બે મહિના બાદ કોરોના કેસ ૧ લાખથી ઓછા

 

નવી દિલ્હીઃ દેશમાં ભારે હાલાકી અને પીડા સર્જી જનારી કોરોનાની બીજી લહેરમાં આખરે બે મહિનાના લાંબા ગાળા બાદ રાહતભર્યા આંકડાઓ સામે આવ્યા છે. ૬૬ દિવસ પછી દેશમાં ૧ લાખથી નીચે ૮૬,૪૯૮ મામલા સામે આવ્યા હતા જે ત્રીજી એપ્રિલ બાદનો સૌથી ઓછો આંક છે. આ પહેલાં બીજી એપ્રિલે ૨૪ કલાકના ગાળામાં ૮૧૪૬૬ કેસ નોંધાયા હતા. નવા કેસની સંખ્યા સાથે કોવિડ-૧૯ના કુલ કેસ ૨,૮૯,૯૬,૪૭૩ પહોંચ્યા છે. કેસો ઘટતાંની સાથે દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન-નિયંત્રણોમાં છૂટછાટની જાહેરાત પણ કરવામાં આવી છે. ૨૪ કલાકમાં ૨,૧૨૩નાં મોત થયાં હતાં. 

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે ચોથી મેના દેશમાં ૫૩૧ જિલ્લા એવા હતા જ્યાં પ્રતિદિન ૧૦૦થી વધુ કેસ આવતા હતા હવે આવા જિલ્લાની સંખ્યા ૨૦૯ રહી છે. તેમણે કહ્યું કે એ જ રીતે ત્રીજી મેના દેશમાં રિકવરી દર ૮૧.૮ ટકા હતો જે વધીને ૯૪.૩ થયો છે. વીતેલા ૨૪ કલાકમાં ૧,૮૨,૦૦૦ દર્દીઓ સાજા થયા છે અને હવે દરેક રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા વધુ છે. દેશમાં મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. વીતેલા ૨૪ કલાકમાં જે ૨૧૨૩ મોત નોંધાયાં તે ૪૭ દિવસના ગાળા દરમ્યાનનો સૌથી ઓછો આંક છે. કુલમૃત્યુઆંક વધીને ૩,૫૧,૩૦૯ થયો હતો. એમ મંત્રાલય તરફથી જારી આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું.