બનાસ ડેરીમાં ફરીથી સત્તા પર આવ્યા શંકર ચૌધરી

 

બનાસકાંઠાઃ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની બુધવારે ફરીથી બનાસ ડેરીના ચેરમેન તરીકે વરણી થઈ છે. તો વાઈસ ચેરમેન તરીકે અમીરગઢના ડિરેક્ટર ભાવાભાઈ રબારી ચૂંટાયા છે. આમ, એશિયાની સૌથી મોટી બનાસ ડેરી પર ફરીથી શંકર ચૌધરી સત્તા પર આવ્યા છે. 

બુધવારે બનાસ ડેરીના નિયામક મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં બનાસ ડેરીના ચેરમેન ફરીથી શંકર ચૌધરી બનશે તે નક્કી હતું. પરંતુ વાઇસ ચેરમેન માટે કોનું નામ મૂકાય છે તેના ઉપર સૌની નજર હતી. ત્યારે આખરે તેની જાહેરાત થઈ હતી. ચેરમેનની દરખાસ્ત સાંસદ પરબતભાઇ પટેલે મૂકી હતી. તો વાઈસ ચેરમેન તરીકે અમીરગઢના ડિરેક્ટર ભાવાભાઈ રબારીની દરખાત અણદાભાઈ પટેલે મૂકી હતી. બનાસ ડેરીનું સમગ્ર નિયામક મંડળ બિનહરીફ બન્યુ હતું. 

શંકર ચૌધરીના ચેરમેન બન્યા બાદ ભાજપના નેતા અલ્પેશ ઠાકોર બનાસ ડેરી પહોંચ્યા હતા. અલ્પેશ ઠાકોરે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીને શુભેચ્છાઓ આપી હતી. તેમણે કહ્યું કે, શંકરભાઈની પેનલ બિનહરીફ થઈ હતી તે જ દર્શાવે છે કે શંકરભાઈ ઉપર પશુપાલકોને કેટલો વિશ્વાસ છે. શંકરભાઈના નેતૃત્વમાં બનાસડેરી હજુ ખૂબ વિકાસ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મતદારો અને પશુપાલકોની પસંદગી શંકર ચૌધરી પર જ હતી. ત્યારે આખરે તેઓ સત્તામાં આવ્યા હતા. કેટલાક વિવાદ બાદ બનાસ ડેરીની ચૂંટણી મોકૂફ રાખવાની પિટીશન પણ હાઈકોર્ટમાં થઈ હતી.