
વડોદરાઃ બોચાસણવાસી ભક્તવત્સલ સ્વામી અને સંતોના પવિત્ર સાંનિધ્યમાં અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં, અટલાદરા સ્વામીનારાયણ મંદિર પરિસરના વિસ્તરણના રૂપમાં બીએપીએસ સંસ્થા દ્વારા ત્રણ લાખ ચોરસફૂટ બાંધકામ ધરાવતા, મધ્ય ગુજરાતના સૌથી મોટા ત્રિમજલી સભામંડપના નિર્માણની ખાતવિધિ વૈદિક પૂજન અને મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવી હતી.
મધ્ય ગુજરાતના આ સૌથી મોટા સભામંડપને સોલર પેનલ્સથી જડીને બીએપીએસ સંસ્થા એને સૂર્યશક્તિના પ્રાદુર્ભાવનું કેન્દ્ર બનાવે એવું સૂચન કરતાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે બીએપીએસ સંસ્થાની આધ્યાત્મિક તાકાતથી આ સભામંડપ માત્ર ભૌતિક મિલન સ્થળ નહિ, પણ જ્ઞાનમંડપ બની રહેશે અને ધર્મવત્સલ નવી પેઢીનું ઘડતર કરવાની સાથે, જ્ઞાન, સંસ્કાર, પ્રેમ, શાંતિ અને જીવનકલ્યાણનું ભાથુ પીરસશે.
ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય પર્વની વધામણી આપતાં કોઠારી સ્વામીએ જણાવ્યું કે ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ અને મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ત્રણ લાખ ચોરસ ફૂટ બાંધકામ ધરાવતો ત્રણ મજલી સભામંડપ બાર હજાર ભાવિકોને સત્સંગ સહિત જીવનઘડતર પ્રવૃત્તિઓની સાનુકૂળતા કરી આપશે. સ્તંભરહિત આ સભાખંડના ખૂણે ખૂણેથી મુખ્ય મંચ સ્પષ્ટપણે જોઈ શકાશે. તેને વાતાનુકૂલિત બનાવવાની સાથે સૌર ઊર્જાના વિનિયોગ જેવા પર્યાવરણ રક્ષક આયામો તેની સાથે જોડવામાં આવશે.
આ પ્રસંગે નગરસેવકો, ખાતવિધિના યજમાનો, સંતો અને ભક્તજનોનો વિશાળ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.