બાળકની માસૂમિયત ઝિંદાબાદ રહેવીજોઈએ…

0
824

કોઈ નદી ઉપર ડેમ બનાવેલો હોય તો એ ઉચિત ગણાય, પણ કોઈ ઝરણા ઉપર ડેમ બનાવી દીધો હોય તો એ કેવું વિકૃત અને વાહિયાત લાગે! જ્યારે પણ હું કોઈ તોફાન વગરનું અને ભરપૂર ડિસિપ્લિન્ડ બાળક જોઉં છું ત્યારે કોઈકે ઝરણા ઉપર ડેમ બાંધી દીધો હોય તેવું દશ્ય મને દેખાય છે અને હૃદયમાંથી એક અરેરાટી – એક કંપારી છૂટી જાય છે.
કોઈ બાળક બિલકુલ તોફાની કે સહેજ પણ અવળચંડું ન હોય ત્યારે એનાં પેરેન્ટ્સે એ બાળકને ડિસિપ્લિનના કેવા-કેવા ઓવરડોઝ આપી દીધા હશે એનો અણસાર સ્વાભાવિક રીતે જ આપણને આવી જાય છે. નિર્દોષ ભોળપણની જાહોજલાલી છીનવાઈ ગયેલા બાળકની ગરીબી ભારે કરુણ હોય છે. જેના ચહેરા પર માસૂમિયતના સ્થાને મેચ્યોરિટી જડબેસલાક ગોઠવાઈ ગઈ હોય, તેવા બાળકની કમનસીબી ઝટ નજરે પડતી નથી, કારણ કે એની કમનસીબી મોટા ભાગે ખોટી ખુશામત હેઠળ ઢંકાયેલી રહેતી હોય છે. એવા ઠરેલા અને થીજી ગયેલા બાળકને જોઈને એનાં પેરેન્ટ્સને કેટલાક લોકો ધન્યવાદ આપતાં કહે છે કે, ‘વાહ! તમારું બાળક તો ખૂબ નાની ઉંમરે મેચ્યોર્ડ થઈ ગયું છે!’ હું તો એવાં પેરેન્ટ્સને ધિક્કારથી કહું છું કે, ‘ફટ રે! તમે તમારા બાળકની માસૂમિયત છીનવી લીધી!’
એક વખત એક સ્નેહીને ત્યાં એમના પુત્રની બર્થ-ડે પાર્ટીમાં જવાનું થયું. એ પાર્ટીમાં વિવિધ રમતગમત, ખાણીપીણી અને મોજમસ્તીની ભરપૂર વ્યવસ્થા હતી. એ પાર્ટીમાં સ્નેહીના અન્ય એક રિસ્પેક્ટેડ ગેસ્ટ પણ પધાર્યા હતા અને તેમની સાથે આઠ વર્ષની એમની દીકરી હતી અને પાંચ વર્ષનો દીકરો પણ હતો. એ ગેસ્ટ લગભગ દોઢથી બે કલાક સુધી પાર્ટીમાં રોકાયા. અમે ઘણી બધી વાતો કરી, પરંતુ એ દરમિયાન એમનાં બન્ને બાળકો સોફા પર અદબ-પલાંઠી વાળીને ચૂપચાપ બેસી રહ્યાં હતાં. અમને આશ્ચર્ય થયું કે આ બન્ને બાળકો કેમ કોઈ પણ એક્ટિવિટીમાં નથી જોડાતાં? પાર્ટીમાં આવેલાં બીજાં બધાં બાળકો તો ભરપૂર મોજમસ્તી કરતાં હતાં અને ખાણીપીણી ઉપર તો લગભગ તૂટી જ પડ્યાં હતાં, પરંતુ પેલા રિસ્પેક્ટેડ ગેસ્ટનાં બન્ને બાળકો ન તો કોઈ બાળક સાથે વાત કરતાં હતાં, ન તો કંઈ ખાવા-પીવા માટે ઇન્ટરેસ્ટ બતાવતાં હતાં. સ્ટેચ્યુ બનીને ચૂપચાપ બેસી રહ્યાં હતાં અને વડીલોની વાતો નીરસ નજરે સાંભળી રહ્યાં હતાં.
