બહુજન હિતાય, બહુજન સુખાય’ એ સંતરામ મંદિરનો એકમાત્ર ઉદ્દેશ છે

0
1272

વિશ્વસંસ્કૃતિમાં ભારતીય સંસ્કૃતિ બેનમૂન છે, કારણ કે આધ્યાત્મિકતા એ ભારતીય સંસ્કૃતિનો પાયો છે, તેથી ભારતમાં કોઈ ગામ, નગર કે શહેર એવું નહિ હોય, જ્યાં દેવાલય ન હોય. હજારો વર્ષનાં વહાણાં વહી જવા છતાં ભારતીય સંસ્કૃતિ આજે પણ ટકી રહી છે, તેનું મૂળ કારણ તેનો મજબૂત પાયો આધ્યાત્મિકતા છે. તુંડે તુંડે મર્તિભિન્ના એ ઉક્તિ મુજબ માથે માથે જુદી મતિ એ ન્યાયે જેને જે દેવ ગમે તેની તે રીતે લોકો આરાધના કરે છે, જે દેવમાં જેને શ્રદ્ધા, તે દેવને તે ભજે, શબરીને ભગવાન રામમાં શ્રદ્ધા હતી, તો તે રામભક્ત બની, તો ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતા, મીરાબાઈ વગેરેને ભગવાન શ્રીકૃષ્ણમાં શ્રદ્ધા હતી તો તે કૃષ્ણભક્ત બન્યાં, આમ લોકો જે દેવ કે સંતમાં શ્રદ્ધા ધરાવે તે દેવ યા સંતના મંત્રનું જપન કરે.
પૂ. રંગ અવધૂત મહારાજમાં શ્રદ્ધા ધરાવનાર ‘ગુરુદેવ દત્ત’નું રટણ કરે, તો સ્વાધ્યાય પરિવારમાં શ્રદ્ધા ધરાવનાર ‘જય યોગેશ્વર’નું રટણ કરે, પૂ. જલારામ બાપામાં શ્રદ્ધા ધરાવનાર ‘જય જલારામ’નું રટણ કરે તો પૂ. સંતરામ મહારાજમાં શ્રદ્ધા ધરાવનાર ‘જય મહારાજ’નું રટણ કરે.

ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભાગવત ગીતામાં સાચું જ ગાયું છે કે યજ્ઞાના બપ યજ્ઞોઽસ્મિ! યશોમાં જપ યજ્ઞ એ હું છું. આમ પ્રભુનું સ્મરણ એ જ સાચો યજ્ઞ, શ્રદ્ધાથી ભાવથી જે જપનું જપન મનુષ્ય કરે તે જપ મનુષ્યને અવશ્ય ફળ આપે જ આપે. સંતરામમાં શ્રદ્ધા-ભાવ ધરાવનાર પણ જય મહારાજમાં શ્રદ્ધાભાવ ધરાવે તેનું રટણ-જપન કરે છે ત્યારે તેમના જીવનમાં ખરેખર જય જ થાય, ખરું ને?

સંસ્કૃત સાહિત્યના મહાકવિ ભવભૂતિએ પોતાના નાટક ‘ઉત્તરરામચરિત’માં સાચું જ કહ્યું છે કે સામાન્ય વ્યક્તિની વાણી અર્થને અનુસરે છે, જ્યારે અસામાન્ય વ્યક્તિની વાણીને અર્થ અનુસરે છે એટલે કે સામાન્ય વ્યક્તિ કોઇ જ્યોતિષી આપણી ભાગ્યમાં હોય તે જ કહે, આમ તેની વાણી અર્થને અનુસરે, પરંતુ અસામાન્ય ભક્તિ એવં સંતની વાણીને તો અર્થ અનુસરે છે. એટલે કે અંતે બોલે તે થાય. સંતની વાણી એમના આશીર્વાદ ફળે જ ફળે, પછી તે આશીર્વાદ પૂ. રંગઅવધૂત મહારાજે આપ્યા હોય કે સંતરામ મહારાજે આપ્યા હોય, પૂ. સાંઈબાબાએ આપ્યા હોય કે પૂ. જલારામ બાપાએ આપ્યા હોય.
સંતરામ મંદિર નડિયાદ વિશ્વમાં બહુસંખ્ય ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે અહી જે સંત થયા તે બધા જ અસામાન્ય હતા અને છે. બહુજન હિતાય અને બહુજન સુખાય એ એકમાત્ર આ મંદિરનો ઉદ્દેશ છે. સૌનું ભલું કેમ થાય, એનો જ વિચાર અને આચાર આ મંદિર કરે છે, તેથી જ વિશ્વનાં તમામ મંદિરોમાં આ મંદિર નોખું અનોખું છે, તો તેના સંતો અને ભક્તો પણ નોખા-અનોખા છે.

