
બક્સરઃ બિહારના બક્સર જિલ્લાના ચૌસા ગંગાઘાટ પર ૧૫૦થી વધુ મૃતદેહ તરતા મળી આવતાં ખળભળાટ મચ્યો છે. મૃતદેહો મળી આવ્યા બાદ આ વિસ્તારમાં મહામારીને લઈને ભારે ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. અગ્નિસંસ્કાર માટે લાકડાં મળતાં ન હોવાથી લોકો આ રીતે સંભવતઃ કોરોના મૃતકોના મૃતદેહોને ગંગા નદીમાં ફેંકી રહ્યા હોવાના વીડિયો વાયરલ થયા બાદ એક તરફ રાજનીતિ શરૂ થઈ છે, તો બીજી તરફ તંત્રે એમ કહીને હાથ ખંખેરી લીધા છે કે આ મૃતદેહો બિહાર કે બક્સરના નહીં પરંતુ ઉત્તરપ્રદેશના છે અને પાણીમાં તરતા અહીં આવી ગયા છે. સ્થાનિક લોકો અનુસાર મૃતદેહોની સંખ્યા ૧૫૦ બતાવાઈ રહી છે. લોકોએ જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં મૃતદેહો પાણીમાં હોવાને કારણે અનેક ગામોમાં તેની અસહ્ય દુર્ગંધ પહોંચી રહી છે. સ્થાનિક નિવાસી અનિલકુમાર કુશવાહાએ જ્યારે આ અંગેની ફરિયાદ ચૌસાના સર્કલ અધિકારીને કરી તો તેમને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને સાફસફાઈના નામે માત્ર પ૦૦ રૂપિયા આપતાં ગ્રામજનોમાં નારાજગી વધી છે. બક્સરના એસડીઓ કે.કે. ઉપાધ્યાયે કહ્યું કે, મૃતદેહો પાંચથી સાત દિવસ પહેલાંના છે અને એવી શંકા છે કે યુપી તરફથી આવ્યા હોય. ચૌસાના બીડીઓ અશોકકુમારે કહ્યું કે, આ લાશો અમારી નથી. અમે ચોકીદાર નિયુક્ત કર્યો છે, જે અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરશે.