બાર્ટલેટમાં વર્લ્ડ હિન્દુ ફેડરેશન ઓફ અમેરિકાની સ્થાનિક સંસ્થાઓ સાથે મુલાકાત વર્લ્ડ હિન્દુ કોંગ્રેસમાં ઉપસ્થિત રહેલા પેનલિસ્ટો.

બાર્ટલેટ, ઇલિનોઇસઃ ઇલિનોઇસમાં બાર્ટલેટમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં વર્લ્ડ હિન્દુ ફેડરેશન ઓફ અમેરિકા અને વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકાના સંયુક્ત ઉપક્રમે માહિતીસત્રનું આયોજન 16મી માર્ચે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને મંદિરોના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બીએપીએસ, જૈન ટેમ્પલ, ઉમિયા માતા મિડવેસ્ટ, ઇસ્કોન, હિન્દુ ટેમ્પલ ઓફ ગ્રેટર શિકાગો, ચિન્મય મિશન, ગાયત્રી પરિવાર, ગ્રેટર લેક ટેમ્પલનો સમાવેશ થતો હતો.

વર્લ્ડ હિન્દુ ફાઉન્ડેશનના શામકાન્ત શેઠ (વીએચપીએ, શિકાગોના પ્રેસિડન્ટ) એ વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2018નું વિડિયો પ્રેઝન્ટેશન આપ્યું હતું અને સવાલોના જવાબો આપ્યા હતા. ડબ્લ્યુએચએફનું પ્રતિનિધિત્વ પબ્લિક રિલેશન કોઓર્ડિનેટર નીરવ પટેલ, સેક્રેટરી શૈલેશ રાજપૂત અને ઇનચાર્જ લોજિસ્ટિક મેનેજમેન્ટ સંજય શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ દુનિયાભરમાં પથરાયેલા હિન્દુઓને જોડવાનું વૈશ્વિક પ્લેટફોર્મ છે, જે દર ચાર વર્ષે યોજાય છે. વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2018નું આયોજન સાતમીથી નવમી સપ્ટેમ્બર દરમિયાન શિકાગોમાં હોટેલ વેસ્ટીન, લોમ્બાર્ટ, ઇલિનોઇસમાં યોજાશે.

વર્લ્ડ હિન્દુ કોંગ્રેસના ચેરપર્સન તરીકે કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ (ડી-હવાઇ) છે, જે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાયેલા પ્રથમ હિન્દુ સાંસદ છે. તેમણે કહ્યું હતું કે આગામી કોંગ્રેસનું નેતૃત્વ કરવું મારા માટે સન્માનજનક છે.

સૌપ્રથમ વર્લ્ડ હિન્દુ કોંગ્રેસનું આયોજન 2014માં નવેમ્બરમાં કરાયું હતું જેમાં 53 દે્શોના 1800 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સૌપ્રથમ વર્લ્ડ હિન્દુ કોંગ્રેસની થીમ ‘સ્ટેપ ટુગેધર, એક્સપ્રેસ ટુગેધર’ હતી, જેમાં આર્ટ્સ, શૈક્ષણિક, બિઝનેસ, કોમ્યુનિટી, સોશિયલ, મિડિયા, મેડિસિન, સાયન્સ, ટેક્નોલોજીનાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો હાજર રહ્યા હતા.