બાંગ્લાદેશમાં મોચા વાવાઝોડું ત્રાટક્યું: ૫ લાખ લોકોને સલામત સ્થળે ખસેડ્યાં

ઢાંકાઃ ચક્રવાત મોચા બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચી ગયું છે. જેના કારણે મ્યાનમારના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અહીં ૧૯૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જે ૨૫૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શકયતા છે. બાંગ્લાદેશના હવામાન વિભાગે કહ્યું કે ,મોચા છેલ્લા બે દાયકામાં દેશમાં ત્રાટકનારું સૌથી શક્તિશાળી તોફાન બની શકે છે.
જેના કારણે દેશનો કોરલ દ્વીપ સેન્ટ માર્ટિન પર ડૂબી જવાનું જોખમ છે. હાલમાં એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને માછીમારોને દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. મોચા મધ્ય અને નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું હતું. તેનાથી વિશ્વના સૌથી મોટા શરણાર્થી શિબિરને પણ અસર થઇ શકે છે.
વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગનાઇઝેશન અનુસાર જો ચક્રવાતને કારણે પૂર કે ભૂસ્ખલન થાય છે તો તે બાંગ્લાદેશ, મ્યાનમાર સરહદ પર સ્થિત રોહિંગ્યા શરણાર્થી શિબિરને નષ્ટ કરી શકે છે. આ શરણાર્થી શિબિરમાં લગભગ ૮ લાખ ૮૦ હજાર રોહિંગ્યા રહે છે. ૫ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાતી તોફાન છેલ્લા છ કલાકમાં ૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. આ વાવાઝોડું ૧૪મેના રોજ બપોરે બાંગ્લાદેશના કોકસ બજાર અને મ્યાનમારના કયુકપ્યુને પાર કરે તેવી શકયતા છે. આ દરમિયાન પવનની ઝડપ ૧૫૦-૧૬૦ કિમી પ્રતિ કલાકથી ૧૭૫ કિમી પ્રતિ કલાકની હોઇ શકે છે. મોચા વાવાઝોડાને કારણે ખરાબ હવામાનને કારણે કોલકાતાથી પોર્ટ બ્લેર જતી વિસ્તારાની ફલાઇટને યુ-ટર્ન લેવો પડ્યો હતો. આ ફલાઇટ કોલકાતા એરપોર્ટથી સવારે ૯.૦૫ કલાકે પોર્ટ બ્લેર માટે ઉડાન ભરી હતી. તેને ૧૧.૪૦ વાગે પોર્ટ બ્લેર પર ઉતરવાનું હતું, પરંતુ મોચા વાવાઝોડાને કારણે હવામાન ખરાબ થઇ ગયું. જેના કારણે તેને કોલકાતા પરત ફરવું પડ્યું હતું.
આઇએમડીનું કહેવું છે કે ,વાવાઝોડું હવે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં અંદમાન-નિકોબાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખતરાને જોતા બંગાળના દિઘામાં એનડીઆરએફની ૮ ટીમો અને ૨૦૦ બચાવકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ ૧૦૦ બચાવકર્મીઓને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. આઇએમડી વૈજ્ઞાનિકનું કહેવું છે કે ચક્રવાતી તોફાન ફરીથી હળવેથી વધશે. જો કે તંત્ર તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગે માછીમારો અને જહાજોને મધ્ય અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને ઉત્તર આંદામાન સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. પહેલાંથી જ ત્યાં જહાજોને કિનારે પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે. મોચાના કારણે ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદની સંભાવના છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશને કહયું કે તે શરણાર્થી શિબિરોમાં ૩૩ મોબાઇલ મેડિકલ ટીમ, ૪૦ એમ્બ્યુલન્સ તેમજ ઇમરજન્સી સર્જરી અને કોલેરા કિટ મોકલવાની તૈયારી કરી રહયું છે. જયારે મ્યાનમારના રખાઇન રાજયમાં નીચાણવાળા વિસ્તારોના રહેવાસી તેમના ઘર છોડીને રાજધાની સિત્તવે આવ્યા હતા. આ સિવાય લગભગ ૧૦૦૦ લોકો એક મઠમાં આશરો લેવાની તૈયાર કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here