બે વર્ષ પછી શ્રદ્ધાળુઓ માટે ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ખૂલ્યાં

દહેરાદૂનઃ ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ અક્ષય તૃતીયાએ મંગળવારે શ્રદ્ધાળુઓ માટે ખુલી ગયા છે. ૬ મેએ કેદારનાથ અને ૮ મેએ બદ્રીનાથના કપાટ ખૂલશે. આવું પહેલીવાર થયું છે કે, કેદારનાથ અને બદ્રીનાથ ધામના કપાટ ખૂલતા પહેલા જ અહિ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટ્યું છે. આ કારણથી બંને ધામની તમામ હોટલ અને ધર્મશાળાઓ સંપૂર્ણ ફૂલ થઈ ગઈ છે. 

ઉત્તરાખંડ પ્રવાસન વિભાગ પ્રમાણે, આશરે પાંચ હજાર પ્રવાસીઓ પહેલા જ અહીં પહોંચી ચૂક્યા છે. સૌથી વધુ શ્રદ્ધાળુ કેદારનાથ ધામ પહોંચ્યા છે. મંગળવારે બાબા કેદારનાથની પંચમુખી મૂર્તિ ઉખીમઠથી કેદારનાથ રવાના થઈ. ડોલી યાત્રા પાંચ મેએ કેદારનાથ પહોંચશે. ૬ મેથી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.

દર્શનાર્થીઓ માટે ઓલ વેધર રોડ સૌથી મોટી રાહત છે. પહેલા હૃષિકેશથી ગંગોત્રી પહોંચતા આખો દિવસ લાગતો હતો. ઉદાહરણ તરીકે, કોઈ યાત્રી વાહન સવારે ૬ વાગે ઋષિકેશથી ઉપડે, તો રાત્રે નવ વાગે ગંગોત્રી પહોંચતું હતું. હવે સારા રસ્તા બનતા યાત્રા સરળ થઈ ગઈ છે.

સુંદર કુદરતી સૌંદર્ય, નજારો જોવાનો સમય મળશે. હવે શ્રદ્ધાળુઓને રસ્તામાં સુંદર નજારા જોવાનો સમય રહે છે. હૃષિકેશથી ચંબા પહોંચતા ટિહરી સરોવર દેખાય છે. યાત્રી ૫૦ કિલોમિટર સુધી આ સરોવર કિનારે બનેલા રસ્તાની સફર કરે છે, જ્યારે ચંબાથી હિમાલય દેખાય છે. 

આદિગુરૂ શંકરાચાર્યની સમાધિના દર્શન થશે. ઉત્તરાખંડ પ્રવાસન સચિવ દિલીપ જાવલકરે કહ્યું કે, આ યાત્રામાં આદિગુરૂ શંકરાચાર્યની સમાધિના દર્શન માટે યાત્રીઓ અહીં આવી રહ્યા છે. કેદારનાથ મંદિરના કપાટ હાલ બંધ છે, જેથી લોકો અહીં આવી રહ્યા છે.