સંતરામ મહારાજમાં અપાર શ્રદ્ધા ધરાવનાર સ્વર્ગસ્થ છતાં હૃદયસ્થ પૂ. ઇન્દુકાકા (ઇપ્કોવાળા) ‘જય મહારાજ’નું નામ પડે ને કરોડો રૂપિયા દાન કરતાં નથી અચકાતા કે નથી ખચકાતા, તો તેમના કુળદીપક દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા) પણ ‘જય મહારાજ’ અને અષ્ટમ્ બ્રહ્મલીન મહંત પ. પૂ. નારાયણદાસજી મહારાજમાં અપાર શ્રદ્ધા ધરાવતા હોવાથી સેવાભાવી સંસ્થા કે વ્યક્તિને માતબર દાન પ્રતિવર્ષ કરતાં કોઈ દિવસ પીછેહઠ કરી નથી. જે જય મહારાજમાં રહેલી શ્રદ્ધાનું પ્રતીક જ છે ને! આવા તો એક નહિ, અનેક ભક્તો છે જે ‘જય મહારાજ’નું નામ પડે તો કોઇ પણ કાર્ય કરવા ખડેપગે તૈયાર થઈ જાય છે. ‘જય મહારાજ’નો નાદ થતાં જ જાણે સંતરામના ભક્તોમાં એક નવી શક્તિનો સંચાર થાય છે, મનમાં ઉત્પન્ન થતાં ચિંતાનાં વમળો શાંત થઇ જાય છે, મનમાં એક સુખદ અનુભૂતિનો અહેસાસ થાય છે, જે આ જપની જ તાકાત છે ને!
સાચું જ છે કે સાચું સુખ બીજાને સુખી કરવામાં છે. શ્રી સંતરામ મંદિર, નડિયાદ માનવસેવાનું આજે મહાતીર્થ બની શક્યું છે તેનું મુખ્ય કારણ તેનો સેવાધર્મ છે. પોતાનામાંથી બહાર નીકળી બીજાનું ભલુ કરવું એ જ માનવતા, એ માનવતાનો ધર્મ આ મંદિર અને સંતો નિભાવી રહ્યાં છે, તેથી જ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની અસીમ કૃપા સમગ્ર માનવ-જીવન પર અહર્નિશ વરસી રહી છે.
કવિ મકરંદ દવેએ સાચું જ ગાયું છે કે,
વજન કરે તે હારે મનવા,
ભજન કરે ઈ જીતે
તો આવો, આપણને જે કાંઈ દેવ-સંતોમાં શ્રદ્ધા-ભાવ હોય તેનું ભજન કરીને આપણા જીવનની સાથે સાથે અન્યના જીવનને પણ ઉજ્જવળ બનાવવા સંકલ્પ કરીશું ને!
જે જે સ્થળે આ મન જાય મારું, તે તે સ્થળે સદ્ગુરુ રૂપ તારું,
જ્યાં જ્યાં મૂકું મસ્તક હું ગુરોહે, ત્યાં ત્યાં મદદ્વેહ તારો જ સોહે.
સૌને જય મહારાજ.

લેખક કેળવણીકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here