વાઇરસનો કહેર હોવાથી રાજકોટની પી.ડી.યુ મેડિકલ કોલેજના સહયોગથી મૃતક બાળક વેદનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અંગદાન કરવામાં આવ્યું હતું.

વેદ ભલે આ દુનિયામાં નથી રહ્યો, પણ તેને ત્રણ જિંદગીને નવું જીવન આપતા તે અમર થઈ ગયો છે.પરિવારજનોએ વ્હાલસોયા વેદના અંગદાન કરીને અન્ય લોકોમાં જીવંત રાખ્યો છે અને સમાજને નવો રાહ પણ ચીંધ્યો છે.