પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA સીટોની વહેંચણી થઈ ગઈ છે. ૨૪૩ સીટો વાળી બિહાર વિધાનસભામાં જેડીયુને ૧૨૨ સીટો મળી છે, તેમાંથી જેડીયુ જીતનરામ માંઝીના હિન્દુસ્તાની આવામ મોર્ચાને ૭ સીટ આપશે, આ રીતે જેડીયુ ૧૧૫ સીટો પર ચૂંટણી લડશે. ભારતીય જનતા પાર્ટીને ૧૨૧ સીટો મળી છે. ભાજપ પોતાના કોટામાંથી મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટીને સાત સીટ આપશે. પટનામાં પત્રકાર પરિષદ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સીટોની વહેંચણીની જાહેરાત કરી છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલે કહ્યું કે, ભાજપ નીતીશ કુમારના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે અને સરકાર બનાવશે. તેમાં કોઈ પ્રકારની શંકાને સ્થાન નથી. આ પહેલા સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના ઘર પર બિહાર કોર કમિટીની બેઠક યોજાઇ હતી તેમાં નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી અને રાજ્ય પ્રભારી ભૂપેન્દ્ર સિંહ યાદવ સામેલ થયા હતા.