બિહારમાં રાજકીય ભૂકંપ: નીતિશે ભાજપ સાથેનું ૫ વર્ષ જૂનું ગઠબંધન તોડ્યું

 

બિહાર: બિહારમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય ઉથલપાથલ થવાના સંકેતો મળી રહ્યા હતાં. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક પછી એક એવા સંકેતો આપવાના શરૂ કરી દીધા હતાં જેનાથી એ વાતને બળ મળી રહ્યું હતું કે તેઓ ભાજપ સાથેનું ગઠબંધન તોડી નાખવાના છે. અંતે આજે આ શક્યતા સાચી ઠરી છે.

ભાજપ સાથે ગઠબંધન તોડી નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું. રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ સાથે મળી નવી સરકારની રચના માટે તેમણે રાજ્યપાલને ૧૬૪ ધારાસભ્યોનું સમર્થન પત્ર સોંપ્યું છે. નવી સરકારની પહેલને વેગ આપવામાં આવ્યો છે. નીતિશે કહ્યું કે જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ના તમામ નેતાઓ એનડીઓમાંથી બહાર થવા માગતા હતાં તેથી મુખ્યમંત્રી પદ છોડવું જરૂરી હતું. વાસ્તવમાં મોટા લક્ષ્યને સાધવા માટે નીતિશ કુમાર એનડીએથી અલગ થયા છે.

જેડીયુની બેઠક દરમિયાન શંકા હતી કે નીતિશ કુમારનું આગામી પગલું હશે? તેઓ સીએમ પદેથી રાજીનામુ આપશે એને લઇને પણ સંશય હતો. પરંતુ જ્યારે તેઓ એકલા રાજભવન જવા માટે નીકળ્યા તો તેમના રાજીનામા આપવાની વાત સ્પષ્ટ થઇ ગઇ. ત્યારબાદ તેઓ તેજસ્વી યાદવ સાથે ફરીથી રાજભવન પહોંચ્યા અને ૧૬૪ ધારાસભ્યોનું સમર્થન પત્ર સોંપ્યું. હવે આગળ રાજ્યપાલના નિર્ણય પર નજર મંડાયેલી છે. ભાજપ સાથે જેડીયુનો સંબંધન તૂટવાને લઇને તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવતી રહી. અનેક પ્રકારના પ્રશ્ર્નો ઉદ્ભવતા રહ્યાં, પરંતુ તમામ પ્રશ્ર્નોના જવાબ મળી ગયા. જેડીયુ અને ભાજપે પણ સરકારમાં તિરાડ પડવાની હકીકત સામે લાવી દીધી. દરમિયાન એવા અહેવાલો મળ્યા કે મહાગઠબંધનની નવી નીતિશ સરકારમાં બે નાયબ મુખ્યમંત્રી રહેશે. તેમાં આરજેડીમાંથી તેજસ્વી યાદવનું નામ નક્કી છે. જ્યારે કે બીજા કોંગ્રેસમાંથી સંભાવિત છે.

નીતિશનું મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું, નવી સરકાર રચવાનો કર્યો દાવો મહાગઠબંધન સરકારમાં મંત્રીમંડળની ફોર્મ્યુલા નક્કી, તેજસ્વી યાદવ હશે નાયબ મુખ્યમંત્રી રાષ્ટ્રીય જનતા દળ-કોંગ્રેસ સાથે નવી સરકારની રચના માટે ૧૬૪ ધારાસભ્યોનું સમર્થન રાજ્યપાલને સોંપ્યું. અમારી પાર્ટીના તમામ નેતાઓ એનડીએમાંથી બહાર થવા માગતા હતાં.

એનડીએ સાથે છેડો ફાડી નીતિશ કુમાર મહાગઠબંધનની સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ભાજપે નીતિશ કુમારે એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જદયુના નિર્ણયને બિહારની જનતા અને ભાજપ સાથે દગો ગણાવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલે કહ્યું કે ભાજપે મોટી પાર્ટી હોવા છતાંય નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવ્યા. તેમ છતાંય તેમણે એવો નિર્ણય કેમ લીધો, એ તો તેઓ જ જણાવશે. બિહારની જનતા તેને સ્વીકારશે નહીં.

જેડીયુ-એનડીઓનું ગઠબંધન તૂટ્યા બાદ નીતિશ કુમારે નવી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો. રાજ્યપાલે નીતિશને શપથ ગ્રહણ સમારોહનો સમય પણ આપી દીધો છે. નીતિશ કુમાર નવી સરકારમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. જેડીયુ, આરજેડી, કોંગ્રેસ સહિત ૭ પાર્ટીઓના ગઠબંધનની સરકાર બનશે. તેજસ્વી યાદવ આવતી કાલે જ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેશે. કહેવામાં આવી રહ્યું છે કે મંત્રીઓની યાદી પણ તૈયાર થઇ ગઇ છે. સાથે જ મંત્રાલયોની ફાળવણી પણ લગભગ નક્કી થઇ ગઇ છે.

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીઓમાં કારમા પરાજય બાદ સાવ નિરાશ થઇ ગયેલા વિપક્ષમાં ફરીથી નવો જોમ અને જૂસ્સો આવી ગયો છે. આ બધુ થયું છે બિહારમાં નીતિશ કુમારના નિર્ણય બાદ. નીતિશે ભાજપનો સાથ છોડી મહાગઠબંધનની સાથે આવવાનો નિર્ણય કર્યો જેનાથી વિરોધ પક્ષોને આશા બંધાઇ છે કે આ નિર્ણય ૨૦૨૪માં બિહારથી બહાર પણ દેશમાં વિપક્ષને એકસૂત્રમાં બાંધી શકે છે. આ સાથે જ વિપક્ષ નીતિશના રૂપમાં પ્રધાનમંત્રી મોદી વિરૂદ્ઘ એક મોટો ચહેરો મેળવવાની આશા પણ કરી રહ્યો હશે. ભાજપે તાજેતરમાં વિભિન્ન રાજ્યોમાં પોતાની પતાકા લહેરાવી છે. અનેક રાજ્યોમાં તેણે બહુમતી મેળવી છે, અનેક જગ્યાએ જોડ-તોડ કરીને સત્તામાં આવવામાં સફળતા મેળવી છે. મહારાષ્ટ્ર તેનું તાજુ ઉદાહરણ છે. આ બધા વચ્ચે બિહાર એવું રાજ્ય બની ગયું છે જ્યાં ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. આ જ કારણે વિપક્ષના ઉત્સાહનો પાર રહ્યો નથી. નીતિશ હવે તેમના માટે હીરો બની ગયા છે. નીતિશે બિહારમાં જે કર્યું તે પછી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં તેઓ ભાજપનો ખેલ બગાડે તેવી ચર્ચાઓ રાજકારણમાં થવા લાગી છે. બિહારમાં તેજસ્વી બાદ યુપીમાં અખિલેશ, દિક્ષણમાં કેસીઆર, પૂર્વમાં મમતા અને પશ્ર્ચિમમાં શિવસેના અને એનસીપી સાથે આમ આદમી પાર્ટીના કેજરીવાલે એકસૂત્રમાં બાંધવામાં જો તેઓ સફળ રહ્યાં તો ૨૦૨૪માં ભાજપ માટે મોટું સંકટ ઉભુ કરી શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here