અમે એ ગેસ્ટને કોઈ જ સવાલ નહોતો કર્યો, છતાં અમારી આંખોમાં ડોકાતો મૌન સવાલ તેઓ જોઈ પણ ગયા અને સમજી પણ ગયા! એમણે ખુલાસો કરતાં કહ્યું, ‘અમારાં બન્ને બાળકો પહેલેથી જ ખૂબ શાંત છે, ખૂબ ડિસિપ્લિનવાળાં છે. એમને સામાન્ય મોજમસ્તી કરવાનું બિલકુલ પસંદ નથી. એમની સ્કૂલના ટીચર પણ એ માટે અમને વારંવાર અભિનંદન આપે છે!’
મને લાગ્યું કે આ ગેસ્ટ પોતાને બહુ સદ્ભાગી સમજે છે કે એમનાં સંતાનો ડિસિપ્લિનવાળાં છે, પરંતુ મને તો તે સજ્જન તેમનાં સંતાનો માટે અભિશાપરૂપ લાગ્યા. બાળકના જીવનમાં ડિસિપ્લિન ખૂબ જરૂરી છે, પરંતુ ઓવર ડિસિપ્લિન બાળકનું બાળકપણું ખતમ કરી નાખે છે. દરેક વ્યક્તિને બાળપણ લાઇફમાં એક જ વખત મળતું હોય છે અને બાળપણ ખિલખિલાટ હોવું જોઈએ, કલબલાટથી ભરેલું હોવું જોઈએ, મોજમસ્તીથી છલકાતું હોવું જોઈએ. સોગિયું અને વેદિયું બની ગયેલું બાળપણ શા કામનું?
મેં ઘણી વખત એવા કિસ્સા પણ જોયા છે કે જેમાં પેરેન્ટ્સની હાજરીમાં બાળકો ખૂબ શાણાં અને ઠાવકાં થઈને બેઠાં હોય, પરંતુ પેરેન્ટ્સ થોડીક વાર માટે પણ આઘાંપાછાં થાય તો એ બાળકો ભારે ઉધામા મચાવી મૂકતાં હોય છે! ક્યારેક તો અડોશપડોશનાં બાળકો સાથે ધીંગામસ્તીયે કરી લેતાં હોય છે! જે બાળકો પેરેન્ટ્સની હાજરીમાં કશું ખાતાંપીતાં પણ નથી હોતાં તે બાળકો પેરેન્ટ્સની ગેરહાજરીમાં જે હાથમાં આવે તે બધું જ ખાઈ લેવા ધસી જતાં હોય છે! પેરેન્ટ્સની હાજરીમાં ચોકલેટ કે આઇસક્રીમને હાથ પણ ન લગાડનારાં બાળકો મોટાં થઈને મિત્રો સાથે ખનગીમાં બહારના ગમેતેવા નાસ્તા ઝાપટી લેતાં હોય છે! ઘરે આવીને તેઓ ફરી પાછાં ઠરેલ અને શાંત હોવાનું મહોરું પહેરી લે છે.
મેં એક બીજી વાત પણ માર્ક કરી છે કે જે બાળકોને બળજબરીથી ડિસિપ્લિનમાં કેદ રહેવું પડતું હોય છે તેવાં બાળકો પેરેન્ટ્સ સામે ખોટું બોલતાં પણ શીખી જાય છે! મારું આવું બિહેવિયર મારાં પેરેન્ટ્સને નહિ ગમે અથવા તો મારી આવી વાત જાણીને મારાં પેરેન્ટ્સ મને લડશે એવો ભય એને સતત નખોરિયાં ભર્યા કરતો હોય છે. ભીતરથી એને બીજાં બાળકોની જેમ નિર્દોષ અને તોફાની જીવન જીવવું હોય છે, કિંતુ એનાં પેરેન્ટ્સની કરડી નજર અને જોહુકમી એ બાળકને એવું બંધિયાર બનાવી મૂકે છે કે ક્યારેક તો પાંજરું તોડીને – પાંખો ફફડાવીને ઊડી જવા એ બાળક અધીરું બની ઊઠે છે.
માતાપિતાની વધારે પડતી જોહુકમીને કારણે બાળક માત્ર ખોટું બોલતાં જ નહિ, ક્યારેક તો ચોરી કરતા પણ શીખી જતું હોય છે! એમાંય ટ્રેજેડી તો ત્યારે પેદા થાય છે કે જ્યારે બાળક ખોટું બોલતાં કે ચોરી કરતાં પકડાઈ જાય અને પેરેન્ટ્સ એની ઇન્ક્વાયરી કરવા લાગે!
