બિનનિવાસી ભારતીયોએ બાળકોને મદદ કરવા ખેડી ૨૭૦૦ કિમીની રિક્ષા સફર

ભુજઃ કચ્છના બિનનિવાસી ભારતીયોએ ચેરિટી માટે સેવા યુ.કે. સંસ્થાના માધ્યમથી રિક્ષા રન યોજી કન્યાકુમારીથી કર્ણાવતી સુધીની ર૭૦૦ કિ.મી.ની યાત્રા ખેડી હતી. પુણેમાં નિર્માણ પામનારી બાળકોની હોસ્પિટલના વિકાસકામે એકત્ર થયેલું ભંડોળ વપરાશે.
સેવા યુ.કે. સંસ્થા દ્વારા રિક્ષા રન કાર્યક્રમ અંતર્ગત કન્યાકુમારીથી કર્ણાવતી (અમદાવાદ) ર૭૦૦ કિ.મી. સુધીની યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વિશ્વના વિવિધ દેશોના એનઆરઆઇ જોડાયા હતા. આ સંસ્થાનાં દક્ષાબેન કેરાઈએ જણાવ્યું હતું કે અમે ૩૦ રિક્ષા દ્વારા ૯૦ સભ્યોએ ભેગા મળી ૨૭૦૦ કિ.મી.ની સફર ચેરિટી માટે ખેડી હતી. પુણેમાં નાનાં બાળકો માટે હોસ્પિટલ બનાવીએ છીએ. જે બાળકો સાંભળી શકતાં નથી તેઓ સાંભળી શકે એ માટેના ઇમ્પ્લાન્ટની સર્જરી કરવામાં આવશે. વિશ્વના પાંચ દેશો યુ.કે., ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ અને આફ્રિકાના સભ્યો અમારી સાથે જોડાયા હતા. કન્યાકુમારીથી અમદાવાદ સુધીની સફરમાં દરેક સ્થળે લોકોનો સારોએવો પ્રતિસાદ અમને મળ્યો છે. ઉલ્લેખનીય છે કે તમામ બિનનિવાસી ભારતીયો મૂળ કચ્છના માનકૂવા, સુખપર, સામત્રા, કેરા સહિતના પટે ચોવીસીના ગામના વતની છે.
સેવા ઇન્ટરનેશનલ નામની સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાયેલા આ ફ્ય્ત્ઓ પુણેમાં મૂક-બધિર બાળકો માટે નિર્માણ પામનારી ખાસ શાળા માટે દાન એકત્ર કરવાની ઝુંબેશ અર્થે કન્યાકુમારીથી અમદાવાદ સુધી આયોજિત રિક્ષા રનમાં જોડાયા હતા. પાંચ રાજ્યોમાંથી ૨૭૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડતી ૧૨ દિવસ લાંબી રિક્ષા રનમાં ૩૦ રિક્ષાઓ અને વિદેશી મહિલા સાથે કુલ ૯૦ ફ્ય્ત્ જોડાયા હતા, જેમાં પતિ-પિતા સાથે ૨૩ કચ્છી યુવતીઓ-ગૃહિણીઓ જોડાઈ હતી. ૮થી ૨૧ ડિસેમ્બર દરમિયાન રિક્ષા રન કાર્યક્રમ પૂર્ણ કરી આ પરિવારો રિક્ષા લઈ માદરે વતન કચ્છની મુલાકાતે આવ્યા છે. ઝુંબેશ સાથે જોડાયેલા મૂળ માનકૂવાના વતની અને લંડનમાં રહેતા સંજય કેરાઈએ જણાવ્યું હતું કે કુલ ચાર કરોડનું ફંડ એકત્ર કરવાનું છે. અમારી આ ઝુંબેશ અંતર્ગત અત્યારસુધીમાં સવાબે કરોડ રૂપિયાનું ફંડ એકઠું થઈ ચૂક્યું છે.
તમામ ફ્ય્ત્ સ્વખર્ચે ભારત આવ્યા હતા અને કન્યાકુમારીથી અમદાવાદની રિક્ષા રેલી દરમિયાન પેટ્રોલથી લઈ રહેવા-જમવા સુધીનો તમામ ખર્ચ સહુએ જાતે ઉઠાવ્યો છે. રિક્ષા રનમાં જોડાયેલાં હરીશ ભૂડિયા, સૂર્યકાંત જાદવ, દક્ષાબેેન કેરાઈ, મુક્તા વરસાણી, લક્ષ્મી ભૂડિયા, ભાવિશા કરસન કેરાઈ વગેરેએ એકસૂરે મૂક-બધિર બાળકો માટે કશુંક કર્યાનો આત્મસંતોષ દર્શાવ્યો હતો. ઝુંબેશ માટે ખરીદવામાં આવેલી ૩૦ રિક્ષાઓ અમદાવાદમાં જરૂરતમંદ પરિવારોને રોજગાર માટે વિતરિત કરવામાં આવશે.
વિદેશમાં લક્ઝુરિયસ કારમાં ફરતા આ પરિવારોએ રિક્ષામાં બેસીને ભારતને નજીકથી જોવા-જાણવાનો લહાવો મેળવ્યો હતો. રેલીમાં જોડાયેલી અનેક યુવતી-ગૃહિણીઓ પણ રિક્ષા ચલાવવાનું શીખીને પ્રવાસ ખેડ્યો હતો. ઉમદા હેતુ સાથે આયોજિત રિક્ષા રેલી દરમિયાન આ બિનનિવાસી ભારતીયોને પ્રવાસના થાક કરતાં જરૂરતમંદ ગરીબ બાળકોને પોતાના થકી વાચા અને શ્રવણશક્તિનું સામર્થ્ય પ્રાપ્ત થશે એનો વધુ આનંદ હતો.