બિહાર ચૂંટણી પહેલાં શું નીતીશ કુમાર ફરી ભાજપ સાથે છેડો ફાડશે?

 

પટણાઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી બાદ હવે તમામની નજર બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર છે. આ વર્ષના અંતમાં ઓક્ટોબર નવેમ્બરમાં બિહારમાં ચૂંટણી યોજાઈ શકે છે. ભાજપ પહેલાં જ કહી ચૂક્યું છે કે આ ચૂંટણી હાલના મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમાં લડાશે.

જોકે દિલ્હી વિધાનસભાની ચૂંટણી બાદ બિહારના કેટલાક નેતાઓ છાતી ઠોકીને દાવો કરી રહ્યા છે કે બિહારની ચૂંટણી પહેલાં ફરી નવાં સમીકરણો રચાઈ શકે છે. આ વાત કહેવા પાછળનો ઇશારો એ છે કે નીતીશ કુમાર ફરી ભાજપ સાથે છેડો ફાડીને લાલુ પ્રસાદની પાર્ટી આરજેડી સાથે જોડાણ કરી શકે છે.

મહાગઠબંધનમાં નીતીશના પાછા ફરવાનો કોંગ્રેસ વિરોધ નહિ કરે, પણ હાલમાં લાલુના પુત્ર તેજસ્વી યાદવ નીતીશ કુમારની વાપસીનો વિરોધ કરી રહ્યા છે.

એક અંગ્રેજી અખબારે કરેલા દાવા પ્રમાણે, આ સંજોગોમાં કેટલાક નેતાઓ લાલુ પ્રસાદ યાદવને દખલ કરીને તેજસ્વી યાદવને સમજાવવા માટે યોજના બનાવી રહ્યા છે. એવી પણ ચર્ચા છે કે ઝારખંડના સીએમ શીબુ સોરનને કેટલાક નેતાઓએ ઝારખંડમાં સારવાર લઈ રહેલા લાલુ પ્રસાદની મુલાકાત માટે લાગેલાં નિયંત્રણો હળવા કરવા માટે પણ વિનંતી કરી છે, જેથી મોટી સંખ્યામાં બિહારના નેતાઓ લાલુ પ્રસાદને મળીને ભાજપવિરોધી મોરચો રચવામાં સહાયતા કરી શકે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં લાલુ અને નીતીશે હાથ મિલાવ્યા હતા અને ભાજપ સામે જીત મેળવી હતી. જોકે વીસ મહિના બાદ નીતીશે લાલુ પ્રસાદ સાથે છેડો ફાડીને ભાજપ સાથે મળીને ફરી સરકાર બનાવી હતી.