બેસ્ટ કોમેડી માટે વીર દાસે અને ફિલ્મ નિર્માતા એકતા કપૂરને ઈન્ટરનેશનલ એમી એવોર્ડ જીત્યો

નવી િદલ્હીઃ જાણીતા સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસે ઇન્ટરનેશનલ એમી વોર્ડ 2023 માં શ્રેષ્ઠ યુનિક કોમેડી એવાર્ડ જીતી ઇતિહાસ રચી દીધો છે. વીર દાસને નેટફ્લિક્સ શો ‘વીર દાસ લેન્ડિંગ’ માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે. ‘વીર દાસ લેન્ડિંગ’ની સાથે ‘ડેરી ગર્લ્સ સીઝન 3’ને કોમેડી માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યા છે. બંને વચ્ચે સ્પર્ધા બરાબર હતી અને બંનેએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો હતો. નોંધનીય છે કે આ પહેલા 2021માં પણ વીર દાસને તેના કોમેડી શો ‘ટુ ઈન્ડિયા’ માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા પરંતુ તે વખતે તેઓ એવોર્ડ જીતી શકયા નહોતા. આ વર્ષે ‘દિલ્હી ક્રાઈમ 2’ (નેટફ્લિક્સ) માટે અભિનેત્રી શેફાલી શાહ અને ‘રોકેટ બોયઝ 2’ (સોની લિવ) માટે અભિનેતા જિમ સરબને પણ આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ એમી એવોર્ડના ઓફિશિઅલ હેન્ડલ એક્સ એકાઉન્ટ પર વીર દાસની તસવીર સાથેની પોસ્ટમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે. વીરદાસને એમી એવોર્ડથી નવાજવામાં આવ્યા બાદ તેને દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. ઇન્ટરનેશનલ એમી એવોર્ડમાં જીત વિશે વાત કરતાં, વીર દાસે પોતાનો ઉત્સાહ અને ખુશી વ્યક્ત કરતાં કહ્યું, “આ ક્ષણ ખરેખર અવિશ્વસનીય છે – એક આ સન્માન જે સ્વપ્ન જેવું લાગે છે. કોમેડી કેટેગરીમાં વીર દાસ: લેન્ડિંગ માટે એમી જીતવું એ માત્ર મારા માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતીય કોમેડી માટે એક સીમાચિહ્નરૂપ છે.’

જાણીતા ટીવી અને ફિલ્મ નિર્માતા એકતા કપૂરને ઇન્ટરનેશનલ એમી 2023માં વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. એકતાને કલા અને મનોરંજનની દુનિયામાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યાં છે. એકતા કપૂરને 2023ના ઇન્ટરનેશનલ એમી ડિરેક્ટોરેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. એકતા આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય નિર્માતા છે. ન્યૂયોર્કમાં આયોજિત એક સમારોહમાં પ્રખ્યાત લેખક દીપક ચોપરા દ્વારા એકતાને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ સ્વીકારતી વખતે એકતા કપૂરે કહ્યું કે, ‘હું પ્રતિષ્ઠિત એમીઝ ડિરેક્ટોરેટ એવોર્ડ મેળવીને ખૂબ જ ખુશ છું. વૈશ્વિક સ્તરે આ રીતે સન્માનિત થવું મારા માટે ખૂબ જ આનંદની વાત છે. હું હંમેશા વાર્તાઓ કહેવા માંગુ છું. હું પ્રેક્ષકોના પ્રેમ માટે આભારી છું, જેમણે મારા માટે દરવાજા ખોલ્યા, મને ટેલિવિઝનથી ફિલ્મો અને OTTની દુનિયામાં જવાની મંજૂરી આપી.’ ‘મેં કહેલી દરેક વાર્તા અનેક સ્તરે દર્શકો સાથે જોડવાનું માધ્યમ બની ગઈ. આ ભારત અને તેની બહારના લોકો દ્વારા વરસાવેલા પ્રેમની શક્તિનો પુરાવો છે. મારું હૃદય કૃતજ્ઞતાથી ભરેલું છે, અને હું મારા કામ દ્વારા દર્શકો પર સકારાત્મક અસર કરવા માટે કટિબદ્ધ છું.’ આ સિવાય એકતાએ એમી એવોર્ડની તસવીર ઈન્સ્ટા પર શેર કરી અને લખ્યું, ‘ભારત, હું તમારા એમીને ઘરે લાવી રહી છું.’ જ્યારે રોકેટ બોયઝ માટે જીમ સરભ અને દિલ્હી ક્રાઈમ 2 માટે શેફાલી શાહ ઈન્ટરનેશનલ એમીઝમાં પોતપોતાની કેટેગરીમાં હારી ગયા, વીર દાસે તેના સ્ટેન્ડ-અપ માટે એવોર્ડ મેળવ્યો. એકતા કપૂરના લોકપ્રિય ભારતીય ટીવી શોમાં ક્યૂંકી સાસ ભી કભી બહુ થી, કહાની ઘર ઘર કી, કુસુમ, પવિત્ર રિશ્તા અને કસૌટી ઝિંદગી કી અને અન્ય ઘણા શો અને ફિલ્મો સામેલ છે.