બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ વિમેન્સ સિંગલ્સમાં અને લક્ષ્ય સેેનને મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ

 

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને બેડમિન્ટનમાં ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા છે. ટેબલ ટેનિસમાં એક ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સાથે ભારત પાસે હવે ૨૨ ગોલ્ડ સહિત કુલ ૬૧ મેડલ છે. મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને છે.

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ વિમેન્સ સિંગલ્સમાં અને લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સમાં ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી. આ પછી મેન્સ ડબલ્સમાં સાત્વિક સાઇરાજ રેંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ પણ ફાઇનલ મેચ જીતી હતી. ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય જોડીએ ઇગ્લેન્ડની સીન વેન્ડી અને વેઇન લેનની જોડીને ૨૧-૧૫,૨૧-૧૩થી પરાજય આપ્યો હતો.

બીજી તરફ, ૪૦ વર્ષીય ભારતીય દિગ્ગજ અચંતા શરથ કમલે ટેબલ ટેનિસની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ઇગ્લેન્ડના લિયામ પિચફોર્ડને ૪-૧થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. શરથ કમલે ૧૬ વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ જીત્યો છે. આ પહેલા તેણે ૨૦૦૬માં આ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. ૨૦૨૨માં તેણે ત્રણ ગોલ્ડ જીત્યા છે. સિંગલ્સ પહેલા તેણે મિકસ ડબલ્સ અને મેન્સ ટીમ ઇવેન્ટસમાં પણ ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી. કમલના નામે એકંદરે કોમનવેલ્થ ગેમ્સમાં ૭ ગોલ્ડ થઇ ગયા છે. 

૨૦ વર્ષીય લક્ષ્યે ફાઇનલમાં ત્રણ ગેમના મુકાબલામાં મલેશિયાના જે યંગને ૧૯-૨૧, ૨૧-૯, ૨૧-૧૬થી હરાવ્યો હતો. ભારતીય ખેલાડી પ્રથમ ગેમ ૧૯-૨૧થી હારી ગયો હતો. પરંતુ તેઓએ બીજી ગેમમાં જોરદાર વાપસી કરી અને તેને ૨૧-૦૯થી જીતીને મેચની બરામરી કરી. ત્રીજી ગેમમાં લક્ષ્યે ૨૧-૧૬થી જીત મેળવી હતી. લક્ષ્ય સેના પહેલા, પી કશ્યપે ૨૦૧૪માં બેડમિન્ટનના મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બેડમિન્ટનમાં ભારતીય જોડીએ ઇગ્લેન્ડની જોડીને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. 

ભારતની સાત્વિક-ચિરાગની જોડીએ ૨૧-૧૫, ૨૧-૧૩ અંતરથી મેચ જીતી લીધી હતી. ટેબલ ટેનિસમાં મેન્સ સિંગલ્સ મેચમાં સાથિયાન ગણનાશેખરને ઇંગ્લેન્ડના ડ્રોન્કહેલને ૧૧-૯,૧૧-૩,૧૧-૫,૮-૧૧, ૯-૧૧,૧૦-૧૨,૧૧-૯થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ ફાઇનલમાં કેનેડાની મિશેલ લીને સીધી ગેમ્સમાં હરાવીને કોમનવેલ્થ ગેમ્સ બેડમિન્ટન મહિલા સિંગલ્સમાં ગોલ્ડ જીત્યો હતો. 

વર્લ્ડ નંબર ૭ સિંધુએ પણ ૨૦૧૪ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સની સેમીફાઇનલમાં વિશ્ર્વની ૧૩ ક્રમાંકિત મિશેલ સામે ૨૧-૧૫, ૨૧-૧૩થી હારનો બદલો લીધો હતો. સિંધુએ ૨૦૧૪માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જયારે મિશેલ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. મિશેલ સામે સિંધુની ૧૧ મેચમાં આ નવમી જીત છે. 

કોમન વેલ્થ ગેમ્સમાં સિંધુનો આ ત્રીજો વ્યકિતગત મેડલ છે. તેણે ૨૦૧૮ ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. સિંધુ ચાલુ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય મિશ્રિત ટીમનો પણ ભાગ હતી, જે ફાઇનલમાં મલેશિયા સામે હારી ગઇ હતી. ભારતે ૨૨ ગોલ્ડ, ૧૬ સિલ્વર, ૨૩ બ્રોન્ઝ મળીને કુલ ૬૧મેડલ પ્રાપ્ત કર્યા છે.