બે એરિયામાં ઓફબીજેપી દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું સન્માન

લોસ એન્જેલસઃ મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી નોર્ધર્ન કેલિફોર્નિયા ઝોન દ્વારા તાજેતરમાં પાલો આલ્ટો સિટીની રેડીસન્સ ગ્રેટ્સમાં આયોજિત સમારંભમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં ભારતમાં મોદી સરકારનાં ચાર વર્ષ પૂરાં કર્યાની ઉજવણી કરાઈ હતી.
ઓફ બીજેપી નોર્ધર્ન કેલિફોર્નિયાના મુખ્ય કાર્યકર ચંદુ ભાભટાએ કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યાર પછી ગૌરવ પટવર્ધને સૌનું ભાવભીનું સ્વાગત પ્રવચન કર્યું હતું.
પધારેલા સૌ મહેમાનો – કાર્યકરોએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું પુષ્પગુચ્છથી ભવ્ય અભિવાદન કર્યું હતું. ત્યાર પછી ફડણવીસે નરેન્દ્ર મોદી સરકારનાં ચાર વર્ષની સફળતાઓની વિગતવાર છણાવટ કરીને મોદી સરકારની પ્રશંસા કરી હતી.
અંતમાં ચંદુ ભાભટાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. પધારેલા સૌએ ચા-કોફી, સ્નેક્સનો આનંદ માણ્યો હતો.