બેન્કોનાં વિલીનીકરણની પ્રક્રિયા ચાલુ છેઃ નિર્મલા સીતારામન

 

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે સરકારી બેંકોનાં વિલીનીકરણની પ્રક્રિયા ચાલુ છે. એ કામ સમયસર પૂરું થઈ જશે. સરકારે ગયા વરસે દસ સરકારી બેંકોનાં વિલીનીકરણનો નિર્ણય કર્યો હતો. યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ પંજાબ નેશનલ બેંકનો હિસ્સો બની જશે, આથી પંજાબ નેશનલ બેંક દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની જશે.

સિંડિકેટ બેંકને કેનેરા બેંકમાં અને આંધ્ર બેંક તથા કોર્પોરેશન બેંકને યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ભેળવી દેવાશે. આમ થવાથી ગ્રાહકોને નવો એકાઉન્ટ નંબર અને નવા કસ્ટમર આઇડી મળવા ઉપરાંત બેંકના નવા આઇએફએસસી કોડ મળશે. નવી ચેકબુક અને નવી પાસબુક પણ મળશે. તેમણે કહ્યું હતું કે બેંકોના મર્જર અંગે કોઈ અનિશ્ચિતતા નથી. આ કામ ચાલુ છે અને સમયસર પૂરું કરવાની અમારી તૈયારી છે.