બાવળિયા તો ઝાંકી હૈ, પિક્ચર અભી બાકી હૈ

0
1022

સત્તાકારણમાં આવનારા ભલે મંજીરા વગાડવાની વાત કરે, ધખારા તો મંત્રીપદાના હોય છે. કંઈ ના મળે તો છેવટે સત્તાધારી પક્ષનું ચૂંટણીચિહ્ન લેટરહેડ પર છપાવી શકે તો ગ્રામપંચાયતમાં પણ નેતાગીરી થઈ શકે. સત્તાપક્ષ સાથે જોડાયેલા રહેવાથી પ્રજાહિતનાં સરકારી કામો થવાની સાથે જ સરકારી કોન્ટ્રેક્ટ મેળવીને સાઇકલથી ચાર બંગડીવાળી ગાડીઓની સાહ્યબી ભોગવવા સુધીના લાભ જ લાભ હોય છે. જે સત્તાના ધસમસતા પ્રવાહ સામે આડા ફાટ્યા, પછી એ પક્ષના હોય કે વિપક્ષના, પોલીસ કેસ અને સીબીઆઇ તપાસોની કેટકેટલી ઝીંક ઝીલવાની ક્ષમતા છે એના આધારે સત્તાપક્ષથી વિમુખ રહીને રાજકારણની વૈતરણી તરી શકે છે. આજનો યુગ ત્રણ દાયકા પૂર્વેના યુગથી જુદો છે. સત્તાસ્થાને બેઠેલાઓની સામે બાથ ભીડવા જતાં અસ્તિત્વને સમાપ્ત કરવા જેવી અવસ્થા સત્તાપક્ષના સાંસદ રહેલાઓના, દીપક પટેલ અને સી. આર. પાટીલના, જેલવાસના કિસ્સાઓએ આયનામાં બતાવી જ દીધી છે, પછી કેટલા વંકાવાની હિંમત કરે એ ચિત્ર ઝગારા મારતું હોય છે. સત્તાકરણ વિના મંજીરા વગાડવાની વાત કરનારાઓ, મધુ શ્રીવાસ્તવ જેવા, બીજે જ દિવસે ટીવી નિવેદનોમાં કેમ પલટી મારી જાય છે, એ સમજી શકાય છે.
સત્તાનો મધપૂડો સૌને વહાલો
વર્તમાન રાજકારણનાં આટલાં સત્ય સમજી લઈને જ ગુજરાત કે રાષ્ટ્રીય સ્તરે સત્તારૂઢ ભારતીય જનતા પક્ષના કટ્ટર વિરોધીઓ પણ કેમ કેસરિયાં ધારણ કરી લેવામાં સ્વકલ્યાણ સમજે છે એ સ્પષ્ટ છે. ઘોષણાઓ કોંગ્રેસમુક્ત ભારતની અને ભાજપ કોંગ્રેસયુક્ત. આગામી લોકસભા-2019ની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો ફરી અંકે કરવાની કવાયત પુરજોશમાં ચાલી રહી છે. જોકે મે 2014 અને મે 2019 વચ્ચે ઘણો ફરક છે એટલે યેનકેન પ્રકારેણ શક્ય એટલી વધુ બેઠકો મેળવવા માટે ભાજપની શક્તિમાં ઉમેરો કરવાની કવાયતો ચાલે છે. ક્યારેક ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર રહેલા લાલ કૃષ્ણ આડવાણી કહેતા રહ્યા હતા કે ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે, પણ ભાજપનું સત્તામાં હોવું એ મીઠો મધપૂડો સમગ્ર સંઘ પરિવારને વહાલો લાગે છે. સત્તાના આ સત્યની પ્રતીતિ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને કરાવી છે. માત્ર સિદ્ધાંતોના મંજીરા વગાડવાથી સત્તા સુધી પહોંચાતું નથી.
