બિહાર ઝારખંડ એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા દ્વારા આધાર વિશે ટોક

બિહાર ઝારખંડ એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ અવિનાશ ગુપ્તા ડો. અજય ભૂષણ પાંડેને પ્રશસ્તિપત્ર અર્પણ કરી પોતાનો અહોભાવ દર્શાવી રહ્યા છે. તસવીરમાં સંસ્થાના આગેવાનો નજરે પડે છે. (જમણે) ડો. અજય ભૂષણ પાંડે આધાર વિશે વાતચીત કરી રહ્યા છે.

 

ન્યુ યોર્કઃ બિહાર ઝારખંડ એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા (બીજેએએનએ) દ્વારા નવમી ફેબ્રુઆરીના રોજ ન્યુ જર્સીમાં ફ્રીહોલ્ડમાં આયોજિત સૌપ્રથમ ‘બીજેએએનએ ટોક શો’માં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ)ના સીઈઓ ડો. અજય ભૂષણ પાંડે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ) ભારત સરકારની મુખ્ય એજન્સી છે જે આધારના અમલીકરણ માટે જવાબદાર છે. આ ટોક શો આધાર વિશેના સવાલો પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો, જેમાં પ્રાઇવસી જાળવવાની જટિલતાનો પણ સમાવેશ થતો હતો. કેવી રીતે ભારતના 1.2 બિલિયન નાગરિકો સુધી આધાર કાર્ડ પહોંચશે તે અંગેના જવાબો પણ આપવામાં આવ્યા હતા.

આ ટોક શોમાં સંસ્થાના 50થી વધુ સભ્યો હાજર રહ્યા હતા, જેનું ફેસબુક પર લાઇવ ટેલિકાસ્ટ પણ થયું હતું. સંસ્થાના પ્રેસિડન્ટ વિનય સિંહે પાંડેનો પરિચય કરાવ્યો હતો તેમ જ તેમના શિક્ષણ વિશે અને આધાર સાથેની સફળતા વિશે માહિતી આપી હતી.

ફેસબુક લાઇવ પર જીવંત પ્રસારણને એક હજારથી વધુ દર્શકોએ નિહાળ્યું હતું, જેમણે પાંડેને પોતાના સવાલો મોકલીને ટોક શોમાં ભાગ લીધો હતો.

ભૂતકાળમાં પાંડેએ ભારતીય અમેરિકનોના ભારતમાં બેન્કિગ વિશેના તેમ જ આધાર વગર મિલકત તેમ જ નાણાકીય-રોકાણલક્ષી ખાતાંઓ વિશેના સવાલો ઉકેલ્યા હતા.

ભારતીય અમેરિકનોએ પોતાના જીવનમાં આધારની અસરો કઈ રીતે ભાગ ભજવશે અને કેવી રીતે તેઓના નાણાકીય વ્યવહારો-અન્ય પ્રક્રિયાઓ કરી શકશે તે વિશેના સવાલો ઊભા કર્યા હતા. પાંડેએ ભારતીય અમેરિકનો અને દર્શકોને જણાવ્યું હતું કે આધાર નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ (એનઆરઆઇ) માટે જરૂરી નથી, પરંતુ ભારત સરકારના વિભાગોમાં તેની જરૂરિયાત બાબતનો મુદ્દો ઉઠાવશે તેમ જણાવ્યું હતું. ટોક શોના અંતે સંસ્થાના વાઇસ પ્રેસિડન્ટ અવિનાશ ગુપ્તાએ પાંડેને પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમના પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો હતો.

સંસ્થા ભારતીય અમેરિકન સમુદાયને એકસાથે લાવવાનું ઉમદા કાર્યનું આયોજન કરી રહ્યું છે જે અંતર્ગત વધુ ટોક શો યોજાશે, જેમાં દરેકને લાભ થાય તેવા વિષયોને આવરી લેવામાં આવશે.

આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ અંજલિ પ્રસાદના અને ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી-એડવાઇઝરી કમિટીના સભ્ય પ્રતાપ સહાયના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું. સંસ્થાના કમિટીના સભ્યોએ સ્વયંસેવી તરીકે ફરજ બજાવી હતી, જેમાં આલોકકુમાર, અનિલ સિંહ, અદિતિ મોહન, અનિલ અગરવાલ, અનુરાગ કુમાર, પ્રણિત સિંહ, પ્રાબિશ ચૌરસિયા, સંજય ગુપ્તા, સંજીવ સિંહ, શૈલી ઝા, સુધાકર રાજ, વંદના કુમાર, વિશાલ સિંહાનો સમાવેશ થતો હતો.