બે મહાસત્તા અમેરિકા અને ચીને પ્રથમ તબક્કાની વેપાર સમજૂતી પર સહી કરી

વોશિંગ્ટનઃ વિશ્વનાં બે સૌથી શક્તિશાળી અર્થતંત્રો અમેરિકા અને ચીન વચ્ચે બુધવારે થયેલી વેપાર સમજૂતીથી વિશ્વના તમામ દેશોનાં અર્થતંત્રોએ રાહતના શ્વાસ લીધા છે. બે વર્ષથી ચાલી રહેલા વેપારયુદ્ધનો અંત આવવાની શરૂઆત થવાથી ચાલુ વર્ષે અમેરિકામાં થનારી પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ફાયદો થવાની શક્યતા દેખાય છે. આ સમજૂતી હેઠળ ચીન અમેરિકાની ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ ખરીદશે, જેમાં ૪૦થી ૫૦ અબજ ડોલરની કૃષિપેદાશો પણ હશે. ચીનની વસ્તુઓ પર અમેરિકાએ નાખેલી આયાત ડ્યૂટીને કારણે અમેરિકનોને ચીનની વસ્તુઓ ખરીદવા પાછળ વધુ રકમ ચૂકવવી પડતી હતી.
આ સમજૂતી એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ સેનેટમાં મહાભિયોગનો સામનો કરી રહ્યા છે. અમેરિકા અને ચીન વચ્ચે થનારી પ્રથમ તબક્કાની વેપાર સમજૂતીમાં ચીન આગામી બે વર્ષ સુધી અમેરિકાની વધારાની ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ ખરીદશે, એમ અમેરિકાએ એક નિવેદનમાં જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહમાં જાહેરાત કરી હતી કે ૧૫ જાન્યુઆરીએ પ્રથમ તબક્કાની વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કરશે. આ સાથે જ ૧૫ જાન્યુઆરીથી વિશ્વનાં બે સૌથી મોટાં અર્થતંત્ર વચ્ચે ચાલી રહેલા વેપારયુદ્ધના અંતની શરૂઆત થઈ છે. યુએસ ટ્રેઝરી પ્રધાન સ્ટીવન મ્નુચીને એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ચીન આગામી બે વર્ષમાં અમેરિકાની ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ ખરીદશે, જેમાં ૪૦થી ૫૦ અબજ ડોલરની કૃષિપેદાશો પણ હશે. આ સમજૂતીથી અમેરિકાના ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે. કેટલાક લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું અમેરિકન ખેડૂતો આટલી રકમના પાક ઉત્પન્ન કરી શકશે? તો એના જવાબમાં સ્ટીવન મ્નુચીને જણાવ્યું હતું કે અમેરિકાના ખેડૂતો વધુ જમીન ખરીદીને વધુ ઉત્પાદન કરશે. જો ચીન નક્કી થયેલી સમજૂતી અનુસાર અમેરિકાની ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ ખરીદશે નહિ તો અમેરિકાના પ્રમુખ ફરીથી ચીન પર નવી ડ્યૂટી નાખવાની સત્તા ધરાવે છે.
મ્નુચીને વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા અને ચીન વચ્ચે બીજા તબક્કાની વેપાર સમજૂતી થશે નહિ ત્યાં સુધી હાલમાં જે ડ્યૂટી નાખવામાં આવેલી છે એ ચાલુ રહેશે. જોકે બંને દેશો એકબીજાની વસ્તુઓ પર નવી ડ્યૂટી નાખશે નહિ.