ભાષા અન્યાયની, મહેચ્છા મંત્રીપદની
ગુજરાતમાં ઘણા વખતથી ભાજપમાં જોડાઉં જોડાઉં થઈ રહેલા જસદણના કોંગ્રેસી ધારાસભ્ય અને કોળી સમાજના નેતા કુંવરજી બાવળિયાએ સમાજનું સમરસતા સંમેલન યોજ્યું એ દિવસે જ કોંગ્રેસના મિત્રોએ સમજી જવું જોઈતું હતું કે આ સંઘ પરિવારની ભાષા સાથેનું સંમેલન એની દિશા નક્કી કરી ચૂક્યું છે. દિલ્હીના રામલીલા મેદાન પર અગાઉ અણ્ણા હજારે જેવા સદ્પુરુષના નેતૃત્વમાં ભારતમાતાની સંઘનિષ્ઠ છબિની સાક્ષીએ જનાંદોલન આદરવામાં સંઘના વરિષ્ઠ પ્રચારક કે. એન. ગોવિંદાચાર્ય પરદા પાછળની ભૂમિકામાં જોતરાયા ત્યારથી સંઘની મોદીના સત્તારોહાણની યોજના સમાજદારોને કળાવી જોઈતી હતી. બે દાયકાના જાહેર જીવન અને સાંસદ તથા ધારાસભ્ય તરીકેના અનુભવે બાવળિયાને સમજાઈ ચૂક્યું હતું કે ભાજપ સાથે સોદાબાજી કર્યા વિના મંત્રીપદું નહિ મળે. એ મૂળે ચીમનભાઈ પટેલના જનતાદળિયા કોંગ્રેસી. અન્યાયની વાતો વદવી પડે એટલે એ ઢોલ પણ પીટ્યા કર્યાં. બબ્બે વાર લોકસભાની ટિકિટ અને પાંચ-પાંચ વાર ધારાસભાની ટિકિટ મેળવવા ઉપરાંત દીકરી અને બહેનને પણ ટિકિટ અપાવ્યા પછીયે કોંગ્રેસ અન્યાય કરે એ વાત કંઈક ગળે ઊતરે એવી તો નહોતી.
કુંવરજી બાવળિયાની બરાબરની સોગઠી
છોગામાં ગુજરાતમાં મોદીયુગમાં ફોજદારી ખટલામાં ગોંડલ જેલમાં 12 દિવસ રહેવું પડેલું અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓએ જસદણમાં બાવળિયાના જેલવાસના વિરોધમાં સંમેલન યોજવું પડ્યું હતું. હજી હવે એ ખટલો અંતિમ સુનાવણી પર હોય ત્યારે કુંવરજીભાઈ પાસે સત્તા સાથે સમાધાન કરવા સિવાયના ઝાઝા વિકલ્પ બચ્ચા નહોતા. જોકે એમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના દરબારમાં નારાજગી વ્યક્ત કરવાની સાથે જ જસદણમાં સમાજનું સમરસતા સંમેલન ભરવાનું ગોઠવ્યું અને રાજકોટમાં ખેડૂતોના ટેકામાં કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણાંમાં મંચસ્થ થવાની સાથે ભાજપની નેતાગીરી સાથે મંત્રણાઓ સુપેરે ચલાવી. જોકે ક્યારેક બાવળિયાના કહ્યાગરા રહેલા અને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને કોંગ્રેસે પોતીકા કરીને જાણે મીર માર્યાનો દેખાડો કર્યો. રાજકોટના અબજોપતિ કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાણી જોઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે વિધાનસભા ચૂંટણી લડીને પગ પર કુહાડો માર્યો હતો. ઇન્દ્રનીલને પોતાની સલામત બેઠક છોડીને વિજયભાઈને બતાવી દેવા જવાની જરૂર નહોતી. એ હાર્યા પછી રાજ્યગુરુએ પણ કોંગ્રેસ છોડીને અમેરિકાની વાટ પકડી. ઇન્દ્રનીલને બાવળિયા અને ડો. હેમાંગ વસાવડા બેઉ પજવતા હતા, પણ હવે બાવળિયા કોંગ્રેસમાંથી ગયા પછી ઇન્દ્રનીલ પક્ષમાં રહી જશે કે નિવૃત્ત થશે, એ ચર્ચાનો વિષય રહે જ છે.
