બાયોફ્યુઅલવાળાં વાહનોનો વિકલ્પ આપવો જરૂરી બનશેઃ નીતિન ગડકરી

 

મુંબઈઃ કેનિ્દ્રય પ્રધાન નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું કે ભારતમાં વાહનોના ઉત્પાદકો માટે સંપૂર્ણ બાયોફ્યુઅલવાળા વાહનો ઑફર કરવાનું આગામી છ મહિનામાં ફરજિયાત બનાવાશે.

તેમણે દાવો કર્યો હતો કે ગ્રાહકો માટે આ પગલું લાભદાયક રહેશે અને પેટ્રોલના ઊંચા ભાવ ચૂકવવા નહિ પડે. આ ઉપરાંત, બાયોફ્યુઅલના વપરાશથી પ્રદૂષણ પણ ઘટશે અને વિદેશી હૂંડિયામણ પણ બચશે.

તેમણે જણાવ્યું હતું કે બાયોઇથેનોલનો લિટર દીઠ ભાવ રૂપિયા ૬૫ છે, જ્યારે તેની સામે પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૧૧૦ છે.

કેન્દ્રીય પ્રધાને નીતિન ગડકરીએ અહીં યોજાયેલા એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે અમે ફ્લેક્સિબલ ફ્યુઅલ એન્જિનવાળા વાહનોની સંખ્યામાં વધારો કરવા માટે કટિબદ્ધ છીએ. અમે આ સંબંધમાં નિર્ણય લઇ લીધો છે અને ફ્લેક્સિબલ ફ્યુઅલ એન્જિનવાળા વાહનો ઑફર કરવાનું ફરજિયાત બનાવાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે સરકારી માલિકીની ઑઇલ માર્કેટિંગ કંપનીઓને જ્યાં પેટ્રોલ અને ડીઝલ વેચવામાં આવે છે ત્યાં બાયો-ફ્યુઅલ વેચવાની સુવિધા ઊભી કરવાની સૂચના આપી છે.ગ્રાહકોની પાસે પેટ્રોલ અને બાયોઇથેનોલની વચ્ચે પસંદગી કરવાની રહેશે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં ચોખા, મકાઇ, ખાંડ જેવી ચીજોનું ઉત્પાદન જરૂરિયાત કરતાં વધુ હોય છે અને તેને લીધે બાયોઇથેનોલ સસ્તું રહેશે.