તાજેતરમાં એસએસસી અને હાયર સેકન્ડરીનાં બોર્ડનાં રિઝલ્ટ આવ્યાં ત્યારે એક સ્નેહીના દીકરાને 95 પર્સન્ટેજ આવ્યા હતા છતાં એનાં પેરેન્ટ્સ તરફથી સામાન્ય ઉજવણી પણ કરવામાં ન આવી. એ બાળકે જોયું હતું કે એના મિત્રોને એના કરતાં ઘણાં ઓછા પર્સન્ટેજ આવ્યા હતા, છતાં એમનાં પેરેન્ટ્સે નાનીમોટી પાર્ટીઓ આપી હતી. કોઈકે આઇસક્રીમની પાર્ટી આપી તો કોઈએ હોટેલમાં બધા મિત્રોને જમાડીને ભવ્ય પાર્ટી આપી! આ દીકરાને પણ મન થતું હતું કે હું પણ મારા મિત્રોને બોલાવું અને સરસ મજાની પાર્ટી આપું, પણ એ એના માટે પોસિબલ નહોતું. પેરેન્ટ્સ એ માટે કોઈ ઉત્સાહ બતાવતાં નહોતાં અને બાળક પેરેન્ટ્સ સામે પોતાની ઇચ્છા વ્યક્ત કરવાની હિંમત ધરાવતું નહોતું.
બીજા છેડે કેટલાંક પેરેન્ટ્સ પોતાના બાળકને કોઈ વાતે કશું કહેતાં જ નથી! એ ગમે તેવું તોફાન કરે, ગમે તેવો ઉધમાત મચાવે, અડોશપડોશમાં જઈને તોડફોડ કરી આવે કે મારઝૂડ કરી આવે અને એ સંદર્ભમાં કોઈ ફરિયાદ આવે તો ઊલટાનાં પોતાના તોફાની બારકસનો પક્ષ લઈને કહે છે કે એમાં અમે શું કરીએ? એ બાળક છે તો તોફાન તો કરશે જ ને! અને સાચી વાત તો એ છે કે એ અમારું કશું સાંભળતો જ નથી! તમારે એને લડવું હોય તો સહેજ લડી લેજો! બાળકની ભૂલ હોય કે બાળકનો અપરાધ હોય છતાં એનો પક્ષ લેનારાં પેરેન્ટ્સ પોતાના સંતાનને ગુનેગાર થવા તરફ અને નફફટ થવા તરફ ધકેલતા હોય છે જેનો રસ્તાઓ પાછલી ઉંમરે તેમણે ખુદ અનુભવવો પડતો હોય છે!
પેરેન્ટ્સે રિંગ માસ્ટર બનીને સરકસમાં જંગલી જાનવરો પાસે કરાવવામાં આવે છે તેવા કસરતના દાવ નથી કરવાના કે પછી બાળકને બેફામ-બેફિકર થવા દઈને એની કરિયર ખતમ નથી કરવાની. ખરેખર તો બાળકને ઉછેરવાનું કામ એ માળીકામ જેવું સુંવાળું અને માવજતભર્યું છે. માળી જેમ ફૂલ છોડનું ધ્યાન રાખે છે કે એ સુકાઈ ન જાય અથવા કોહવાઈ પણ ન જાય એ જ રીતે બાળકના ઉછેર માટે પેરેન્ટ્સે પોતાનો રોલ નિભાવવાનો હોય છે. જે પેરેન્ટ્સ પોતાનાં બાળકોને સામાન્ય ભૂલ માટે પણ સતત લડ્યા કરે છે, ડિસિપ્લિનમાં રાખવાના ઉધામા કરે છે એ પેરેન્ટ્સ ખોટાં છે અને જે પેરેન્ટ્સ પોતાનાં સંતાનોને જરા પણ લડવા કે ધમકાવવા તૈયાર નથી હોતાં એવાં પેરેન્ટ્સ તો વધારે ખોટાં છે. પેરેન્ટ્સની એક આંખમાં ભરપૂર વહાલ હોવું જોઈએ અને બીજી આંખમાં ડિસિપ્લિન માટેનો વાજબી આગ્રહ હોવો જોઈએ.

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.