હજી પટેલ-કોળી ધારાસભ્ય રેન્જમાં
બાવળિયાએ કોંગ્રેસ અને ભાજપ બેઉને બરાબર રમાડ્યાંઃ કોંગ્રેસવાળા એવા વહેમમાં રહ્યા કે હવે એ પક્ષ નહિ છોડે અને એમને આગામી લોકસભા ચૂંટણી લડાવી શકાશે. ભાજપને બાવળિયા આવે તો સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાંથી (અમરેલી, ગીર સોમનાથ અને મોરબી) વિધાનસભામાં ભાજપનું ખેતર સાવ બોળું થઈ ગયું છે એટલે કોળી મતોનો લાભ થશે. હજી બીજી વિકેટો પાડવાની છે. વિધાનસભે કોંગ્રેસી બાજુએ બેસતા એક પટેલ નેતા અને કોળી નેતાને ઝાળમાં લેવાની યોજના સક્રિય છે. ભાજપનો દાવો ભલે હોય કે અમને તમામ 26 બેઠકો મળવાની છે, પણ અંદરખાને 11 બેઠકો મળી જવાની હોવાના અંદાજને કારણે જ કોંગ્રેસના ગઢમાં ગાબડાં પાડવાં અનિવાર્ય બન્યાં છે. બાવળિયા ભાજપની મજબૂરીનો બરાબર લાભ લઈ શક્યા એટલે સવારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને સાંજ પહેલાં તો મંત્રીમંડળમાં સામેલ પણ થઈ ગયા. બે કહ્યાગરા અને નિરુપદ્રવી મંત્રીઓ રણછોડભાઈ ફળદુ અને પરબતભાઈ પટેલનાં મંત્રીપદાં કાપીને બાવળિયાને ત્રણ ખાતાં પણ આપી દેવાયાં. ભાજપના નિષ્ઠાવંતો તો ખાતાં વગરના મંત્રી રહેવા પણ તૈયાર છે. પક્ષમાં ત્રાગાં કરનારાઓનો વારો કાઢી લેવાની પરંપરા હોવાથી એ વાકેફ છે. ત્રાગું કરીને નાણા ખાતું મેળવનારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભણી સૌની મીટ છે.
રાદડિયા- સોલંકીની નાદુરસ્ત તબિયત
બાવળિયાને પક્ષપ્રવેશની સાથે જ મંત્રીપદું એ ભાજપની સ્પષ્ટ શરણાગતિ જ હતી. ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવો ખેલ ભાજપની વિવશતાને છતી કરે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને અગાઉ ભાજપમાંથી વાયા રાજપા કોંગ્રેસમાં ગયેલા પટેલ આગેવાન વિઠ્ઠલ રાદડિયા અને કોળી નેતા તરીકે પ્રભાવી લેખાતા રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી નાદુરસ્ત તબિયતને કારણે આગામી લોકસભા ચૂંટણીમાં કેટલા પ્રભાવી રહી શકે એ પ્રશ્ન છે. બન્નેના રાજકીય ગુરુ શંકરસિંહ વાઘેલા તો અત્યારે પ્રભાવહીન છે. હવે નિયમાનુસાર, માત્ર ચાર કે પાંચ જ મંત્રીઓ રૂપાણી સરકારમાં સામેલ કરી શકાય તેમ છે. એટલે હવે જે અસંતોષ વ્યક્ત કરે એમની ફાઈલો આગળ ધરાય અને અસંતોષનું મારણ થાય, એવાં આયોજનો પણ થઈ ચૂક્યાં છે. સત્તાધીશો સુપેરે જાણે છે કે દિલ્હીથી લઈને ગાંધીનગર સુધી સત્તા હોવાને કારણે પક્ષના અસંતુષ્ટોને રાજી કરવા અને દંડો દેખાડવાની જોગવાઈ છે જ. આવતા વર્ષ દરમિયાન ગુજરાતમાં આયારામ-ગયારામ રસપ્રદ બની રહેશે.

લેખક સરદાર પટેલ સંશોધન સંસ્થા-સેરલિપના સંસ્થાપક નિયામક અને પ્રાધ્યાપક તથા ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે.