બિનનિવાસી ગુજરાતીઓ સાથે સંપર્ક જાળવવા સદાકાળ ગુજરાત કાર્યક્રમની ઉજવણી

 

પણજીઃ અન્ય રાજ્યોમાં વસતાં બિન નિવાસી ગુજરાતીઓ સાથે જીવંત સંપર્ક જાળવવા, તેઓની નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડવાના આશયથી, જે તે શહેરમાં કે જ્યાં બિન નિવાસી ગુજરાતીઓની સંખ્યા વધારે હોય ત્યાં પોતાના વતનનો અહેસાસ કરાવવાનાં હેતુથી સદાકાળ ગુજરાત કાર્યક્રમ યોજવામાં આવે છે. 

તા. ૨૧/૧૧/૨૦૨૧ના રોજ ગોવાના પણજી ખાતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. જેમાં ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત મુખ્ય મહેમાન તરીકે અને ગુજરાતના ગૃહ રાજય અને બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ મંત્રી હર્ષભાઇ સંઘવી સમારંભના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહી ઉદ્દઘાટન કર્યું હતું. અન્ય મહાનુભાવોમાં ગોવા રાજ્યના ભાજપ પ્રમુખ, ગોવા રાજ્યના એન.આર.આઇ. કમિશનના ચેરમેન, પણજીના ધારાસભ્ય અને પણજી નગર નિગમના મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા. 

આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારની કામગીરી અને સિદ્ધિ અને અદ્યતન વિકાસ અંગેની શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી. ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા વિસ્તારના બિન-નિવાસી ગુજરાતી કે જેઓ દ્વારા ગોવા રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરી હોય, કે સમાજ સેવાલક્ષી કામગીરી કરી હોય તેવા છ મહાનુભાવોનું ગોવા રાજ્યના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત અને ગુજરાત રાજ્યના મંત્રી (બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ) ગૃહ હર્ષભાઇ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક બિન-નિવાસી ગુજરાતીના યુવા ભાઇ-બહેનો તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા અને બપોર પછીના સેશનમાં ગુજરાત રાજ્યમાંથી આમંત્રિત કચ્છ, અમરેલી અને અમદાવાદ જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર જૂથ ચર્ચા કરવામાં આવી. 

ગુજરાતના ગૃહ રાજય મંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, ગોવા અને ગુજરાત ઘણી બાબતોમાં સામ્યતા ધરાવે છે. અને ગોવામાં રહેતા બિન-નિવાસી ગુજરાતીઓ ગુજરાતને ભુલ્યાં નથી. અને ગોવાવાસી બનીને રહ્યા છે. અને દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે બિન-નિવાસી ગુજરાતીઓને  વતન સાથે સાંકળવા પહેલ કરી હતી. તેના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ અને વિવિધ રાજયોમાં આવા કાર્યક્રમોનું આયોજન કરી યુવા બિન-નિવાસી ગુજરાતી અને અન્ય તમામ ગુજરાતીઓને ગુજરાત સાથે જોડી રાખવા પ્રયાસ કરીએ છીએ. તેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને આમંત્રણને માન આપી ગોવા રાજ્યના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત હાજર રહ્યા. તે ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. 

ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત પોતાના વક્તવ્યમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ જે કામગીરી કરી રહ્યા છે, તેની યાદ તાજી કરી ગુજરાત સરકારના કાર્યક્રમને અન્ય રાજ્યોએ પણ અનુસરવા જેવો છે તેવા ઉલ્લેખ સાથે ગોવા રાજ્યમાં રહેતા બિન નિવાસી ગુજરાતીઓ તેમના રાજ્યમાં સાકરની જેમ ભળી ગયા છે તેમ જણાવીને હર્ષ સંઘવીએ હાથ ધરાઇ રહેલી કામગીરીને બિરદાવી હતી. 

આ કાર્યક્રમમાં સચિવ ધનંજય દ્વિવેદી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પણજી ગુજરાતી યુવક મંડળના પ્રમુખ કાજલબેન શાહ, મડગાંવ ગુજરાતી સમાજના પ્રમુખ બાલમભાઇ સાઘાણી, એન.આર.આઇ. પ્રભાગના અધિક સચિવ એન. પી. લવિંગીયા, એન.આર.જી. ફાઉન્ડેશનના નિયામક વિક્રમસિંહ જાદવ તેમજ અન્ય પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

આ કાર્યક્રમમાં ગોવા રાજ્યના ભાજપ પ્રમુખ સદાનંદ શેટ તાનાવડે, ગોવા રાજ્યના એન.આર.આઇ. કમિશનના કમિશ્નર નરેન્દ્ર સાવઈકર અને પણજી નગર નિગમના મેયર રોહિત મોન્સરેટ સહિત ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવાના જુદા જુદા નવ શહેરોના આમંત્રિત ૨૫૦થી વધુ બિન-નિવાસી ગુજરાતીઓ, ખ્યાતનામ મહાનુભાવો અને ગોવા સરકારના એન.આર.આઇ. અફેર્સ સાથે સંકળાયેલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here