બૃહદ ન્યુ યોર્ક સિનિયર્સ-સિનિયર સિટિઝન સેન્ટર દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી

ન્યુ યોર્કઃ બૃહદ ન્યુ યોર્ક સિનિયર્સ અને વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુ યોર્કના સિનિયર સિટિઝન સેન્ટર દ્વારા નવમી માર્ચે ટેમ્પલના વલ્લભ હોલમાં વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતી સમાજ ઓફ ન્યુ યોર્કના પ્રખર દાતા હરીશભાઈ મિસ્ત્રીનાં ધર્મપત્ની સુમિત્રાબહેન અને વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુ યોર્કના ટ્રસ્ટી-અગ્રણી વૈષ્ણવ જયેશભાઈ શાહનું નિધન થતાં તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મંગળાચરણરૂપે ગોપીબહેન ઉદ્દેશી, કામિનીબહેન શાહ, હીનાબહેન શાહે પ્રાર્થના રજૂ કરી હતી.
દીપ્રાગટ્ય માટે મિસ ન્યુ યોર્ક મંજરી પરીખે દક્ષાબહેન પટેલ, મંજરીબહેન ભટ્ટ, દીપિકાબહેન ડોક્ટર, વસુંધરા કલસપુડી, નલિનીબહેન પરીખ, શીતલબહેન દેસાઇ, રેખાબહેન ત્રિવેદી, પદ્માબહેન મહેતા, રીપુલ શાહ, કામિનીબહેન શાહ, હેમાબહેન શાહ, ગોપીબહેન ઉદ્દેશીને આમંત્રણ આપ્યું હતું. સૌએ દીપપ્રાગટ્ય કર્યું હતું.

ગોપી ઉદ્દેશીએ વિશ્વ મહિલા દીન નિમિત્તે વિશ્વની સમગ્ર મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી અને આ કાર્યક્રમના આયોજન બદલ બૃહદ ન્યુ યોર્ક સિનિયર્સ અને વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુ યોર્કના સિનિયર સિટિઝન સેન્ટરને અભિનંદન આપ્યાં હતાં.

ગુજરાત ટાઈમ્સના માર્કેટિંગ મેનેજર શૈલુ મેહુલ દેસાઈએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને સિનિયર સિટિઝન સેન્ટરને શુભકામના વ્યકત કરી હતી.

પદ્માબહેન મહેતાએ પોતાના વિષય ‘સેવા’ વિશે સમજપૂર્વક ખ્યાલ આપી જણાવ્યું હતું કે સેવા પછી એ ગમે તેની હોય-સમાજ, માનવી, દેશની કે પ્રભુ સેવા, દરેક સેવામાં ઈશ્વર છુપાયેલા છે. મહાત્મા ગાંધી, માર્ટિન લ્યુથર કિંગ, મધર ટેરેસાએ બીજાની સેવામાં પોતાની જાતને ઘસી નાખી હતી.

રેખાબહેન ત્રિવેદીએ ‘સેવા’ વિશે અનોખો પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે આપણને બધાને સેવા એટલે કોઈ પણ જાતની મદદ કરવાની ઇચ્છા ઉદ્ભવે. સેવા નિષ્પક્ષ, કોઈ પણ જાતની આશા વગરની હોય છે.

દીપિકા ડોક્ટરે જણાવ્યું કે તંદુરસ્તી તમારા હાથમાં જ છે તે માટે ડાયેટ, યોગા, કસરત, સમતોલ આહારનું મહત્ત્વ સમજવું જોઈએ.   હેમાબહેન શાહે ઈરાનની વાઇટ વેનસડે ઉજવણીની છણાવટ કરી હતી અને મુંબઈના માટુંગા રેલવે સ્ટેશનનો સ્ટાફ મહિલાઓનો છે એમ કહી નારીશક્તિને બિરદાવી હતી.

ડોક્ટર વસુંધરાએ કહ્યું હતું કે દરરોજ મહિલાઓનો દિવસ છે. શીતલ દેસાઈએ યોગ, કસરત, શરીરની સંભાળ કેવી રીતે રાખવી તેનું જ્ઞાન આપ્યું હતું.  ડોક્ટર નલિની પરીખ સારાં કૃષ્ણપ્રેમી છે તેથી બાળકોમાં, સમાજમાં ભક્તિ અને સંસ્કારનું સિંચન કઈ રીતે કરી શકાય તે સમજાવ્યું હતું.

સિમુલ શાહે જણાવ્યું કે મહિલાઓએ અગત્યના દસ્તાવેજો કેવી રીતે રાખવા, સાચવવા, બેન્કમાં નાણાની લેવડદેવડમાં રસ લેવો વગેરે વિષયે માહિતી આપી હતી. કામિનીબહેન શાહે કહ્યું કે પોતે મહિલા છે જેનું સ્વાભિમાન છે. પોતે દીકરી, વહુ, પત્ની, સાસુમા, દાદીમાની ભૂમિકા ભજવી છે.

આ પ્રસંગે બૃહદ ન્યુ યોર્ક સિનિયર્સને ન્યુ યોર્કના ગવર્નર તરફથી વિશ્વ મહિલા દિનનું પ્રોક્લેમેશન-પ્રશસ્તિપત્ર, ન્યુ યોર્ક સિટીના મેયર તરફથી શુભેચ્છાસંદેશ મળ્યા હતા.

દક્ષાબહેન પટેલ, ડોક્ટર કુંજબાળા શાહ, ડોક્ટર વસુંધરા કસમપુડી, અમિતાબહેન અમીન, પદ્માબહેન મહેતા, રેખાબહેન ત્રિવેદી, ડો. વિદ્યાબહેન પટેલને પ્રમાણપત્ર આપી તેમની સેવાની કદર કરવામાં આવી હતી.
ઇનામોની વહેંચણી થઈ હતી. આ પછી પ્રસાદ આરોગી સૌ છૂટા પડ્યાં હતાં.