બિઝનેસ ઓનર ઓફ ધ યર 2018 તરીકે અશ્વિન પટેલની પસંદગી


સેન્ટ લુઇસઃ એશિયન અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (એએસીસી) સેન્ટ લુઇસ દ્વારા આઠમી મેએ એએસીસી કનેક્શન્સ ડિનરમાં એએસીસી 2018 બિઝનેસ ઓનર ઓફ ધ યર તરીકે સીમા એન્ટરપ્રાઇઝીઝના માલિક ભારતીય-અમેરિકન અશ્વિન પટેલના નામની પસંદગી કરવામાં આવી હતી.
અશ્વિન પટેલ પત્ની રક્ષા સાથે 1978માં અમેરિકા આવ્યા હતા અને તેમણે સીમા એન્ટરપ્રાઇઝીઝ અને સીમા વર્લ્ડ ટ્રાવેલની સ્થાપના કરી હતી. તેઓ હિન્દુ ટેમ્પલ ઓફ સેન્ટ લુઇસની સ્થાપના અને મહાત્મા ગાંધી કલ્ચરલ સેન્ટરની સ્થાપનામાં પણ સંકળાયેલા છે, જે ભારતીય-અમેરિકન સમુદાયનું કેન્દ્રબિંદુ ગણાય છે.
તેમણે વિવિધ સંસ્થાઓ અને કાઉન્સિલોમાં અગ્રણી ભૂમિકા ભજવી સેવા આપી છે, જેમાં ઇન્ડિયા એસોસિયેેશન ઓફ સેન્ટ લુઇસ, મહાત્મા ગાંધી સેન્ટર, મિડવેસ્ટ ફોગાના, ગુજરાતી સમાજ ઓફ સેન્ટ લુઇસનો સમાવેશ થાય છે. તેમણે સેન્ટ લુઇસમાં સાઉથ એશિયન ફિલ્મો, નાટકો, કોન્સર્ટ લાવવામાં પણ સાંસ્કૃતિક રાજદૂત તરીકેની ભૂમિકા અદા કરી છે.
આ એવોર્ડ અશ્વિન પટેલને એએસીસીના ફાઉન્ડિંગ બોર્ડ સભ્યોમાંના એક પ્રદીપ રાજેન્દ્રનના હસ્તે એનાયત થયો હતો. આ કાર્યક્રમમાં 500થી વધુ વિવિધ ઉદ્યોગો અને નોનપ્રોફિટ સંસ્થાઓના વ્યાવસાયિકો હાજર રહ્યા હતા.