બાબરી કેસઃ એલ. કે. અડવાણી મુરલી જોશીએ ચુકાદાનું કર્યું સ્વાગત

લખનઉઃ ૧૯૯૨ના બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે બુધવારે ચુકાદો આપ્યો જેમાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કોઈ પૂર્વ નિયોજિત ષડયંત્ર નહતું. આ મામલે તમામ ૩૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટના ચુકાદા પર સતત લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. કેસમાં આરોપી રહેલા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સહિત અનેક દિગ્ગજોએ કોર્ટના આ ચુકાદાને જીત ગણાવી છે. 

સીબીઆઈની વિશેષ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા બાદ લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે હું બાબરી મસ્જિદ ડિમોલીશનમાં વિશેષ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાનું હૃદયથી સ્વાગત કરું છે. આ ચુકાદાથી રામ જન્મભૂમિ આંદોલન પ્રતિ મારા વ્યક્તિગત અને ભાજપના વિશ્વાસ તથા પ્રતિબદ્ધતાની જાણ થાય છે. 

આ કેસમાં આરોપી રહેલા ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીએ કહ્યું કે આ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો છે. જેનાથી સાબિત થાય છે કે અયોધ્યામાં ૬ ડિસેમ્બરના રોજ ઘટેલી ઘટના કોઈ ષડયંત્ર નહતું. અમારો કાર્યક્રમ અને રેલીઓ કોઈ ષડયંત્રનો ભાગ નહતી. અમે ખુશ છીએ, દરેકે હવે રામ મંદિરના નિર્માણને લઈને ઉત્સાહિત હોવું જોઈએ. 

‘આ તો પ્રથમ ઝાંખી છે, કાશી-મથુરા બાકી છે’     

સીબીઆઈની વિશેષ કોર્ટ દ્વારા નિર્દોષ છૂટેલા આચાર્ય ધર્મેન્દ્રએ કહ્યું કે આ તો પહેલી ઝાંખી છે, કાશી મથુરા બાકી છે. અત્રે જણાવવાનું કે આ કેસમાં કુલ ૪૯ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતાં. જેમાંથી ૧૭ લોકોનું મૃત્યુ થયું છે જ્યારે બાકીના ૩૨ લોકોને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા છે. 

રક્ષામંત્રી રાજનાથ સિંહે પાઠવી શુભેચ્છા                 

રક્ષામંત્રી અને પૂર્વ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે લખનઉની વિશેષ કોર્ટ દ્વારા બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં લાલ કૃષ્ણ અડવાણી, કલ્યાણ સિંહ, ડો. મુરલી મનોહર જોશી, ઉમાજી સહિત ૩૨ લોકોને કોઈ પણ ષડયંત્રમાં સામેલ ન હોવાના નિર્ણયનું હું સ્વાગત કરું છું. આ નિર્ણયથી સાબિત થયું છે કે ભલે મોડું પણ ન્યાયની જીત થઈ છે. 

યોગી આદિત્યનાથે કહ્યું કે સત્યમેવ જયતે     

કોર્ટના નિર્ણયનું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે સત્યમેવ જયતે મુજબ સત્યની જીત થઈ છે. તેમણે એમ પણ કહ્યું કે આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે તત્કાલિન કોંગ્રેસ સરકાર દ્વારા રાજનીતિક પૂર્વાગ્રહથી ગ્રસ્ત થઈને વોટબેંકની રાજનીતિ માટે દેશના પૂજ્ય સંતો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ અને સમાજના વિભિન્ન સંગઠનોના પદાધિકારીઓને બદનામ કરવાની દાનતથી તેમને ખોટા કેસમાં ફસાવીને બદનામ કરવામાં આવ્યાં.  તેમણે કહ્યું કે આ ષડયંત્ર માટે જવાબદાર લોકો દેશની જનતાની માફી માંગે. તેમણે વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશીને આ ચુકાદા બાદ ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા.