બાબરી વિધ્વંસ કેસઃ સીબીઆઈની વિશેષ અદાલતે આપેલો ચુકાદોઃ એલ. કે. એડવાણી, મુરલી મનોહર જોષી સહિત 32 આરોપીઓને અદાલતે નિર્દોષ જાહેર કર્યા …ચુકાદો ઐતિહાસિક છે. કુલ 2300 પાનાના ચુકાદામાં તમામ વિગતો અંગેની તપાસને આવરી લેવામાં આવી છે. 

 

                   બુધવાર 30મી સપ્ટેમ્બરે 28 વરસ બાદ બાબરી મસ્જિદ કેસનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. ચુકાદો જાહેર કરવાની ક્ષણે 26 આરોપીઓ અદાલત સમક્ષ હાજર રહ્યા હતા. છ વ્યક્તિઓ વિડિયો કોન્ફરન્સિંગથી અદાલતની કાર્યવાહીમાં જોડાઈ હતી. અદાલતે તમામ આરોપીઓને સાક્ષીઓના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટનો ચુકાદો આવવાની સાથે જ અદાલતમાં જય શ્રી રામના નારા ગુંજી ઊઠ્યા  હતા. લખનઉની સીબીઆઈ- વિશેષ અદાલતના જિલ્લા અને સત્ર ન્યાયાધીશ એસ. કે. યાદવે કેસનો ચુકાદો સંભળાવીને જણાવ્યું હતું કે, બાબરી મસ્જિદના દ્વંસની ઘટના પૂર્વયોજિત નહોતી.તેમણે જણાવ્યું હતું કે, 6 ડિસેમ્બર, 1992ના દિવસે જે ઘટના બની તેના કાવતરા અંગેના કોઈ પુરાવાઓ અદાલતને મળ્યા નથી. સીબીઆઈએ જે વિડિયો રજૂ કર્યો હતો, તૈેને અદાલતે ટેમ્પર્ડ માન્યો છે. અદાલતે કહ્યું હતું કે, વિડિયોને સીલબંધ કવરમાં અદાલત સમક્ષ જમા કરાવવામાં આવ્યો હતો. માનનીય નાયાયાધીશે જણાવ્યું હતું કે, તસવીરોથી કોઈને આરોપી ગણી શકાય નહિ. આ ઘટનાના કોઈ સાક્ષી મળ્યા નથી. અદાલતે સીબીઆઈ તરફથી પેશ કરવામાં આવેલા તમામ વિડિયો રેકોર્ડિંગ્સને ફેબ્રિકેટેડ માન્યા હતા. તેને પુરાવા તરીકે માનવાનોે અદાલતે ઈન્કાર કરી દીધો હતો. અદાલતે જણાવ્યું હતું કે, અદાલતે પુરાવા અધિનિયમનું પાલન કર્યું નથી. આ ઘટનામાં વિશ્વ હિન્દુ પરિષદનો કોઈ સીધો હસ્તક્ષેપ નહોતો. બપોરે 12 વાગ્યા સુધી સ્થિતિ સામાન્ય હતી, પરંતુ કેટલાક અસામાજિક તત્વોએ ધાંધલ- ઘમાલ કરીને, પથ્થરબાજી કરી હતી. 

      બાબરી ધ્વંસ કેસમાં કુલ 49 વ્યક્તિઓ આરોપી હતી. જેમાંથી 17 જણના મૃત્યુ થઈ ચુક્યા હતા. 6 ડિસેમ્બર 1992ના બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટના બન્યા બાદ ફૈઝાબાદમાં બે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. એફઆઈઆર નંબર 198 કારસેવકોની સામે કરવામાં આવી હતી., જયારે બીજી એફઆઈઆર નંબર 199 સંઘ પરિવારના કાર્યકર્તાઓ, સહિત લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરાજી, મહંત નૃત્ય ગોપાલદાસ, ડો. રામ વિલાસ વેદાન્તી, ચમ્પત રાય, મહંત ધર્મદાસ વગેરે વિરુધ્ધ નોંધવામાં આવી હતી. 

   બાબરી ધ્વંસના ચુકાદાની જાહેરાત કરાયા બાદ ભાજપના નેતાઓ તેમજ કાર્યયકર્તાઓમાં ખુશીની લહેર પ્રસરી હતી. ભાજપના અધ્યક્ષ જે પી. નડ્ડા, અને કેન્દ્રીય ગૃહમંક્ષી અમિત શાહે અડવાણી અને મુરલી મનોહર જોષીને અભિનંદન આપ્યા હતા. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, બાબરી  વિષેના આ ચુકાદાનું હું સ્વાગત કરું છું. અડવાણી, કલ્યાણ સિંહ, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી વગેરે નેતાઓ આ ષડયંત્રમાં સામેલ નહોતા એ જાણીને મને આનંદ થયો છે. આ નિર્ણયથી એક બાબત અવશ્ય સાબિત થાય છે કે, વિલંબ થયો પણ ન્યાયની જીત થઈ છે.